મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં સ્પીકરને નાનું તાળું સોંપીને દરવાજા પર બંધ કરવાનું કહ્યું
ચંદીગઢ, 5 માર્ચ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં રાજ્યપાલના સંબોધનમાં વિક્ષેપ પાડવા બદલ પંજાબ કોંગ્રેસના સભ્યોની ભારે ટીકા કરી હતી. તેમણે ગુસ્સામાં કોંગ્રેસ પાર્ટીની સરખામણી જૂની ફિયાટ કાર સાથે કરી હતી. આ સાથે સીએમ માને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર પણ સવાલો ઉઠાવ્યા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવા અને સીએમ ભગવંત માન વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિપક્ષી ગઠબંધનનો હિસ્સો છે જે પંજાબ સિવાય અન્ય જગ્યાઓ પર સાથે મળીને લડશે.
પંજાબના સીએમ ભગવંત માને સોમવારે વિધાનસભામાં સ્પીકરને એક નાનું તાળું સોંપ્યું અને કહ્યું કે, “ગૃહના દરવાજા પર તાળું અને ચાવીઓ રાખવી જોઈએ. જેથી વિપક્ષ બહાર ન જઈ શકે અને અહીં બેસીને સત્ય સાંભળી શકે.”
કોંગ્રેસ ફિયાટ કારના જૂના મોડલ જેવી: CM
સીએમ માને કહ્યું કે, “અખિલેશ યાદવે તેમને કહ્યું હતું કે, કોંગ્રેસ અપડેટ થઈ ગઈ છે, યુપીમાં 1 સીટ માંગી રહી છે.” અખિલેશે શું કહ્યું તેનો ઉલ્લેખ કરતા માને કહ્યું કે, “કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું પરંતુ સાડા નવ વર્ષ પહેલા તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.” મુખ્યમંત્રી માને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, “હકીકતમાં, કોંગ્રેસ ફિયાટ કારના જૂના મોડલ જેવી છે જેને અપડેટ કરી શકાતી નથી.”
રાહુલ ગાંધી પર પણ સાધ્યું નિશાન
પંજાબના સીએમ ભગવંત માને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, “સંસદના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા છત્તીસગઢના પ્રવાસમાં વ્યસ્ત હતા.” CM માને કહ્યું કે, “વડાપ્રધાન બજેટ સત્ર દરમિયાન પણ સંબોધન કરવાના હતા. પરંતુ તેમના (કોંગ્રેસ) મુખ્ય વક્તા છત્તીસગઢના જંગલોમાં ફરતા હતા. ખબર નથી કે તે કઈ યાત્રા પર હતા ?
CMએ સ્પીકરને તાળું આપ્યું કહ્યું કે, વિપક્ષ ભાગી ન જાય
મુખ્યમંત્રી ભગવંત માને સ્પીકરને એક નાનું તાળું આપ્યું અને કહ્યું કે, “ગૃહના દરવાજા પર તાળું અને ચાવીઓ રાખવા જોઈએ જેથી વિપક્ષ બહાર ન જઈ શકે અને અહીં બેસીને સત્ય સાંભળી શકે.” તેમણે કહ્યું કે, રાજ્યપાલનું ભાષણ પણ પૂરુ ન થવા દેવામાં આવ્યું કારણ કે તેઓ સત્ય બોલી રહ્યા હતા. વિપક્ષ બહાના બનાવીને ભાગવાનો પ્રયાસ કરશે, પરંતુ તેમને ભાગવા ના દેવા જોઈએ. આનાથી વિપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવા નારાજ થયા હતા.