અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા સહિત ઘણા બધા દેશોમાં મધર્સ ડેની ઉજવણી વર્ષના મે મહિનાના બીજા રવિવારના દિવસે થાય છે. આ વર્ષે મધર્સ ડે ૧૪મી મે ૨૦૨૩ને રવિવારના દિવસે ઉજવાશે. મધર્સ ડેની ઉજવણીમાં પોતાના જીવન સાથે સંકળાયેલી માતાઓને તેમના વાત્સલ્ય, નિસ્વાર્થ પ્રેમ અને મમતાને સન્માનપૂર્વક યાદ કરીને પ્રતિકાત્મક રીતે આદર વ્યકત કરી બિરદાવવામાં આવે છે.
‘મા’ શબ્દથી કોણ અજાણ હશે? બાખોડીયા ભરતું બાળક સૌથી પહેલો કોઈ શબ્દ બોલતાં શીખતું હોય તો તે છે ‘મા’. બાળકના મુખેથી પહેલવહેલું સંભળાતું ‘મા’ શબ્દનું કાલુઘેલુ સંબોધન માતાને સ્વર્ગના સુખની અનુભૂતિ કરાવે છે. આ ધરતી પર અસ્તિત્વમાં આવેલો મા-બાળકનો સંબંધ સૌથી પવિત્ર સંબંધ ગણાય છે. આ સંબંધને કોઈ પ્રમાણની જરૂર નથી. એકબીજા પ્રત્યેનું ખેંચાણ, લાગણી અને સંવેદનાઓ કુદરતી છે અને ઈશ્વરીય શક્તિઓથી પ્રેરિત છે. માતાની એના બાળક પ્રત્યેની મમતા હંમેશા અણીશુદ્ધ રહી છે અને રહેશે. માતાની મમતામાં કોઈ ભેગ કે સ્વાર્થ હોતો નથી. મોટું થાય ત્યારે કદાચ સંતાનના વર્તનમાં સ્વાર્થ ઉમેરાય પણ માતાની તેના પ્રત્યેની મમતા અને ખેંચાણ એના મૂળ સ્વરૂપે નિસ્વાર્થ અને યથાવત રહે છે.
સામાન્યત: માતા તેમના સંતાનોના સંસ્કારસિંચન અને પ્રાથમિક કેળવણી માટે અધિકારી અને જવાબદાર ગણાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે અભિમન્યુએ યુદ્ધમાં વ્યુહાત્મક કોઠા વીંધવાની કળા તેની માતાના ગર્ભમાં પ્રાપ્ત કરી હતી અને મહાભારતના યુદ્ધમાં તેનું શ્રેષ્ઠ નિદર્શન પણ કર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં જન્મ આપનાર માતા દેવકી અને પાલન કરનાર માતા યશોદા બંને સન્માનભર્યા સ્થાને છે. માતા જીજાબાઈએ શિવાજીમાં રોપેલા દેશપ્રેમ અને નિર્ભયતાના ગુણો આજે પણ ઇતિહાસ યાદ કરે છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પણ બાળદત્તાત્રેયસ્વરૂપે માતા અનસુયાને ત્યાં અવતર્યા હતા.
ગુજરાતી કાવ્ય ‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ’ માં માતાના વ્યક્તિત્વને ઉજાગર કરાયું છે અને કહેવત ‘મા તે મા, બાકી સૌ વગડાના વા’ દરેકના જીવનમાં પોતાની માતાના સ્થાનની મહત્તા બતાવે છે. નવ મહિના પોતાની કૂખમાં ગર્ભ ધારણ કર્યા પછી સ્ત્રી સંતાનને જન્મ આપીને માતાના સ્વરૂપમાં નવો અવતાર મેળવે છે. માતા એટલે છલોછલ પ્રેમ અને લાગણીનો સ્ત્રોત. નાનપણમાં પોતે ભીનામાં સુઈ સંતાનને સૂકામાં સુવડાવે, પોતે ભૂખી રહી પોતાના સંતાનને મિષ્ઠાન ખવડાવે તે ‘મા’. સંતાનની તકલીફમાં આગળ ઢાલ બનીને ઉભી રહી જાય તે ‘મા’. ઠોકર ખાતાં, સંતાનને ‘ખમ્મા મારા લાલ’ કહીને હળવેથી જીવનમાં આગળ વધવાનું જોમ ભરતી રહે તે ‘મા’.
આવી દરેક માતાઓને ‘મધર્સ ડે’ નિમિત્તે આદરપૂર્વક નમન.
આલેખન:
નિખિલ કિનારીવાળા, અમદાવાદ