લગ્ન પ્રસંગે ગવાતા લગ્નગીતો અને ફટાણાંએ લગ્ન પ્રસંગની આગવી મજા વધારતા હોય છે. લગ્નના જુદા જુદા પ્રસંગોએ જુદા જુદા પ્રકારના ગીતો ગવાતા હતા. સમયનાં પ્રવાહમાં લગ્નગીતો ગાનારોની સંખ્યા ઘટી રહી છે. કોઈ ઉંમરલાયક માણસ હોય એને કેટલાક લગ્ન ગીતો આવડતા હોય પણ એ ગીતો પાછળ ઝીલનારની સંખ્યા કેટલી ? એવા સમયમાં દીકરીઓમાં એ વારસો ટકી રહે તે ખૂબ જરૂરી છે.
ભવિષ્યમાં આ દિશામાં દીકરીઓ આત્મ નિર્ભર બની શકે તેવું એક મોટું ફિલ્ડ પણ આમાં મને દેખાય છે. લગ્ન સમારંભોમાં ભવિષ્યમાં જુદા જુદા સમાજના લગ્ન ગીતો ગાનારોની માંગ ઉભી થવાની સંભાવનાઓ છે. તે સમયે અમારી દીકરીઓ આ દિશામાં પણ આગળ વધી શકશે !
આજે શાળાની અંદર લગ્નગીત અને ફટાણાની સ્પર્ધા કરવામાં આવી. સ્પર્ધા કરતા પણ હું એમ કહેવાનું યોગ્ય ગણીશ કે દીકરીઓએ પોતાની આગવી શૈલીના દર્શન કરાયા. દીકરીઓની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓ અને આવડત બહાર લાવવા માટેના અનેક પ્રયાસો પૈકીનો આ એક નાનકડો પ્રયાસ હતો.
સમગ્ર શાળામાંથી ચાર ટીમોએ ભાગ લીધેલો.
લગ્નગીતો પણ કેવા
ઊંચા ઊંચા બંગલા બનાવો….
નાણાવટી રે સાજન બેઠું……
કંકું છાંટીને લખજો કંકોતરી….
એવા માંડવ રોપાવ્યા……
અને એથીએ આનંદનો વિષય હતો ફટાણા. ફટાણા દ્વારા રજુ થતી લોક સંસ્કૃતિની પણ એક મજા છે. ગીતો અને ફટાણા ની અંદર પોતાની દીકરીની આગવી કુનેહ વર પક્ષને મીઠી ભાષામાં સમજાવવાની એક આગવી આવડત હતી. તેમ જ રાખવાની થતી સાવચેતીની પણ તેમાં ટકોર હોય છે. વેવાઈ – વેવાણ, જેઠ – જેઠાણી, દિયર – દેરાણી વગેરેનું સામાજિક જીવનમાં કેટલું મહત્ત્વ છે અને કેવા સમયે કેવા પ્રકારનું વર્તન હોવું જોઈએ તેની માર્મિક ટકોર ફટાણા દ્વારા રજુ થતી હોય છે. દીકરીઓએ કેટલાક ફટાણા રજૂ કર્યા જેવા કે
છોરો કે દાડાનું પૈણું પૈણું કરતો તો…
એક ભો માંથી નીકળ્યું…
વરઘોડો વરઘોડો વાલમ તારો વરઘોડો…..
થાળી કેમ વાગતી નથી રે….
દીકરીઓએ પરંપરાગત પોશાકમાં ખુબ સુંદર રજૂઆત કરી. કેટલીક ઝલક આપ સૌ માટે