નવ વાગે બારણે ટકોર થઈ. ખોલીને જોયું તો એક ત્રિસેક વર્ષની સીધીસાદી દેખાવે સમાન્ય છતાં સારી છોકરી બહાર ઊભી હતી.મેં એને અંદર બોલાવી. તમારે રસોઈ વાળા બહેનની જરૂર છે ને? વાક્ય સાથે વાતની શરૂઆત થઈ. થોડી વાતચીત પછી મેં સરયૂ ને મારું રસોડું બતાવ્યું. ને રસોઈ બનાવવા કહ્યું આજે રવિવારની રજા હોવાથી હું રસોડામાં એની સાથે રહી અને ઘરની રીત અને સ્વાદ વિશે તેને થોડી માહિતગાર કરી. થોડીવારે એ રસોઈ બનાવીને જતી રહી. એ દિવસે પ્રણવે જાણે અમૃતનો ઓડકાર ખાધો.એને મારા સાસુની રસોઈ યાદ આવી ગઈ અને સરયૂ મારા ઘરે પાક્કી થઈ ગઈ. સરયૂ સમયસર આવીને રસોઈ બનાવીને અમારા ટિફિન પેક કરીને જતી. અને સાંજે જ્યારે અમે આવીએ એ પહેલા એ રસોઈ બનાવી જતી એટલે તૈયાર ભાણે જમવાનો આનંદ કઈક ઓર જ રહેતો. એની પ્રામાણિકતા અને સારી રસોઈને લીધે એણે અમારું દિલ જીતી લીધું હતું. એ અમારા સિવાય ૩ ઘરે રસોઈ બનાવતી હતી. એક રવિવારે મેં સરયૂને એના પરિવાર વિશે પૂછયું તો ખબર પડીકે વીસ વર્ષની ઉંમરે તેના લગન એક મધ્યમ પરિવારમાં થયા હતા. પરિવારમાં સાસુ અને પ્રેમાળ પતિ સિવાય ખુબજ ખુશીઓ હતી.પણ એ ખુશી થોડો સમય જ ટકી. લગ્નના બે જ વર્ષમાં તેના પતિનો અકસ્માત થયો ને એ તેને અને તેની દીકરીને અલવિદા કહીને દુનિયા છોડી ગયો. સરયૂને તેના પિયર વાળાઓએ બીજે લગન કરી સુખી થવા કહ્યું પણ તેને પોતાના પતિની નિશાનીને પોતાના હાથે જ ઉછેરવી હતી.આથી તેને તેના સાસુ સાથે રહીને દીકરી ઉછેરવાનું નક્કી કર્યું. સાસુએ પણ સરયૂને કહ્યું કે આજથી ઘરની જવાબદારી મારી અને ઘર ચલાવવાની જવાબદારી તારી. સરયૂ તેની દીકરીને સાસુ સાથે મૂકીને રસોઈનું કામ કરવા નીકળતી અને તેના સાસુ ઘર અને પ્રિયાને સંભાળવાની સાથે સાથે સિલાઈ કામ પણ કરતા. હવે સરયૂ તેમના માટે વહુ નતી દીકરી હતી. તે પોતાના દીકરાનો પડછાયો પ્રિયામાં દેખતા. પણ લોકોના મોઢે તાળા કયા મરાય છે?લોકોની વાતો સાંભળી એમણે પણ સરયૂને લગન માટે કહ્યું પણ તે એક ની બે ન થઈ. સરયૂ ને સાંભળ્યા પછી તેની માટે માન વધી ગયું ને પ્રેમનો સાચો અર્થ સમજાયો.
સરયૂ. – ભાવિની નાયક.
