ભારતીય શિક્ષણ મંડળના ગુજરાત પ્રાંતની કારોબારી બેઠકમાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી.
ભારતીય શિક્ષણ મંડળ (ગુજરાત પ્રાંત) તેમજ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનીવર્સીટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી, એમ.એસ. યુનીવર્સીટી ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય કાર્યશાળા તેમજ પ્રાંત કાર્યકારિણીની ઘોષણા તેમજ બેઠકનું સફળ આયોજન થયું. આ આ આયોજન નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનીવર્સીટી, ગાંધીનગર મુકામે કરવામાં આવ્યું હતું. અંદાજે ૨૫૦ થી વધુ શિક્ષણવિદો તેમજ વિવિધ યુનીવર્સીટીઓનાં કુલપતિશ્રીની ઉપસ્થિતિમાં “ભારતીય શિક્ષામાં ભારતીયતા” વિષયને કેન્દ્રમાં રાખી અસરકારક ચર્ચા-ચિંતનને વિવિધ સત્ર દ્વારા સૌ સમક્ષ મૂકી સંલગ્ન બાબતોને સમજવા અને અમલમાં મુકવા આવશ્યક સૂચનો કર્યા.
રાજ્ય અને દેશની પ્રતિષ્ઠિત યુનીવર્સીટીઓનાં કુલપતિઓએ ખુબજ અસરકારક સૂચનો અને વિમર્શ રજૂ કર્યા. ભારતીય શિક્ષણ મંડળના અખિલ ભારતીય ગુરુકુળ પ્રકલ્પનાં પ્રમુખ તેમજ પશ્ચિમ ક્ષેત્રનાં પાલક અધિકારી આચાર્ય ડૉ. દીપક કોઈરાલાએ કાર્યકર્તાના વ્યવહાર બાબતે ગહન સમજણ આપી. ભારતીય શિક્ષણ મંડળના મહિલા પ્રકલ્પના અખિલ ભારતીય પ્રમુખ અને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટીનાં કુલપતિ, પ્રો. અમીબેન ઉપાધ્યાયે આ પ્રસંગે શિક્ષણમાં ભારતીયતા વિષયને કેન્દ્રમાં રાખીને મનુષ્યના સ્વથી સમાજ સુધીના યોગદાન વિષે વાત કરી. સેન્ટ્રલ યુનીવર્સીટી ઓફ પંજાબનાં કુલપતિ, પ્રો. રાઘવેન્દ્ર તિવારી, એમ.એસ. યુનીવર્સીટીના કુલપતિ, પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવ, ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીનાં કુલપતિ, ડૉ. રાજુલ ગજ્જર, ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ, પ્રો. નીરજા ગુપ્તા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ, પ્રો. કિશોરસિંહ ચાવડા તેમજ બિરસા મુંડા ટ્રાઈબલ યુનીવર્સીટીના કુલપતિ, પ્રો. મધુકરભાઈ પડવી ઉપસ્થિત રહ્યા તેમજ શિક્ષણ પરના પોતાના વિચારો પ્રગટ કર્યા.
અંતિમ સત્રમાં ભારતીય શિક્ષણ મંડળ (ગુજરાત પ્રાંત) કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી. અખિલ ભારતીય ગુરુકુળ પ્રકલ્પનાં પ્રમુખ તેમજ પશ્ચિમ ક્ષેત્રનાં પાલક અધિકારી તેવા આચાર્ય ડૉ. દીપક કોઈરાલાએ દ્વારા આગામી નિયોજન તેમજ સંગઠન કાર્યકારણીની જાહેરાત કરતા પ્રાંત અધ્યક્ષ તેમજ પ્રાંત મંત્રીની ઘોષણા કરી. ત્યારબાદ પ્રાંત અધ્યક્ષ તરીકે, પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવ દ્વારા સંગઠનના અન્ય આયામો, પ્રકલ્પો, તેમજ વિભાગના પ્રમુખ તેમજ સહપ્રમુખ હોદ્દેદ્દારોના નામોની ઘોષણા કરી. ભારતીય શિક્ષણ મંડળ (ગુજરાત પ્રાંત)ની જાહેર થયેલ કાર્યકારિણીને પ્રેરિત કરવા તેમજ કાર્ય માર્ગદર્શન હેતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડૉ. સુનીલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય શિક્ષણ મંડળના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી અને પ્રચાર પ્રમુખે આ પ્રસંગે હાજરી આપી હતી. કુલ ૨૦ જીલ્લાઓમાંથી વિવિધ વિદ્યાશાખાઓનું પ્રતિનિધિત્વ કરતા શિક્ષણવિદો અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા તજજ્ઞો માળીને લગભગ ૨૫૦ જેટલા લોકો આ કાર્યશાળાથી લાભાન્વિત થયા હતાં.