એચ.એ.કોલેજમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન યોજાયુ.

એચ.એ.કોલેજમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન યોજાયુ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સરદાર પટેલ વિચારમંચ દ્વારા વક્તવ્ય યોજવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભારતની સ્વતંત્રતા ચળવળ દરમ્યાન મહાત્મા ગાંધીજીના સિધ્ધાંતો અને આદર્શને સંપૂર્ણ અપનાવીને સરદાર પટેલે આઝાદી મેળવવામાં સિંહફાળો આપ્યો હતો. પોતાની ધીખતી વકીલાત છોડીને આઝાદીની લડતમાં સક્રીય રીતે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કર્યું હતુ. ખેડૂતોના પ્રશ્નો તથા ગરીબોના શોષણ સામે લડીને અંગ્રેજોને નમાવ્યા હતા.સામાન્ય માણસોને હક તથા અધિકારો માટે નિષ્ઠાપૂર્વક લડત આપતા તેઓને સરદારનું બિરૂદ મળ્યુ હતુ.1942 ની હિંદ છોડો આંદોલનમાં સરદાર પટેલે મુંબઈના ગોવાલીયા ટેન્ક મેદાનમાં આપેલુ ભાષણ ઐતિહાસિક હતું તથા દેશના યુવાનોને આઝાદીની લડતમાં જોડાવાની પ્રેરણા આપી હતી. સ્વતંત્રતા ચળવળ દરમ્યાન અનેકવખત જેલવાસ ભોગવનાર સરદાર પટેલે આઝાદી મળ્યા બાદ 565 ભારતના રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતની સફળતાપૂર્વક રચના કરી હતી.આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા પ્રથમ ગૃહપ્રધાન તરીકે સેવાઓ આપી દેશને ઉન્નત બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન તથા આયોજન એચ.એ.સરદાર પટેલ વિચારમંચના કોઓર્ડીનેટર પ્રા.મહેશ સોનારાએ કર્યુ હતુ.