નવી દિલ્હીઃ 12 ઓગસ્ટ, 2025: Delhi Vehicle Ban: દિલ્હી-એનસીઆરમાં જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનોના માલિકોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. મંગળવારે (12 ઓગસ્ટ) સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો સામે કોઈ કડક કાર્યવાહી ન કરવામાં આવે. આ રાહત આગામી આદેશ સુધી ચાલુ રહેશે.
આ મામલે જુલાઈ, 2025માં આયોગ (CAQM)ના એક આદેશ સાથે સંબંધિત છે, જેમાં દિલ્હી અને NCR ના કેટલાક જિલ્લાઓમાં આવા વાહનોનો ઈંધણ પુરવઠો બંધ કરવાનો અને તેમને સ્ક્રેપ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નિર્દેશ 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે આપવામાં આવ્યો હતો, જેમાં 2015 માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને સમર્થન આપવામાં આવ્યું હતું.
NGT એ 2015માં આપ્યો આદેશ
2015માં, NGT એ પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી-NCR માં 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો. 2018માં, સુપ્રીમ કોર્ટે આ આદેશને સમર્થન આપ્યું હતું. 2024માં, દિલ્હી સરકારે જાહેર સ્થળોએથી “એન્ડ-ઑફ-લાઇફ” વાહનોને દૂર કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી.
જુલાઈ 2025માં, CAQMએ જાહેરાત કરી હતી કે, 1 જુલાઈથી દિલ્હી અને NCRના કેટલાક જિલ્લાઓમાં પેટ્રોલ પંપ પર આવા વાહનોને ઇંધણ નહીં મળે. પરંતુ, ટેકનિકલ ખામીઓ અને વાહન માલિકોની ફરિયાદો બાદ, દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, નોઈડા, ગાઝિયાબાદ અને સોનીપતમાં આ નિર્ણયને 1 નવેમ્બર, 2025 સુધી ટાળવામાં આવ્યો હતો.
દિલ્હી સરકારની દલીલ
દિલ્હી સરકારે 26 જુલાઈના દિવસે 2018ના આદેશમાં સુધારો કરવા માટે સમીક્ષા અરજી દાખલ કરી હતી. સરકારનું કહેવું છે કે 2018 થી, કડક ઉત્સર્જન ધોરણો (BS-VI), વધુ પ્રદૂષણ પરીક્ષણ કેન્દ્રો અને વધુ સારૂ મોનિટરિંગ લાગુ કરવામાં આવ્યું છે, તેથી ફક્ત ઉંમરના આધારે પ્રતિબંધ યોગ્ય નથી.
RTIમાં એ પણ ખુલાસો થયો છે કે, આ વખતે આદેશ લાગુ કરતા પહેલા કોઈ નવો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો નથી.
કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ચીફ જસ્ટિસ બી. આર ગવઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કેન્દ્રને નોટિસ પાઠવીને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. ત્યાં સુધી, કોઈપણ વાહન માલિક સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે. આ નિર્ણય હવે ભારતમાં વાહનો પર ઉંમર-આધારિત પ્રતિબંધો હોવા જોઈએ અથવા પ્રદૂષણ સ્તરના આધારે પગલાં લેવા જોઈએ તે આધારે ચર્ચા વધુ તીવ્ર બની છે.
આ પણ વાંચોઃ Asia Cup 2025 : સૂર્યાની ગેરહાજરીમાં આ ખેલાડી બની શકે છે કેપ્ટન, આ દિવસે ટીમની જાહેરાત થવાની શકયતા