ચોથા દિવસની કથામાં બાપુએ કહ્યું કે વિષ્ણુપુરાણ આદિ પુરાણોમાં અત્ર-તત્ર દેશના નામનો ભારત સંજ્ઞાથી ઉલ્લેખ મળે છે.દેશના સંવિધાન કર્તાંઓએ ઇન્ડિયાના પહેલા લખ્યું અને ભારત પછી લખ્યું, જો ભારત પહેલા લખ્યું હોત તો સારું હતું.આપણા દેશમાં જેટલા પણ ગ્રંથો આવ્યા બધાજની કાળગણના છે.આપણા દેશમાં સાધનાની વિધ-વિધ ધારાઓ આવી.બધા જ નો પોત-પોતાનો મહિમા છે દરેકને પોતપોતાના ગ્રંથો છે.ગ્રંથની કાળઅવધીમાં તથ્ય દેખાય છે જો ૫૦૦૦ વર્ષને આપણે એક સમય અવધી તરીકે લઈએ અને પછી ગણતરી કરીએ તો ઘણા જ પવિત્ર ગ્રંથો લઈને મહાપુરુષો આવ્યા છે. એમાં ત્રણ ગ્રંથ ઘણા જ પ્રાચીન છે.એ રીતે જોઈએ તો વેદ અપૌરુષેય છે પરંતુ એ પછી ત્રણ ગ્રંથો ભારતનો પરિચય છે.એ પછી પણ ભારતમાં ઘણા જ ગ્રંથો આવ્યા,બધા જ પવિત્ર છે. અતિ પવિત્ર ગ્રંથનો અવતાર જેમાં એક છે:ભાગવત. ભારત શબ્દમાં ભાગવત સમાહિત છે.ભગવાન શ્રીકૃષ્ણએ કળિયુગ આવી રહ્યો છે અને દ્વાપરયુગ પૂરો થઈ રહ્યો છે એ વખતે પોતાની લીલા સમેટીને પોતાનું સ્વરૂપ ભાગવતમાં રાખી રહ્યો છું એવું કહેલું ભારત શબ્દમાં ભાગવત છે.બીજો શબ્દ ‘ર’ છે એનો મતલબ છે:રામાયણ.થોડાક પાછળ જવું પડશે. શ્રદ્ધા જગત અને કાવ્યજગત બંને રામાયણ કાળને ખૂબ લાંબો કાળ બતાવે છે.લોકમાન્ય તિલક આદિ મહાપુરુષો અને વિનોબાજી વગેરે પણ એ કાળને ૭૦૦૦ વર્ષ સુધીનો કહે છે.એથી પણ થોડા પાછળ જઈએ,વેદ સુધી;વેદનો અંત છે ઉપનિષદ. વેદ પુરાણ વશિષ્ઠ બખાને-એવું લખાયું છે.તો ભારતના શબ્દમાં ‘ત’ એ ઉપનિષદનું પ્રતીક છે.ક્યારેક હું બોલ્યો છું કે ભાગવત મારી દ્રષ્ટિમાં સત્ય છે,પરમ સત્ય છે.રામાયણ પ્રેમ છે.સત્યમાં આપણો કેટલો પ્રવેશ એ આપણે વિચારીએ!અંદરની આત્મા આપણને જવાબ આપશે!! રામાયણમાં પણ રામચરિત માનસ પર વધારે ફોકસ કરું.ઉપનિષદ અને ઉપનિષદનો સાર ગીતા એ કૃષ્ણની કરુણા છે. આમ ભાગવત રામાયણ અને ગીતા એ ભારતના વૈચારિક રૂપ છે.ભારત વિશ્વમાં પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે. વ્યાસપીઠ પણ પોતાની ભૂમિકા નિભાવી રહી છે,કોઈ નોંધ લે કે ન વિશ્વ વિદ્યાલય માહિતીઓ જ આપી જાય છે પણ વિશ્વ વિદ્યાલયથી પણ અનેકગણું વધારે ગ્રંથોમાંથી મળે છે.બાપુએ કહ્યું કે હું જલ્દી હાર્વર્ડ યુનિવર્સિટીમાં રામકથા લઇ અને જવાનો છું.આ કોઈ દેખાવ કે જીદ નથી.ભારતનો એક અર્થ ભાગ્ય,આપણું નસીબ.આપણી રતિ અને તપસ્વીઓનો દેશ.આ પણ એક પરિચય કહી શકાય.રૂમી કહે છે જે રીતે આપણે કહ્યું કે આપણે ગુરુ પૂરેપૂરો નહીં માત્ર તેની રજ જોઈએ.રજ માત્ર કૃપાના પ્રસંગમાં અહલ્યાનો પ્રસંગ કહેતા બાપુએ કહ્યું કે:
પરસત પદ પાવન શોક નશાવન;
પ્રગટ ભઇ તપપુંજ સહિ
આ ત્રિભંગી છંદ છે.તુલસીજી શા માટે અહીં ત્રિભંગી છંદ લાવે છે?કારણકે અહલ્યાના તાપ,પાપ અને શાપ ત્રણેયનો ભંગ કરવા માટે રામ આવ્યા છે. અહીં પણ રઘુનાયક શબ્દ આવે છે.જાણે કે રામ અહલ્યાને કહી રહ્યા છે કે હવે તને કોઈ ભય નથી.આંખના ત્રણ દોષ હોય છે જે રજથી મટે છે.એક છે:વિકાર-વિષય વિકાર.બીજો દોષ ઈર્ષા છે ત્રીજો દોષ છલ છે.આદમી ગુણાતિત થાય ત્યારે ભવિષ્યનું દર્શન પણ તેને થવા લાગે છે. ત્યાં જ્યોતિષ કે ત્રાટક કે અન્ય કોઈ વિદ્યાની જરૂર નથી. અહલ્યાના પ્રસંગમાં નારી અપાવન-શબ્દ ભૂતકાળ સાથે,પ્રભુ જગ પાવન શબ્દ-રામ સાક્ષાત સામે ઊભા છે-વર્તમાન સાથે, અને રાવણરીપુ શબ્દ-ભવિષ્યકાળ સામે ઇશારો કરે છે.અહીં તંત્રની વામ સાધનાની જરૂરત નથી.એ સાધનામાં પણ આ પ્રકારની વ્યવસ્થા ચોક્કસ છે.રૂમી કહે છે કે હું ખૂબ જ ઝનૂન સાથે કોઈ સંકેત કે ઇશારો થશે એની પ્રતીક્ષા કરીશ.એટલે જ કહ્યું કે એક કિરણ જરુરી છે,પૂરેપૂરો સૂરજ નહિ.એ પછી શિવચરિત્રનું ગાન કરવામાં આવ્યું.
અમૃતબિંદુઓ:
રૂમી કહે છે:આઇ વેઇટ વીથ સાયલન્ટ પેશન ફોર વન જેસ્ટર,વન ગ્લેન્સ ફોર યુ.
હું ખૂબ જ ઝનૂન સાથે શાંતિથી તારા એક ઇશારાની-સંકેતની પ્રતિક્ષા કરીશ.
ઇતિહાસ સત્ય કરતા વધારે તથ્યમાં વિશ્વાસ રાખે છે.
રામાયણના આરંભમાં,મધ્યમાં અને અંતમાં પ્રેમ છે.
આ સતપીઠ છે સત્તાપીઠ નથી.
ભાગવતમાં કૃષ્ણ પોતાનું રૂપ-સ્વરૂપ રાખે છે.
રામાયણમાં રામ પોતાનું નામ રાખે છે.
રામચરિતમાનસમાં જ્યાં જ્યાં રઘુનાયક શબ્દ દેખાય છે બહુધા ત્યાં ધનુષબાણ લઈને ઉભેલા રામ અભિપ્રેત છે.
ગુણાતિત વ્યક્તિ ભૂત,ભવિષ્ય અને વર્તમાન ત્રણે
જોઈ શકે છે.