ગુરુનો દેશ છે:આદેશ!
લોકોને આપણી સ્વતંત્રતાની નહીં,સફળતાની તકલીફ છે.
ચોથા દિવસની કથા આરંભે જન્મભૂમિ ગૃપનાં અખબાર કચ્છમિત્રનાં મેનેજર શ્રી શૈલેષભાઇ કંસારાનાં પિતાશ્રી હંસરાજભાઇ કંસારા લિખિત પુસ્તક ‘કોરી આંખનું કલ્પાંત’ વ્યાસપીઠને અર્પણ થયું તેમજ બીએસએફનાં જવાનો દ્વારા વ્યાસપીઠ વંદના થઇ.
ત્રિકમ સાહેબનું પદ:
એ મન માની લે નિરધાર રે
તારો સગો નથી આ સંસાર
ભજનમાં તમે ભીન ભીન રે’જો
તો ઊતરશો ભવપાર રે
આતમ સાધન સાધતાં મારા
અંતરે પ્રગટ્યો છે પ્યાર
ભવસાગરમાં ડૂબતાં મારો
સદગુરુ તારણહાર
ખીમ ભાણ રવિ રમતા રામ છે
જીવન પ્રાણઆધાર
કહે ત્રિકમ ગુરુ ખીમનાં ચરણે
ડગલે ડગલે બલિહાર
તારો સગો નથી સંસાર
ત્રિકમ સાહેબનું સ્મરણ કરતા માઢ રાગમાં ત્રિકમ સાહેબનું પદ બાપુએ ગાયું.રવિ ભાણ પરંપરાના ભજનોમાં ભાણ સાહેબ કહે ભટકીશ માં,મથી લે મનમાંય,સમજીને સુઈ જાજે…આપણા પાનબાઈ કહે છે:અભ્યાસ જાગ્યા પછી બહુ ભટકવું નહીં. બાપુએ કહ્યું કે ગુરુનો ખીલો અને ત્યાંથી રહેલું દોરડું એટલું બધું લાંબુ હોય છે કે આપણે સ્વતંત્રતાનો અનુભવ કરીએ છીએ.આ જગતમાં તમે સ્વતંત્ર છો એની ચિંતા નથી તમે સફળ છો એની બધાને પીડા છે! સાધુ એ છે જેને કંગાલીયત પણ નથી ગમતી શ્રીમંતાઈ પણ નથી ગમતી.આપણે ત્યાં ત્રણ પ્રકારના મંથન થાય છે:રોજ ઘરમાં દધિમંથન-દહીંમંથન,બીજું છે દેવતાઓ અને દાનવો દ્વારા થયેલું ઉદધિમંથન અને એક આપણા હૃદયમાં થવું જોઈએ રૂદીમંથન.આપણી અક્ષયપાત્રતા ક્ષય થવાનું એક કારણ છે:સંદેહ.ઇષ્ટપર,ઇષ્ટગ્રંથ પર, ઇષ્ટમંત્ર પર,ઇષ્ટદેવ અને સદગુરુ ઉપર સંદેહ થાય છે.ગુરુનો દેશ કયો? ગુરુનો દેશ એટલે ગુરુનો આદેશ. ક્યારેક દ્વેષવૃતિના કારણે આપણે કેન્દ્રો બદલી નાખીએ છીએ.આપણે એવું કહીએ છીએ કે તમે નહીં તો લો બીજાની પાસે અમે જઈએ!
આઈનાને સાફ કર્યો તો હું હતો;
પણ મારા હું ને સાફ કર્યો તો તું હતો!
આપણે ત્યાં સગાં-વહાલા શબ્દ છે. . ત્રિકમ સાહેબના આ ભજનમાં ‘ભીન ભીન’ શબ્દ છે એના ત્રિકમ સાહેબના જે પણ અર્થ હશે પણ મને બે અર્થ સૂઝે છે:ભજનમાં ભીના ભીના રહેવું અથવા તો એકલા એકલા જ ભજન કરવું.સમૂહમાં પ્રાર્થના અને કીર્તન થાય આત્મઉદ્ધાર એકલાથી જ થાય. બાપુએ યાદ કરાવ્યું કે બાબુભાઈ મેઘજી શાહ(લાકડીયા વાળા)ની માંગ છે તો એકાદ વર્ષ પછી રવેચી(કચ્છ) ખાતે ફરી એક રામકથાનું ગાન થશે.ત્રિકમ સાહેબના આ ભજનમાં આત્મ સાધના કરતાં અંતરમાં શું પ્રગટે છે?આમ તો આત્મસાધના કરે એને બ્રહ્મ મળે, પરમ તત્વ મળે.પણ ત્રિકમ સાહેબ કહે છે મારામાં પ્રેમ પ્રગટે છે.આ પ્રેમ ત્રિકમ સાહેબનું લક્ષણ છે તેથી એ બધાનો સ્વિકાર કરે છે.
હરિ બ્યાપક સર્વત્ર સમાના;
પ્રેમ તે પ્રગટ હોહિ મૈં જાના.
ત્રિકમ સાહેબ કહે છે કે ભવસાગરમાં ડૂબતા મને મારો સદગુરુ તારણહાર છે. ધનુષ્ય ભંગ પછી પરશુરામ પધારે છે.તેની બુદ્ધિના દરવાજા ખુલી ગયા છે તો પણ પરીક્ષા અને પાકો નિર્ણય કરવા માટે પરશુરામ રામને ધનુષ્ય આપે છે.પરશુરામના અંગ ઉપર ત્રણ વસ્તુ છે:ખભા પર સારંગ ધનુષ્ય હતું. પરશુરામ રામને કહે છે તમે આ ધનુષ ચડાવી આપો.એની પાસે કુહાડો પણ છે,ભાથો પણ છે છતાં પણ શા માટે એ ધનુષ્ય આપે છે?કૂહાડો આપી શક્યા હોત.પણ નથી આપતા કારણકે લંકાકાંડના ધર્મરથમાં લખ્યું છે દાન પરશુ છે.બધું જ છોડવું પણ ત્રણ વસ્તુ ન છોડવી:યજ્ઞ દાન અને તપ.પરશુરામ દાન છોડતા નથી.યજ્ઞ પણ પરશુરામે સાચવી રાખ્યો છે અને તપ કરવા માટે જતા રહ્યા ને તપ પણ જાળવી રાખ્યું છે.
એ પછી નાનકડા બાળક પાર્થને બાપુએ રશ્મિરથિનાં રામધારીસિંહ ‘દિનકર’ની લાંબી કવિતામાંથી પ્રસંગ પઠન કરવા માટે કહ્યું અને વ્યાસપીઠ ઉપર એ બાળક પાર્થે અસ્ખલિત શુધ્ધ હિન્દીમાં પઠન કર્યું.
અમૃતબિંદુઓ:
લોકોને આપણી સ્વતંત્રતાની નહીં સફળતાની તકલીફ છે.
ગુરુના ત્રણ જ દેશ છે:એક આદેશ,બીજો સંદેશ અને ગુરુ તેની સાવ નજીક બેસાડીને આપે એ ઉપદેશ.
જગતને વ્હાલ કરવું પણ સગપણ ન રાખવું.
સાધુ તો ચલતા ભલા,સાધુ તો જાગતા ભલા,સાધુ તો ભજતાં ભલા.
આપણી સંસ્કૃતિમાં ત્રણ ધનુષ્યનું મહત્વ છે:
ત્રેતા યુગમાં સારંગ,સતયુગનું ધનુષ્ય પિનાક અને દ્વાપરયુગનું અર્જુનનું ગાંડિવ ધનુષ્ય.