પાંચમા દિવસની કથા તા-૨૯ને શનિવારે સેતુબંધ રામેશ્વરમ,ઓલાઇકૂડ રોડ,તમિલનાડ હોટલ પાસે સવારે ૧૦થી૧:૩૦.
ભજન માટે બૌધિક,શારીરિક અને માનસિક દરેક પ્રકારનું સામર્થ્ય દેનાર આ ભૂમિ છે.
દ્વાદશ જ્યોતિર્લિંગમાં બીજા ક્રમમાં આવતા શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તેલુગુ કોંગ્રેસ ગ્રાઉન્ડ શ્રી શૈલ ખાતે ચોથા દિવસની કથા ખૂબ મોડી શરૂ થઈ. બાપુએ કહ્યું કે આ ચોથો અભિષેક કરીએ છીએ. રામચરિતમાનસમાં આઠ વખત રુદ્ર શબ્દ આવ્યો છે કદાચ એ રામચરિતમાનસની રુદ્રાષ્ટકાધ્યાયી છે. ગોસ્વામીજી આપણને એ તરફ સંકેત કરે છે.સમગ્ર રામચરિતમાનસમાં ૧૬વખત અભિષેક શબ્દ આવ્યો છે ગુરુ કૃપાથી લાગે છે ભગવાન શિવમાં ૧૬ રસ છે, ભગવાન રામમાં ૧૬શીલ છે,ભગવાન શ્રીકૃષ્ણમાં ૧૬ કળાઓ છે,ભગવતી પરામ્બિકા દુર્ગામાં ૧૬ઉર્જા કળાઓ છે,અને કોઈ બુદ્ધપુરુષમાં ૧૬ વિચિત્ર કળાઓ હોય છે.દુર્ગા પણ રુદ્ર છે,રામ રુદ્ર છે,કૃષ્ણ પણ રુદ્ર છે,શિવ તો રુદ્ર છે જ.કોઈ સમર્થ બુદ્ધપુરુષ પણ રુદ્ર છે.રુદ્રાણમ શંકરચાસ્મિ- રુદ્રમાં હું શંકર છું એવું શ્રીકૃષ્ણ કહે છે.ઉત્તરકાંડમાં કોટિ- કોટિ રુદ્ર જેવા રામ અનાવશ્યકનો સંહાર કરે છે. રુદ્રાષ્ટકનો માલિક શિવ અને ભવાની પણ રુદ્ર છે. ગુરુનું દર્શન એ રુદ્રનો પાઠ છે. રુદ્ર રુદ્રી અને મહાદેવનું રુૌદ્ર રૂપ આ ત્રણેયનો સમન્વય રામચરિત માનસમાં છે.પૃથ્વીનો,આકાશ,જળ,અગ્નિ અને વાયુનો પણ અભિષેક થવો જોઈએ.કોઈ દિનની આંખમાં જોઈને આંસુ આવી જાય એ નેત્રાભિષેક છે કોઈના કાનમાં તેના કલ્યાણ માટે પ્રિય સત્ય નાખવામાં આવે તે કર્ણાભિષેક છે,કોઈ બુદ્ધપુરુષ આપણા ખભા પર હાથ રાખે એ સ્પર્શાભિષેક છે, અકારણ કોઈ આપણી સામે હસી લે તે મુસ્કાન અભિષેક છે.હું બધાને યાદ કરીને અભિષેક કરું છું મારું નિજ કોઈ નહીં બધા જ મારા પરિજનો છો. શીલમાં પૂર્ણ રામ,રસમાં પૂર્ણ શિવ,કળાઓમાં પૂર્ણ શ્રીકૃષ્ણ-વાદન,ગાયન,નર્તન,કેશકલા,પ્રેમકલા,
કામકલા,કર્મકલા,અસંગ રહેવાની કલા,રાજકલા, વાક્ કલા,યુદ્ધકલાથી પૂર્ણ છે.
પાંડવો અહીં વનવાસ માટે આવ્યા.એક વખત બેઠા છે એ વખતે અવાજ આવે છે,ચાખડીઓ સંભળાય છે,સફેદ વસ્ત્ર,સફેદ દાઢી,એક હાથમાં કમંડળ- એ હતા વેદવ્યાસ.ચરણ પ્રક્ષાલન પછી યુધિષ્ઠિર પૂછે છે તમારું આવવાનું પ્રયોજન? સામર્થ્ય,નિર્ભયતા અને બૌદ્ધિકતા હોય એણે બેસી ન રહેવું જોઈએ એવું કહેવા આવ્યો છું.બધાના સામર્થ્યની પાછળ કોઈ અદીઠ શક્તિ હોય છે.બાપુએ કહ્યું કે હું ભરોસાથી ટ્રેનમાં બેઠો છું સમગ્ર યાત્રામાં કોઈક અદીઠ શક્તિ છે આપણી કમજોર આંખો તેને જોઈ શકતી નથી.વ્યાસે કહ્યું કે ભીષ્મના બાણ ચાલશે તો પરસેવો વળી જશે.મહાદેવનું સ્મરણ કરો અહીં તેનું સ્મરણ થયું તે જગ્યા છે.એક ભૂંડ ફરી રહ્યું હતું અર્જુને ગાંડિવમાંથી તીર ચલાવ્યું,જખમી થયું પોતાનું તીર કાઢવા ગયો એ વખતે પાર્ષદો દોડીને આવ્યા,બીજું તીર પણ ભૂંડના શરીરમાં લાગેલું એને કહ્યું કે અમારા ભગવાને એને તીર માર્યું છે. એ ભીલના રૂપમાં શિવ અને ભીલડીના રૂપમાં પાર્વતી હતા.સંઘર્ષ થયો અને અર્જુનને બાણ ચલાવતા ભગવાન મહાદેવ પ્રગટ થયા.કહ્યું કે મારો ભક્ત પ્રહાર કરે એની ખુશી છે પણ આ ગાંડિવથી તું યુદ્ધ જીતી શકે નહીં.અહીં પાશુપત શસ્ત્ર આપવામાં આવ્યું એ ભૂમિ છે.સામર્થ્યવાનને પણ સામર્થ્ય આપનાર આ ભૂમિ.ભજન માટે બૌધિક,શારીરિક અને માનસિક દરેક પ્રકારનું સામર્થ્ય દેનાર આ ભૂમિ છે. બાપુએ કહ્યું કે ચારધામ અને બાર જ્યોતિર્લિંગ મળીને આપણા નસીબની આ ૧૬ કળાઓ છે. પંજરીનો અર્થ દાદા સમજાવતા કે-એક સ્વીકાર, બીજું અન્ય ઉપર પ્યાર,ત્રીજું બધાનું દ્વાર બનવું, ચોથું શુભ વિચાર અને પાંચમું પુકાર આ પંજરીનો પ્રસાદ છે.
કથાયાત્રાની બંને ટ્રેઇન આવતિકાલ ૨૮ તારીખે દક્ષિણનાં પ્રસિધ્ધ પાવનધામ રામેશ્વરમ પહોંચશે,જ્યાં એક દિવસની વિશ્રાંતિ બાદ પાંચમા દિવસની કથાનું ગાન તા-૨૯ને શનિવારે સેતુબંધ રામેશ્વરમ,ઓલાઇકૂડ રોડ,તમિલનાડ હોટલ પાસે સવારે ૧૦થી૧:૩૦ થશે.
કથાવિશેષ:
શનિવારે જ્યાં કથાગાન થશે એ રામેશ્વરમ જ્યોતિર્લિંગનું માહાત્મ્ય:
રામેશ્વરમ એ ભારતનું એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે અને હિન્દુઓ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે.
ભારતના તમિલનાડુ રાજ્યમાં મન્નારના અખાતમાં એક ટાપુ પર આવેલું નગર છે.તે હિંદુ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે અને તે ભગવાન શિવને સમર્પિત તેના પ્રાચીન રામનાથસ્વામી મંદિર માટે પ્રખ્યાત છે.
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, રામેશ્વરમ ચાર ધામ તીર્થસ્થાનોમાંનું એક છે અને રામાયણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે.ભગવાન વિષ્ણુના સાતમા અવતાર, ભગવાન રામ, રામેશ્વરમ આવ્યા હતા અને રાક્ષસ રાજા રાવણથી તેમની પત્ની સીતાને બચાવવા માટે રામેશ્વરમથી શ્રીલંકા સુધી એક પુલ (જેને રામ સેતુ અથવા આદમના પુલ તરીકે ઓળખવામાં આવે છે) બનાવ્યો હતો.
રામેશ્વરમમાં રામનાથસ્વામી મંદિર મુખ્ય આકર્ષણ છે અને તે તેના નોંધપાત્ર સ્થાપત્ય અને ધાર્મિક મહત્વ માટે પ્રખ્યાત છે. મંદિર સંકુલમાં અનેક મંડપ (હોલ), મોટા કોરિડોર અને પવિત્ર ટાંકીઓનો સમાવેશ થાય છે, જે તેને સ્થાપત્યની અજાયબી બનાવે છે.
રામનાથસ્વામી મંદિરની સૌથી વિશિષ્ટ વિશેષતાઓમાંની એક તેના ૨૨ કુવાઓ છે, જેમાંથી દરેકમાં અલગ સ્વાદ અને ખનિજ રચના સાથે પાણી હોવાનું કહેવાય છે. તીર્થયાત્રીઓ માટે આ કુવામાં સ્નાન કરવું સામાન્ય પ્રથા છે કારણ કે તે આધ્યાત્મિક રીતે શુદ્ધ માનવામાં આવે છે.
રામનાથસ્વામી મંદિર ઉપરાંત, રામેશ્વરમમાં અન્ય નોંધપાત્ર આકર્ષણો પણ છે, જેમ કે અગ્નિ તીર્થમ, એક પવિત્ર બીચ જ્યાં ભક્તો મંદિરની મુલાકાત લેતા પહેલા પવિત્ર સ્નાન કરે છે, અને ઐતિહાસિક મહત્વ ધરાવતું એક મનોહર સ્થળ ધનુષકોડી.