આપણે બધા શરીરના કેન્સરથી તો બખૂબી પરિચિત છીએ પરંતુ મનના કેન્સરથી કદાચ સંપૂર્ણપણે અજાણ છીએ. વાસ્તવમાં મનનું કેન્સર શરીરના કેન્સર કરતાં વધુ ભયાનક અને પ્રભાવશાળી છે. મનના કેન્સર દ્વારા શરીરનું કેન્સર થવાની સંભાવના પણ અનેકગણી વધી જાય છે કેમ કે મનની શક્તિનો શરીર પર વિશેષ પ્રભાવ પડે છે એ આપણે સૌ જાણીએ છીએ. મનની શક્તિ જેટલી નિર્મળ શુદ્ધ અને હકારાત્મક તેટલું શરીર તંદુરસ્ત નિરોગી અને સમસ્યામુક્ત, એટલું તો હવે આપણે બધા સમજતા થઈ ગયા છીએ એટલે એ અંગે વિશેષ કશું કહેવાની જરુરિયાત લાગતી નથી. પરંતુ મનની ક્ષમતાને હણતા પરિબળો વિષે કદાચ આપણે પૂરતા માહિતગાર નથી એટલા માટે આપણું મન કેન્સરગ્રસ્ત થાય છે એ વાત ધ્યાન બહાર રહી જાય છે. જો યોગ્ય સમયે મનના કેન્સરનો ઈલાજ ન થાય તો સમગ્ર અસ્તિત્વ કેન્સરગ્રસ્ત થતાં વાર નથી લાગતી. આપણે સૌ જાણીએ છીએ કે શરીરનું કેન્સર શરીરના સ્વસ્થ કોષોને અશક્ત કરી ખતમ કરે છે એ જ રીતે મનનું કેન્સર પણ મનની શક્તિને હણી તેના સ્વસ્થ કોષોનો વિનાશ કરે છે. મનને કેન્સરગ્રસ્ત કરતા મુખ્ય ત્રણ શલ્ય છે. (શલ્ય એટલે શૂળ કે કાંટો) જે આ પ્રમાણે છે ૧) મિથ્યાદર્શન શલ્ય ૨) માયાશલ્ય અને ૩) નિયાણશલ્ય. મનમાં રહેલા આ મિથ્યાદર્શન, માયા અને નિયાણ રૂપી ત્રણ કાંટા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી મનને કેન્સર થવાનું જોખમ રહે છે. તો આવો પ્રથમ આ ત્રણ કાંટાને જરા વિગતે સમજીએ.
૧) મિથ્યાદર્શનશલ્ય : વસ્તુ કે વાત જે સ્વરૂપે છે તે રીતે ન જાણવી કે ન જોવી એટલે મિથ્યાદર્શન અર્થાત વાસ્તવિકતાથી વિપરીત જોવું તે મિથ્યાદર્શન કહેવાય. પાયામાં જે વાત ખોટી હોય તેના પર રચાતી બિલ્ડીંગ કેટલી ટકે? દરેક વ્યક્તિએ જીવનમાં શ્રેય અને પ્રેયમાંથી પસંદગી કરવાની હોય છે. પરંતુ મોટેભાગે વ્યક્તિ પ્રેય એટલે કે જે તેને પ્રિય છે, ગમતું છે તેની જ પસંદગી કરે છે. જેના કારણે શ્રેય કે જેમાં તેનું કલ્યાણ સમાયેલુ છે તે આપોઆપ છૂટી જાય છે. આમ મિથ્યાદર્શન જીવનની સચ્ચાઈને પામવાના માર્ગનું સૌથી મોટું અવરોધક છે. દરેક વ્યક્તિએ જીવનમાં પ્રેય કરતા વધુ મહત્વ શ્રેયને આપવું જોઈએ અને કોઈપણ ભોગે શ્રેયની જ પસંદગી કરવી જોઈએ. પરંતુ આપણે જીવનભર મિથ્યાદર્શનને કારણે ક્ષણિક આનંદ માટે અનંત આનંદને ગુમાવી દેતા હોઈએ છીએ. જીવનપર્યંત આપણને સત્ય સમજાતું કે દેખાતું જ નથી. જ્યાં સુખ નથી ત્યાં સુખ દેખાય છે અને જ્યાં સુખ છે ત્યાં કદાપિ દેખાતું નથી. અનુશાસનયુક્ત નૈતિક મૂલ્યવાન જીવન સાચું શ્રેષ્ઠ જીવન છે એ વાત આપણને ક્યારેય ગળે ઉતરતી જ નથી અને અનૈતિક જીવન દ્વારા મળતા ક્ષણિક ભૌતિક સુખનો મોહ છૂટતો નથી, આને જ મિથ્યાદર્શન કહેવાય. આવા મિથ્યદર્શનથી મનની દોડ કે જીવનની દોડ અયોગ્ય દિશાની બને છે. જે જીવનને ખતમ કરી નાંખે છે અને શ્રેયની પ્રાપ્તિ થવા દેતી નથી. મનની આવી સ્થિતિને જ મનનું કેન્સર કહેવાય કેમ કે તેના દ્વારા સ્લોપોઈઝનની જેમ જીંદગી હાથમાંથી સારી જાય છે છતાં સત્ય હાથ આવે નહી અને અંતે પસ્તાવા સિવાય કંઈ થઇ શકે નહી. માણસ જેટલો તનના કેન્સરથી પીડાય છે તેનાથી અનેકગણો વધુ મનના કેન્સરથી પીડાય છે પરંતુ તે સમજી જ શકતો નથી કે તેની આ અતિશય વેદનાનું કારણ શું છે કેમ કે મનના કેન્સરથી આપણે કોઈ ખાસ પરિચિત જ નથી. વળી કોઈ ડોકટર કે મશીન મનના કેન્સરને ડાયગનોશ કરી શકતું નથી અને અંતે જેમ તનના કેન્સરથી જીવ જાય છે તેમ મનના કેન્સરથી પણ મનુષ્ય અતિશય દુઃખ પીડા વેદના અને અફસોસ સાથે આ દુનિયામાંથી વિદાય લે છે એટલા માટે મનના કેન્સર માટે જવાબદાર આ મિથ્યાદર્શન શલ્યને ઓળખવો મને અતિ આવશ્યક લાગે છે.
૨) માયાશલ્ય : માયાશલ્ય એટલે કપટ. બહાર કઇંક બતાવીએ અને અંદર કઇંક હોય તેને કહેવાય કપટ. મનોવિજ્ઞાનના અનેક સંશોધનો અનુસાર સમાજમાં જેટલા રોગો કે પીડા છે તેના મુખ્ય કારણમાં વ્યક્તિનું આ દંભી વ્યક્તિત્વ કે કપટ જવાબદાર છે. વધારે શિષ્ટ બતાવવાના ચક્કરમાં વ્યક્તિ સહજતા અને સમતુલા ગુમાવતો જાય છે. મનમાથી શલ્ય દૂર કર્યા વગર સુખ-શાંતિ મળવી અશક્ય છે. કલ્યાણકારી ભાવિનું ઘડતર કપટ કે દંભ દ્વારા અસંભવ છે. ઈશ્વર વિના બીજું જે કંઈ સંસારમાં કે પ્રકૃતિમાં દેખાય છે એ ઈશ્વરની માયા છે. જે ન હોવા છતાં દેખાય છે અને ઈશ્વર સર્વમાં હોવા છતાં દેખાતો નથી. આ જ માયાનું કાર્ય છે. એક અન્ય અર્થમાં માયા એટલે વિસ્મરણ એટલે કે જે છે તે ભૂલી જવું અર્થાત ઈશ્વરને ભૂલી જવું તે જ માયા છે. માયા ત્રણ પ્રકારની છે ૧) સ્વમોહિતા – વ્યક્તિને પોતાને પોતાનો મોહ એટલે કે પોતાના શરીરનો પોતાની જાતનો મોહ, જે કળિયુગમાં અતિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વ્યક્તિને પોતાનાથી સુંદર કે હોશિયાર કોઈ જ દેખાતું નથી. વળી પોતાનાથી વધુ સાચું પણ કોઈ દેખાતું નથી. હું જ સાચો અને હું જ સારો, હું જ હોશિયાર અને હું જ સુંદર. આ જે “હું” નું સામ્રાજ્ય છે તેને સ્વમોહિતા તરીકે ઓળખવામાં આવે છે. સતત પોતાની જાતને સાચવવી, શરીરને શણગારવું અને તેમાં જ રચ્યા પચ્યા રહેવું એ સ્વમોહિતા છે. જેનું વર્ચસ્વ કળીયુગમાં વિશેષ જોવા મળે છે. જે મનનું મોટું કેન્સર છે. ૨) સ્વજનમોહિતા – એટલે પોતાના સગાસંબંધીઓ (દીકરો દીકરી, માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ-બહેન વગેરે) પ્રત્યેનો મોહ ખેચાણ કે આસક્તિ જેનાથી આગળ મનુષ્ય કશું જોઈ જ શકતો નથી. પોતાના બધા લોકો હંમેશા સાચા અને સારા અને પારકા સૌ કોઈ ખરાબ અને ખોટા એ સમજણ બીજું કંઈ નહિ પરંતુ સ્વજનમોહિતા છે. ૩) વિમુખજનમોહિતા – એટલે પારકા માટેનો દ્વેષ કે અણગમો. આમ હું, મારા અને પારકાનો દ્વંદ એ જ માયા જે રાગ-દ્વેષની જનની છે. આવી માયાને કારણે જ સર્વમાં ઈશ્વર દેખાતો નથી અને પાપો વધતા જાય છે. જેના પરિણામરૂપ મનની શક્તિ ક્ષીણ થતી જાય છે અને મન કેન્સરગ્રસ્ત થઇ જાય છે. મનના આવા કેન્સરથી મનુષ્ય ઈશ્વરથી સતત દૂર થતો જાય છે. આવી ત્રણ પ્રકારની મોહમાયાને યથાર્થ રીતે સમજી દૂર કર્યા વગર મનના કેન્સરથી બચવું અસંભવ છે. માયાને તરવા માટે પરમાત્માને શરણે જવું પડે. સર્વસ્થળે સતત ઈશ્વરશ્રવણ, કિર્તન અને મનન કરવું પડે. આ એક માત્ર માર્ગ છે માયાથી બચવાનો, ઇશ્વર સુધી પહોંચવાનો અને મનના કેન્સરથી બચવાનો,
૩) નિયાણશલ્ય : જે વસ્તુ આપણને મળતી નથી તે મેળવવાની ઝંખના એટલી ઉત્કૃષ્ટ થાય છે કે આપણે જન્મોજ્ન્મની પુણ્યસમૃધ્ધિને હોડમાં મૂકીને, પછીના ભવમાં તે વસ્તુની પ્રાપ્તિ માટેનો સંકલ્પ કરી બેસીએ છીએ તેને નિયાણું કહેવામાં આવે છે. આવા નિયાણશલ્યને દૂર કર્યા વગર મનને કેન્સર મુક્ત રાખી શકાય નહિ કેમ કે આ નિયાણશલ્ય એટલું ખતરનાક છે કે મનને નિર્ધારિત ઈચ્છાથી આગળ વિચારવા કે જોવા દેતું નથી. મનને કુંઠિત કરી મુકે છે. મનની તમામ શક્તિને કેન્સર બની હણી લે છે. મનમાંથી નિયાણ રૂપી કાંટો કાઢવો અનિવાર્ય છે અન્યથા મનુષ્યજીવન વ્યર્થ જાય છે. નિયાણશલ્યને દૂર કરવા સાચા ધર્મગુરૂની સહાય આવશ્યક છે. પ્રાયશ્ચિત દ્વારા પણ નિયાણશલ્યનું મારણ શક્ય છે. સાચી સમજ અને જ્ઞાન દ્વારા નિયાણશલ્યમાથી મુક્તિ મેળવી શકાય છે. ધર્મમાં કન્ફેશનની વ્યવસ્થા કદાચ આ જ હેતુથી કરવામાં આવી છે.
મનના કેન્સરને મટાડવા માટે ઉપર પ્રમાણેના ત્રણે કાંટા (શલ્ય) મનમાંથી યોગ્ય ઓપરેશન દ્વારા હટાવવામાં ન આવે ત્યાં સુધી તો કાંટો વાગે એટલે વેદના તો થવાની અને એ સહન પણ કરવી જ રહી. મનને કેન્સરમુક્ત કરવાનો રામબાણ ઈલાજ જો કોઈ હોય તો તે અકર્મની સાધના છે. જીવનમાં જેટલું મહત્વ પ્રવૃત્તિનું છે તેટલું જ નિવૃત્તિનું પણ છે, એ વાત જો સમજાઈ જાય તો આપણા દ્વારા થતું દરેક કાર્ય અર્થપૂર્ણ બની જાય. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનું સંતુલન એ તો સમજવું જ પડે. દરેક કર્મ કે પ્રવૃત્તિ તેની સાથે અનેક દોષો લઈને આવે છે, જ્યાં પ્રવૃત્તિ છે (કર્મ છે) ત્યાં દોષો તો હોવાના જ. પ્રવૃત્તિ સાથે સંકળાયેલ દોષ ત્યારે જ સમાપ્ત થઈ શકે જ્યારે તેનું નિવૃત્તિ સાથે સંતુલન કરવામાં આવ્યું હોય. જે કર્મનો ઉદભવ અકર્મમાંથી થાય છે તે કર્મ ખૂબ પવિત્ર અને શક્તિશાળી બને છે. કર્મમાં અનેક દોષો એટલા માટે આવે છે કે તે અકર્મની ભાવના વગર થાય છે એટલે કે કર્તાના અહંકાર સાથે થાય છે. જ્યારે વૃત્તિ (લોભ-કામ-ક્રોધ-મોહ વગેરે) નું શુદ્ધિકરણ થાય ત્યારે પ્રવૃત્તિ કરવામાં પણ નિવૃત્તિનું તત્વ અનુભવાય અને કર્મ અકર્મ બની જાય. કર્મની પ્રેરણા એ જ વૃત્તિ છે. જો વૃત્તિ નથી તો કર્મ થઈ શકતું નથી. આ વૃત્તિ અને કર્મ એકબીજા સાથે ગહન રીતે સંકળાયેલા છે. જીવનમાં મુખ્ય ચાર પ્રકારની વૃત્તિ અસ્તિત્વ ધરાવે છે, જે તમામ જીવમાત્રમાં જોવા મળે છે જેમ કે આહારવૃત્તિ, ભયવૃત્તિ, કામવૃત્તિ અને પરિગ્રહવૃત્તિ જે તમામ પ્રકારના કર્મ માટે જવાબદાર છે. આ ચાર મુખ્ય વૃત્તિ દ્વારા જ અનેક પ્રકારના કર્મો જીવાત્મા દ્વારા અવિરત થયા કરે છે. જેમાં સ્વભાવગત દોષો ભળે છે અને કર્મ (પ્રવૃત્તિ) બંધનકારક અને દુઃખદાયક બની જાય છે. કોઈપણ વૃત્તિ જ્યાં સુધી પ્રવૃત્તિ ન બને ત્યાં સુધી તેમાંથી બચવું શક્ય છે. ત્યારબાદ તેમાંથી બચી શકાતું નથી.
વૃત્તિનું શુદ્ધિકરણ વ્યક્તિને કર્મથી અકર્મ તરફ લઈ જાય છે. પરંતુ સર્વ પ્રાણીઓમાં માત્ર મનુષ્ય જ પોતાની પ્રેરણાનું કે વૃત્તિનું શુદ્ધિકરણ કરી શકે છે. જે વૃત્તિઓનું શોધન કરી શકે તેને જ મનુષ્ય કહેવામાં આવે છે અન્યથા પશુ અને મનુષ્ય વચ્ચે કોઇ ઝાઝો તફાવત નથી. વળી એક વાત અહીં સમજવા જેવી છે કે કર્મથી અકર્મ તરફ જવા કર્મને છોડવાની આવશ્યકતા નથી, કર્મને સમજવાની જરૂર છે. કર્મ (પ્રવૃત્તિ) ની કેટલી તીવ્રતા કે ઘનિષ્ઠતા જીવનમાં જરૂરી છે તે સમજવું દરેક મનુષ્ય માટે આવશ્યક છે. આજનો મનુષ્ય પ્રવૃત્તિથી એટલો તો પ્રચૂર બન્યો છે કે તે એક ક્ષણ પણ અકર્મી (નિવૃત) રહી શકતો નથી. અતિશય પ્રવૃત્તિશીલતા એ ખૂબ મોટું સંકટ છે જે મનને કેન્સરગ્રસ્ત કરે છે જે મનની તમામ શક્તિને હણી લે છે. વાસ્તવમાં મન અગાધ શક્તિની ખાણ છે પરંતુ મનને કેન્સરગ્રસ્ત કરતા ત્રણ શલ્ય તેની અગાધ શક્તિને નષ્ટ કરી નાંખે છે. મિથ્યાદર્શન, માયા અને નિયાણ આ ત્રણમાંથી મુક્ત થયા વગર મનને સંતુલિત કે સ્વસ્થ અથવા કેન્સર મુક્ત કરવું અસંભવ છે. અકર્મનો સિદ્ધાંત માત્ર મોક્ષપ્રાપ્તિનો સિદ્ધાંત નથી પરંતુ વ્યવહારિક જીવન જીવી જાણવાનો સિદ્ધાંત પણ છે.
આપણું શરીર અનેક કોષોનું એક પિંડ છે. આ કોષો શરીર માટે જરૂરી વિદ્યુત ઉત્પન્ન કરે છે. શરીર એટલી જ વિદ્યુત ઉત્પન્ન કરે છે જેનાથી તેનું કાર્ય ચાલી શકે. વધારાની વિદ્યુત શરીર કદાપિ ઉત્પન્ન કરી શકતું નથી. જો માનવી શરીર કે મનના કોષો પાસે વધુ પડતું કામ લે તો વિદ્યુતઊર્જાનો ક્ષય થાય છે. નવા કોષો ઉત્પન્ન થવાનો અવકાશ ઓછો થતો જાય છે અને જૂના કોષો મરતા જાય છે. આમ જૂના કોષો ખતમ થતા જાય અને નવા સર્જાય નહીં પરિણામે તન અને મન અશકત બની જાય. મનુષ્ય સતત પ્રવૃત્તિ કરતો રહે છે જેથી નવી પ્રાણઉર્જા પેદા થતી નથી અને સતત પ્રવૃત્તિના કારણે હયાત પ્રાણઉર્જા વપરાતી જાય છે. આમ અવિરત શક્તિ ક્ષીણ થતા કોઈ પણ મનુષ્ય મહાન કાર્યો કરવા માટે સામર્થ્યવાન રહેતો નથી. શરીર અને મન કાળક્રમે કેન્સરગ્રસ્ત થતું રહે છે પરંતુ આપણે એ સમજી શકતા નથી કે અતિશય કર્મ (પ્રવૃત્તિ) દ્વારા જીવનને પામી શકાતું નથી ઉલટું તેને ગુમાવવાનો વારો આવે છે. અકર્મ જીવનની સચ્ચાઈને પામવાનો રામબાણ ઈલાજ છે. જીવન યાત્રા ચલાવવા માટે કર્મ ચોક્કસ જરૂરી છે પરંતુ જીવનની સચ્ચાઈ પ્રાપ્ત કરવા માટે તો અકર્મ એટલે કે નિવૃત્તિ સ્થિરતા અને શાંતિ જ ઉપયોગી છે. આમ મનને કેન્સરમુક્ત કરવાનો એક જ ઈલાજ છે અકર્મની સાધના કે નિવૃત્તિની અગત્યતા. જેના માટે મિથ્યાદર્શનશલ્ય, માયાશલ્ય અને નિયાણશલ્ય દૂર કરવા પડે.