‘ચાલશે, ભાવશે અને ફાવશે’. – નિખિલ કિનારીવાળા, અમદાવાદ

એક વિચાર લેખ…
શીર્ષક: ‘ચાલશે, ભાવશે અને ફાવશે’

🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾 🌾

જીવનમાં સૌને ગમતા રહેવાની એક ગુરુચાવી એટલે ‘ચાલશે, ભાવશે અને ફાવશે’નો મંત્ર સ્વેચ્છાએ અપનાવવો. ખાસ કરીને જેણે આ મંત્રને પાછલી ઉંમરમાં પોતાના જીવનમાં વણી લીધો હોય તે તેના જીવનમાં આવનાર શક્ય ઘણી બધી મુશ્કેલીઓમાંથી બાકાત રહી શકે. બીજી ખાસ વાત એ છે કે જેણે પણ આ સૂત્ર પોતાના સ્વભાવમાં અપનાવી લીધું છે તે તેના સંપર્કમાં આવતા સહુને પ્રિય લાગે છે અને માન સન્માનને પાત્ર બને છે. આમ કરવાથી વ્યક્તિ પોતે તો માનસિક શાંતિને પાત્ર બને જ છે પરંતુ તે બીજાને પણ શાંતિ પ્રદાન કરે છે અને માટે જ તે વ્યક્તિ દરેક જગ્યાએ આવકાર્ય બને છે.

આ સ્વભાવ કેળવવો એ દરેક વ્યક્તિના હાથની વાત નથી હોતી. માણસનો સ્વભાવ અને પ્રકૃતિ જીવનમાં ઘણા બધા પ્રસંગોના અનુભવના આધારે આપોઆપ ઘડાયેલ હોય છે. પ્રયત્નપૂર્વક પોતાના સ્વભાવમાં અને વર્તનમાં આ ‘ચાલશે, ભાવશે અને ફાવશે’નું સૂત્ર સામેલ કરવું પડે છે. અમુક વ્યક્તિઓ વાણી, વિચાર અને વર્તનમાં માત્ર અને માત્ર સ્વકેન્દ્રી હોય છે. તેમને ફક્ત પોતાના ગમા અને અણગમાની ચિંતા હોય છે. કોઈપણ એક બાબતે બીજાને પોતાનાથી અલગ દ્રષ્ટિકોણ અને વિચારધારા પણ હોઈ શકે છે તે બાબત તેઓ સ્વીકારવા તૈયાર હોતા જ નથી. જ્યાં સુધી એ બાબત તેમને પોતાને લાગુ પડતી ન હોય ત્યાં સુધી એ પ્રશ્ન ગંભીર બનતો નથી, પરંતુ જો એ બાબત તેમને લાગુ પડતી હોય તો તે એમની અનુકૂળતાઓ અને વિચારધારા પ્રમાણે જ થવું જોઈએ એવો દુરાગ્રહ ધરાવતા હોય છે. આવા સંજોગોમાં ધીમે ધીમે જે તે વ્યક્તિ બીજા બધા માટે અસ્વીકાર્ય અને અપ્રિય બનતી જાય છે.

આપણો ‘ચાલશે, ભાવશે અને ફાવશે’ નો અભિગમ આપણી સાથે સંકળાયેલા આપણા પરિવારજનો, સ્નેહીજનો, મિત્રો અને બીજા પરિચિતો સાથે એકદમ સહજતાથી અને સરળતાથી અનુકૂળ થવાનો આશય ધરાવે છે. આમાં વ્યક્તિગત રીતે કોઈપણ વિરોધ વગર પ્રતિકૂળ પરિસ્થિતિને પણ ચલાવી લેવાની સંમતિ હોય છે. ગમો અણગમો ત્યજીને સ્વાદને મહત્વ ન આપતાં સંજોગો અને પરિસ્થિતિને અનુરૂપ ભોજનની વાનગી પોતાને ભાવશે એવું દર્શાવવાની તૈયારી હોય છે. કોઈ વિપરીત સંજોગોમાં પરિસ્થિતિઓ ઉપર કાબુ ન રહેતાં અગવડો સાથે જીવવાનો સમય આવે તો એનો સ્વીકાર હસતા ચહેરે કરવાની તૈયારી દર્શાવાય છે. આ મનોવૃત્તિ કેળવવાથી અને આચરણમાં લાવવાથી આપણે આપણી જાતને ગૌણ બનાવતા નથી કે આપણું પ્રાધાન્ય ઓછું કરીએ છીએ એવું પણ નથી પરંતુ તેનાથી આપણી સાથે જોડાયેલા બીજાની લાચારી ઓછી કરીએ છીએ અને તેમને આપણું બિનજરૂરી ધ્યાન રાખવાની જવાબદારીમાંથી ચિંતામુક્ત કરીએ છીએ.

પાછલી ઉંમરમાં ‘ચાલશે, ભાવશે અને ફાવશે’નો ગુરુમંત્ર દરેકે અપનાવા જેવો છે. આ અવસ્થામાં પુરુષ કે સ્ત્રી બંને કંઈક અંશે પરાવલંબી જીવન જીવતા હોય છે. કુટુંબમાં પુત્ર, પુત્રવધુ, પુત્રી, જમાઈ અને પૌત્ર-પૌત્રી આદિ સાથે પ્રિય બનીને રહેવું હોય તો તેમને અને તેમની જીવન પદ્ધતિને અનુકૂળ બનતા શીખવું પડે. આમ કરવાથી કોઈ પોતાનું માન-સન્માન ગુમાવતું નથી પરંતુ તેનાથી ઊલટું તેમનો બોજો ઓછો કરવાની વૃત્તિથી અપનાવેલો આ અભિગમ તેઓના મનમાં પોતાના માટે માન-સન્માન ઉપજાવવાની લાગણી પેદા કરે છે. પાછલી ઉંમરમાં વ્યક્તિ પોતાના સ્વભાવ અને વર્તનમાંથી જેટલો પોતાનો હઠાગ્રહ દૂર કરશે એટલો પોતે સુખી થશે અને બીજાને પણ સુખી કરશે. ચાલો આ ‘ચાલશે, ભાવશે અને ફાવશે’ના સૂત્રને જીવનમાં અપનાવીએ અને જીવનને હલકું ફૂલકું બનાવીએ.

વિચાર યાત્રા:
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૯ જૂન ૨૦૨૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *