અનિકેત અને અનુ બાળપણના મિત્રો. અનુની સવાર અનિકેતની બૂમથી જ પડે. બન્ને સાથે શાળાએ જાય એક જ બેન્ચ પર બેસવાનું. શાળાએથી આવીને લેશન પણ સાથે જ કરવાનું. બન્ને સાથે ને સાથે જ હોય ને એકબીજાની ખુબ કાળજી રાખે. સમય પસાર થયો ને ઉંમર ઉંમરનું કામ કરતી ગઇ. બન્ને યુવાન થયા. પણ એમનું બાળપણ જાણે હજી પણ તેમનામાંથી ગયું ન હતું. બન્ને એવા જ નિર્દોષ. બન્ને સારું ભણી સારી જગ્યાએ જોબ કરતા હતા. એવામાં અનુના ઘરમાં તેના લગ્નની વાતો થવા લાગી. અનુના મમ્મી ને અનિકેત ગમતો હતો પણ તેના પપ્પાને આ સંબંધ મંજૂર ન હતો. તેમને અનુના લગ્ન કોઈ એન આર આઇ સાથે કરાવવા હતા. એવામાં અનુના પિતા ના મિત્ર રમણીક ભાઈનો પુત્ર નિમેષ લંડનથી મેરેજ કરવા માટે અહીં આવ્યો હતો. રમણીકભાઇ તેને લઈને અનુના ઘરે આવ્યા. બન્ને વચ્ચે વાતચીત થઇ પણ અનુને એ અનિકેત જેવો ન લાગ્યો. પણ માંબાપની ખુશી ખાતર તેણે પોતાની ખુશીનું બલિદાન આપ્યું. અનુ નિમેષ સાથે અનિકેતને મળવા ગઇ. ત્યારે અનિકેતના પગ નીચેથી જમીન સરકી ગઇ. પણ તે તેની મિત્રની ખુશીમાં ખુશ થયો. હવે અનિકેત અનુથી દૂર રહેવા લાગ્યો.આખરે ધૂમધામથી અનુના લગ્ન થયા ને છ જ મહિનામાં અનુ નિમેષ સાથે લંડન ચાલી ગઇ. તેનો સંસાર ખુબ સારો ચાલી રહ્યો હતો. તે નિમેષ સાથે ખુબ ખુશ હતી. નિમેષ અનુને ખુબજ સાચવતો હતો. એક દિવસ બપોરે ત્રણ વાગે અનુને એક ફોન આવ્યો. ફોન હોસ્પિટલથી હતો નિમેષનું કર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અનુ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. તે અમદાવાદ તેના પિતાને ત્યાં આવી ગઇ. અનુ કરમાયેલા ફૂલ જેવી થઇ ગઇ હતી. એક સાંજે અનુના ઘરનો દરવાજો ખખડ્યો.અનુના મમ્મીએ દરવાજો ખોલ્યો તો અનિકેત અને તેના મમ્મી દરવાજે હતા. અનુના મમ્મી એ તેમને આવકાર આપ્યો. થોડી વારે અનિકેતના મમ્મી બોલ્યા કે અમે અનુને અમારા ઘરની વહુ બનાવવા માંગીએ છીએ જો તમારી ઈચ્છા હોય તો. આ સાંભળી અનુના પપ્પા મૌન થઇ ગયા ત્યારે અનિકેતે તેમને કહ્યું કે હું અનુને આવી નથી જોઈ શકતો અંકલ, હું એને ખુબ ખુશ રાખીશ. એનું સ્મિત હું ફરી પાછું લાવીશ. આખરે તેના પિતા માની ગયા.અનિકેતે તેની મિત્રતા નિભાવી જાણી ને અનુને એક નવી જિંદગી આપી. તે ફરી ગુલાબનું ફૂલ બની ગઇ.
Related Posts
મસ્કની ચકલી હવે તમને ‘પોપટ’ ન બનાવી જાય જો, જો..!
- Tej Gujarati
- April 22, 2023
- 0