“જ્ઞાનવાપી” : તથ્યો સાથે થોડી વાત. – રવજી ગાબાણી.

“જ્ઞાનવાપી” : તથ્યો સાથે થોડી વાત

આપણાં પુરાણોમાં જે રીતે વર્ણન મળે છે, એ મુજબ જ્ઞાનવાપીની ઉત્પત્તિ ત્યારે થઈ હતી, જયારે ધરતી ઉપર વહેતી પવિત્ર ગંગા નદી સ્વર્ગમાં વહેતી હતી. એ સમય હતો જ્યારે માણસ પાણીના બુંદ માટે તલસતો હતો. એ સમયે ભગવાન શિવજીએ સ્વયમ્ પોતાના અભિષેક માટે ત્રિશૂળના પ્રહારથી જમીનમાંથી જળ ઉત્પન્ન કર્યું હતું. આ સ્થળે ભગવાન શિવજીએ માતા પાર્વતીને જ્ઞાન આપ્યું હતું. એટલે આ સ્થળનું નામ જ્ઞાનવાપી પડ્યું. અહીં ભગવાને ત્રિશૂળ વડે જળ ઉત્પન્ન કર્યું હોવાથી આ સ્થળ જ્ઞાનવાપી કુંડ કહેવાયો. જ્ઞાનવાપીનો ઉલ્લેખ હિન્દુ ધર્મના પુરાણોમાં પણ મળે છે તો પછી એનું નામ મસ્જિદ સાથે કેમ જોડાઈ ગયું? વાપીનો અર્થ તળાવ થાય છે. જ્ઞાનવાપી એટલે જ્ઞાનનું તળાવ. ભગવાન શિવજીએ માતા પાર્વતીને આપેલ જ્ઞાનનું પરમ સ્થળ.
આપણાં પુરાણોમાં કાશીની છ વાપી (તળાવ) નો ઉલ્લેખ મળે છે.
पहली वापी: ज्येष्ठा वापी। જેના માટે કહેવાય છે કે એ કાશીપુરામાં હતી, પણ હાલ એ કાળની ગર્તામાં લુપ્ત થઈ ગઈ છે.
दूसरी वापी: ज्ञानवापी। આ વાપી કાશી વિશ્વનાથ મંદિરની ઉત્તરમાં છે.
तीसरी वापी: कर्कोटक वापी। જે નાગકૂવા નામથી જાણીતી છે.
चौथी वापी: भद्रवापी। જે ભદ્રકૂપ ક્ષેત્રમાં છે.
पांचवीं वापी: शंखचूड़ा वापी। આ વાપી પણ લુપ્ત થઈ ગઈ છે.
छठी वापी: सिद्ध वापी। જે બાબૂ બજારમાં હતી, પણ અત્યારે લુપ્ત છે.
લિંગપુરાણ આપણાં અઢાર પુરાણોમાંનું એક મહત્વનું પુરાણ છે. એમાં કહેવાયું છે કે,
“देवस्य दक्षिणी भागे वापी तिष्ठति शोभना।
तस्यात वोदकं पीत्वा पुनर्जन्म ना विद्यते।”
અર્થાત્ પ્રાચીન વિશ્વૈશ્વર મંદિરના દક્ષિણ ભાગમાં જે વાપી (તળાવ) છે, એનું પાણી પીવાથી જન્મ મરણના બંધનોમાંથી મુક્તિ મળે છે.
સ્કંદપુરાણમાં પણ કહેવાયું છે કે,
उपास्य संध्यां ज्ञानोदे यत्पापं काल लोपजं
क्षणेन तद्पाकृत्य ज्ञानवान जायते नरः ।
એટલે કે જળથી સંધ્યાવંદન કરવાથી મોટું ફળ મળે છે. પાપમાંથી મુક્તિ મળે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
योष्टमूर्तिर्महादेवः पुराणे परिपठ्यते ।।
तस्यैषांबुमयी मूर्तिर्ज्ञानदा ज्ञानवापिका।।
– स्कंद पुराण:
જ્ઞાનનું તળાવ એવી જ્ઞાનવાપીનું જળ ભગવાન શિવજીનું જ સ્વરૂપ છે. સદીઓ પૂર્વે લખાયેલા આપણાં પુરાણો પણ જ્ઞાનવાપીને ભગવાન શંકરનું જ સ્વરૂપ બતાવે છે. બધાં પુરાણો કહે છે કે, જ્ઞાનવાપીનો સીધો સંબંધ હિન્દુઓ સાથે જ છે. પણ, આજકાલ આ શબ્દ મસ્જિદ સાથે જોડાઈ ગયો છે. જ્ઞાન શબ્દ પણ સંસ્કૃત શબ્દ જ છે. મુસ્લિમ આક્રમણ પહેલા કાશીનગરીને અવિમુકત કહેવામાં આવતી હતી અને ભગવાન શિવજી અવિમુક્તેશ્વર કહેવાતા હતા. કાશીમાં ભગવાન અવિમુકતેશ્વર સ્વયમ્ પ્રગટ થયેલા એટલે જ એ આદિલિંગ કહેવાયા છે.
– રવજી ગાબાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *