રામચરિત માનસ ત્રણ વસ્તુઓનું શમન કરે છે:પાપનું,સંતાપનું અને શોકનું તમારો ગુરુ તમને સાંભળે છે,જો અપેક્ષા છોડી દો તો.

 

ઉત્તરાખંડ-પંજાબ-હિમાચલની આપત્તિ પર વ્યાસપીઠ તરફથી ૨૫ લાખથી પણ વધારે રાશિ તુલસિપત્ર રૂપે આપવાની બાપુએ જાહેરાત કરી.

ચોથા દિવસની રામકથાના પ્રારંભે કેટલીક જિજ્ઞાસાઓને સમય અને સમજને ધ્યાનમાં રાખીને જવાબ આપતા બાપુએ કહ્યું કે યોગવશિષ્ઠમાં મોક્ષના ચાર દરવાજા બતાવ્યા છે:શમ,વિચાર, સંતોષ અને સાધુસંગ.ગોસ્વામીજીએ વિનયપત્રિકામાં પણ આ જ વાત ઉતારેલી છે.સાધુસંગ નજીકવાળા માટે તો રોજ સુલભ હોય છે પણ દૂર હોય છે એના માટે સાધુસંગનો શું મતલબ?કોઈ બુદ્ધપુરુષ બધાની સાંભળતો હશે? બધાનો પોકાર એના કાનમાં પડતો હશે?સાધુપુરુષ, સદગુરુ,પરમહંસ જે પણ શબ્દ પ્રયોગ કરીએ,જો કે બધાની વ્યાખ્યા ભિન્ન થઈ શકે છે.પણ અહીં બધાને સગોત્રી પર્યાય સમજીએ તો ક્યારેક-ક્યારેક નજીક રહેનાર સાધુસંગથી વંચિત રહી જાય છે અને દૂર રહેનાર જાર-જાર આંસુએ રોવે છે એ જ નિત્યસંગ છે.ઉપનિષદ કહે છે બ્રહ્મ દૂરથી પણ દૂર અને નજીકથી પણ નજીક છે,સવાલ છે ભાવદશાનો.પણ સાધુસંગ સુધી પહોંચવા માટે વશિષ્ઠજીએ પહેલો પડાવ,પહેલો મુકામ શમ કહ્યો છે.શમનો અર્થ છે ધીરે ધીરે અંદરની શાંતિ.મારી જાણ મુજબ દમથી પણ શમ વધારે સારું છે.દમમાં પ્રયત્ન પૂર્વક પકડવું પડે છે સાધુસંગ સુધી પહોંચવા જરૂરી છે શાંતિ.ભીતરી ઉહાપોહ ઓછો થાય એ જરૂરી છે.શું વિચાર શૂન્ય થઈ જવું?વિચારનો પણ અહીં આદર છે.એટલે બીજો પડાવ છે-વિચાર.માણસ વિચારશીલ હોવો જોઈએ.પણ વિચારની કૂખ,વિચારનો ગર્ભ શાંતિનો હોવો જોઈએ.વિચાર જરૂરી છે.સમ્યક વિચાર ક્યારેક ક્યારેક આપણને ધારણામાં ખેંચી લે છે.બધી ધારના સપના છે.પતંજલિનું યોગ સૂત્ર યમ,નિયમ, આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધ્યાન,ધારણા અંતે સમાધિ સુધી જાવું પડે છે,પણ વચ્ચે રોકાવાનું નથી. ધારણા પણ સમાધિ નથી.ધારણાને પણ અતિક્રમીને સમાધિ સુધી જવાય છે.રામકૃષ્ણ દેવી કાલીની ધારણા કરી અને એક પ્રયોગ કર્યો કાપી નાખવાનો, તલવાર લઈને કાપવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે કાલી પણ ધારણા હતી તલવાર પણ ધારણા હતી! તમારો ગુરુ તમને સાંભળે છે જો અપેક્ષા છોડી દો તો.આ તો પતંજલિનું સૂત્રપાત છે.પણ અષ્ટાવક્ર પાસે જઈએ તો એ કહે છે સમાધિ પણ વિઘ્ન છે.તો છેલ્લો મુકામ કયો છે?સહજતા.સાક્ષી દ્રષ્ટાભાવ,જે કંઈ થઈ રહ્યું છે એ જોયા કરવું.કબીર કહે છે સાધુ સહજ સમાધિ ભલી.નિર્દોષ અને સહજમાં ફરક છે.સહજ ઘણા છે.કોઈના જીવનમાં ક્રોધ સહજ છે.કોઈને લોભ સહજ હોય છે.ત્રીજા સ્થાન પર સંતોષ છે.બીનુ સંતોષ ન કામ નસાહિ. આટલા પડાવો પસાર કરીએ તો સાધુ પાસે જવું પડતું નથી.સદગુરુ જ આપણી આસપાસ હોય છે. .ઘરમાં સમાધિ લાવવી હોય તો સેવા કરો.ઠાકોરજીની અને સમાજની પણ સેવા કરવી.બીજું એક બીજા વચ્ચે ટ્રાન્સપરન્સી સત્ય હોવું જોઈએ.ત્રીજું દયા હોવી જોઈએ. દયા કોના ઉપર?ઘરમાં જે કોઈ કામ કરે છે એના ઉપર દયા હોવી જોઈએ અને ચોથું નીતિ.નીતિનું ધન અને નીતિનું ધાન હોવું જોઈએ.આટલી વસ્તુ હશે તો આખા ઘરમાં ઈશ્વર હશે.ભગવાન એક ખૂણામાં અને શરાબ ટેબલ પર હોય છે!

સેવા સત્યતા નીતિ ને ધન ધાન;

તા ઘરમેં વસતો કાયમ ભગવાન વિઠ્ઠલા.

સુરજ દરવાજો ખખડાવતો નથી પણ અવસર દેવો જોઈએ પ્રકાશને અંદર આવવા માટે.રામચરિત માનસ ત્રણ વસ્તુઓનું શમન કરે છે:પાપનું,સંતાપનું અને શોકનું.કયા-કયા પ્રકારના પાપ?ખૂબ લાંબુ લિસ્ટ છે.મહાપાતક પણ ગ્રંથોમાં બતાવેલા છે.પાપ પછી ઉપપાતક શાખાઓ પણ છે.કૃષ્ણ કહે છે હું તને બધા જ પાપોથી મુક્ત કરીશ.પાપથી મુક્તિ ત્રણ વસ્તુથી મળે છે:એક-સંત દર્શન.બીજું રામચરિત સાંભળવું અને ગાવાથી પાપ કટશે અને ત્રીજું રામ નામના જપથી પાપ મટી શકે છે. કેટલાક પાપ વાચિક એટલે કે વાણીથી થાય છે.જૂઠ અને બીજાની નિંદા એ વાણીનું પાપ છે.ઘણા પાપ કાયિક પાપ છે.જે શરીરથી-હાથથી-પગથી-સાંભળવાથી,મન અને પાંચ કર્મેન્દ્રિયથી થાય છે.નજરોથી પણ પાપ થાય છે રામચરિત એમાંથી મુક્ત કરે છે. કેટલાક પાપ માનસિક હોય છે.ધની પણ પાપ કરે છે નિર્ધન પણ પાપ કરે છે.

ત્રાપજકર દાદા કહે છે:

ધન્ય મળે નહિ ધન મળે,ધન વાવે તો ધન્ય;

પરકાજે પર્જન્ય વરસી જાણે વિઠ્ઠલા

આજે ઉત્તરાખંડ પંજાબ હિમાચલમાં એક-બે દિવસમાં આવેલી વિપત્તિ વિશે વાત કરતા બાપુએ કહ્યું કે ચિત્રકૂટધામ અને આ સંગીતમંડળી એ બધાએ મળી અને સવા લાખ રૂપિયાની રાશિ,જોકે આટલી નાની રાશિ આ મહા વિપત્તિ માટે ઘણી ઓછી કહેવાય,પણ આપણી સંવેદનાના રૂપમાં ઓછામાં ઓછા ૨૫ લાખ રૂપિયા આપત્તિ જ્યાં જ્યાં આવી છે ત્યાં તુલસીપત્રના રૂપમાં મોકલી દેશું. બોસ્ટનની વ્યાસપીઠ તરફથી આ તુલસીપત્ર છે. બાપુએ કહ્યું કે એક હોય છે સંતાપ જે માનસિક હોય છે.રામચરિતથી એ મટી જાય છે.એક છે શોક બની ગયેલી ઘટના કે કોઈની યાદ શોકાતુર કરે છે ભગવત કથા શોકને શ્લોક બનાવી દે છે. રામકથા પ્રિય પાલક છે

રામકથાના પ્રવાહમાં શિવચરિત્રનું સંક્ષિપ્ત દર્શન કરી રામજન્મની કથાના ગાન સાથે સમગ્ર વિશ્વને રામ જન્મની વધાઇ સાથે આજની કથાનું સમાપન થયું

અમૃતબિંદુઓ:

અતિશય વિચાર પરિગ્રહ છે,અપરિગ્રહ નથી.

તમારો ગુરુ તમને સાંભળે છે જો અપેક્ષા છોડી દો તો.

અપેક્ષા અને આશીર્વાદ એક સાથે રહી શકતા નથી.

સ્થૂળ રૂપમાં સાધુની સેવા થઈ શકે સંગ નહીં,સંગ સૂક્ષ્મ રૂપમાં જ થાય છે.

અકારણ પ્રસન્નતા આવે તો સમજવું કે પાપ ગયા છે કારણકે પાપે પ્રસન્નતાને દબાવી દીધી હતી.

પાંચ પ્રકારના ફૂલ છે:વાણીના ફૂલ, વેણીનાં ફૂલ,વેણુનાં ફૂલ-કૃષ્ણની વેણુનાં ફૂલ,વેલીનાં ફૂલ અને વૈરાગ્યનાં ફૂલ.

કૃષ્ણ પ્રેમપુરુષ,પ્રજ્ઞાપુરુષ,પાવકપુરુષ,પરાક્રમપુરુષ અને પરમપુરૂષ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *