સામાન્ય રીતે ઉદ્દેશ્ય વગરનું તો કોઈ અસ્તિત્વ કે ઘટના સંભવ જ નથી. દરેક ઘટના દરેક બનાવો દરેક અસ્તિત્વ પાછળ કોઈને કોઈ કારણ કે હેતુ અવશ્ય હોય છે. હેતુ વગરનું જીવન જીવન જ નથી. હેતુ વગરનું જીવન એ એક અર્થહીન ગતિ છે. ઉદ્દેશ્ય વિનાનું જીવન એક દિશાહીન પ્રવૃત્તિથી વિશેષ કાંઈ જ નથી, તર્કહીન ઘટનાથી વિશેષ કશું જ નથી. આપણા જીવનના ઉદ્દેશની જાણકારી જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે. વાસ્તવમાં આપણને એક અર્થસભર જીવન જીવવા માટે જ બનાવવામાં આવ્યા છે. પરંતુ એના અજ્ઞાનમાં જીવન નિરર્થક અને બોજીલું બની રહ્યું છે. જે વ્યક્તિ પોતાના જીવનના હેતુથી માહિતગાર છે એ દરેક સ્થિતિને સહન કરી શકે છે, દરેક સ્થિતિને માણી શકે છે. આપણા સર્વનો એ અનુભવ છે કે આપણે કશુંક મેળવવું હોય તો તેની પ્રાપ્તિ પાછળની પીડા આપણે હસતા-હસતા સહી લઈએ છીએ જેમ કે સંતાનની ઈચ્છા રાખતી માતા પ્રસુતિની પીડા સહજતાથી સહન કરી શકે છે પરંતુ ઈચ્છા વગર એ પીડા એના માટે અસહ્ય બને છે. ટૂંકમાં ઈચ્છા કે ઉદેશ્ય વગરની સ્થિતિ કે જીવન સહન કરવું કઠિન બને છે. હેતુ વગર જીવનમાં કોઈ પ્રકારની મહેનત કે પ્રયત્નો અસંભવ રહે છે. ધર્મગ્રંથો જણાવે છે કે સૌથી મોટી દુર્ઘટના મૃત્યુ નથી પરંતુ ઉદ્દેશ્ય વગરનું જીવન છે. આધુનિક યુગમાં લોકો સખત વિકટતામાં જીવે છે જે બીજું કંઈ નહીં “હેતુરહિત વિચલિતતા” છે. સ્પષ્ટ હેતુ વગર સંબંધો કે નોકરી ક્યાંય સ્થિરતા કે સમતુલા આવતી નથી. સતત અવિરત અસ્થિરતા કે અસમતુલા એ ખતરનાક બીમારી છે જેમ કે અનિંદ્રા કે અતિનિંદ્રા એક બીમારી છે એ જ રીતે અતિ આહાર કે ભૂખમરો, સંબંધોમાં અતિ પ્રેમ અથવા પ્રેમનો સદંતર અભાવ, અતિ પૈસો કે અતિ ગરીબી ખતરનાક છે. દરેક સમસ્યાનું નિરાકરણ સ્થિરતામાં જ મળે છે. ચોક્કસ હેતુ જીવનને સ્થિર, શાંત અને પ્રસન્ન કરે છે.
દુનિયામાં જેટલા મહામાનવો થઈ ગયા તે બધા જીવનના હેતુ પ્રત્યે અતિ સ્પષ્ટ હતા. સ્પષ્ટ અને સ્થિર હેતુ જીવનમાં પ્રબળ ઈચ્છા ઉત્પન્ન કરે છે. જે જીવનને શક્તિથી ભરી દે છે. હેતુ વગર ઈચ્છા નબળી પડે છે, જીવનની ગતિ ધીમી પડે છે અને ઘણીવાર તો પથારીમાંથી ઊભા થવાનું પણ મન થતું નથી કેમકે ઉઠવાનો પણ કોઈ હેતુ જીવનમાં રહ્યો હોતો નથી. આમ જીવનમાં સવારે પથારીમાંથી ઉઠવા જેવી સામાન્ય બાબત માટે પણ ઉદેશ્ય અનિવાર્ય છે અન્યથા જીવન ઉત્સાહહીન આનંદહિન બની જાય છે. દરેકના જીવનમાં ઉદ્દેશ્યની સ્પષ્ટતા અને સમજણ અનિવાર્ય છે. આપણે આ પૃથ્વી પર શા માટે છીએ એ વિચાર માંગે તેવો પ્રશ્ન છે. દરેક બુદ્ધિશાળી, સમજદાર, તર્કપૂર્ણ, હોશિયાર માણસના મગજમાં આ વિચાર કે પ્રશ્ન ઉદ્ભભવે એ સ્વાભાવિક છે. મારા મંતવ્ય પ્રમાણે દરેક મનુષ્ય ઈશ્વરના કોઈ ચોક્કસ હેતુ કે ઉદ્દેશ માટે જન્મ્યો છે. મનુષ્યજીવનમાં વ્યક્તિગત સુખ સંતોષ કે સગવડો કરતા અનેકગણો વધારે મહત્વનો પ્રશ્ન જીવનનો હેતુ છે. યુગોથી મનુષ્ય જીવનના ઉદ્દેશ્ય અંગે મુંજાયેલો છે. સતત અવિરત હેતૂની શોધ છતાં તેને પામી શક્યો નથી. કદાચ તેનું કારણ એ હોઈ શકે કે તેની શોધ સ્વકેન્દ્રિત સવાલોને આધીન છે. માત્ર પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી જીવનનો હેતુ સ્પષ્ટ થવો અસંભવ છે. એના માટે ઈશ્વરના સમગ્ર સામ્રાજ્ય તરફ, પ્રકૃતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. કદાચ ઈશ્વર ઈચ્છે છે કે આપણે અસ્તિત્વમાં રહીએ એટલે આપણને આપણી ઓળખ, જીવનનો અર્થ, હેતુ, અસ્તિત્વનું કારણ, આપણું મહત્વ, આપણું અંતિમ આશ્રયસ્થાન ખબર રહે જે ઈશ્વરમાં જ મળે છે. ઈશ્વર પોતાના હેતુઓ માટે આપણો ઉપયોગ કરે છે અને જે વ્યક્તિ જીવનને એ દ્રષ્ટિએ ઈશ્વરની કસોટીરૂપ માને છે તે હરહંમેશ અર્થપૂર્ણ જીવે છે. કેમકે કોઈ પણ સમસ્યાને એ ઈશ્વરની કસોટી રૂપે જોવે છે અને પ્રસન્ન ચિત્તે સ્થિતપ્રજ્ઞાતા સાથે કસોટીમાં ઉત્તીર્ણ થવાનો પ્રમાણિક પ્રયાસ કરે છે. કોઈ કાર્યભાર કે જવાબદારી (કર્તવ્ય) ના સંદર્ભમાં પણ તે પરિસ્થિતિને ઈશ્વરની પાઠશાળા ગણે છે અને સતત કંઈક શીખે છે.
ઈશ્વર અવિરત મનુષ્યના ચારિત્ર, વિશ્વાસ, આધિનતા, પ્રેમ, સાતત્ય અને વફાદારીની કસોટી કરે છે. જીવનમાં આવતા મોટા પરિવર્તનો, અશક્ય સમસ્યાઓ, પ્રાર્થનાઓમાં નિષ્ફળતા, અન્ય લોકો દ્વારા અસત્ય ટીકાઓ, તર્કહીન દુર્ઘટનાઓ વગેરે પરમાત્માની કઠિન પરીક્ષાઓ છે જેમાં પાસ થવા અને કંઈક વિશેષ શીખવા જ ઈશ્વરે આપણને પૃથ્વી પર મોકલ્યા છે. કેમકે વર્તમાન જીવન આવનાર જીવનની તૈયારી માટેની વ્યવસ્થા છે. આ પૃથ્વી પરનું આપણું જીવન ખરા અર્થમાં નાટ્યાત્મક કાર્યક્રમ છે. આવનાર જીવનના મહાવરાનો પ્રયાસ છે. અનંતકાળમાં મરણની પેલી બાજુ જ્યાં ઘણું લાંબુ જીવવાનું છે તેની તૈયારીરૂપે વર્તમાન પૃથ્વી પરના જીવનનું અનેરુ મૂલ્ય છે. ઈશ્વર આપણને ઘણું શીખવવા માંગે છે જેથી પૃથ્વી પરની યાત્રા આપી છે. જેને ઊંડી સમજણ સાથે એક કાર્યભાર કાર્યક્ષેત્ર કે કસોટી રૂપે લેવામાં આવે કે પસાર કરવામાં આવે તો જીવન સાર્થક થયું ગણાય. તમે તમારું જીવન કેવી રીતે લો છો? જુઓ છો? સમયનો ઉપયોગ કેવી રીતે કરો છો? નાણાં ક્યાં અને કેવી રીતે વાપરો છો? સંબંધોનું મૂલ્ય કેવું આંકો છો તે સર્વે તમારું અંતિમ સ્થાન અને અંતિમ યાત્રા નક્કી કરે છે. પરંતુ આપણે પૃથ્વી બાદના જીવન કે મૃત્યુ પછીના જીવનને ન સમજી શકવાની પરિસ્થિતિમાં ઈશ્વરે આપેલા આ હેતુપૂર્ણ જીવનને ન જાણી શકીએ છીએ કે ન માણી શકીએ છીએ એ જ મોટી કરુણતા છે.
દરેકના જીવનનો આશય અલગ અને અનોખો હોય છે અને એ આપણી જીવનકથામાં સુંદર રીતે વણાઈ ગયેલો હોય છે. જરૂર હોય છે માત્ર શાંતચિત્તે આપણા અંદરના અવાજને સાંભળવાની કે જ્યાંથી જીવનનો સાચો ઉદ્દેશ્ય સમજાય છે. અલગ અલગ લોકોના અલગ અલગ ઉદ્દેશો હોઈ શકે જેમ કે ૧) કરુણા, ધીરજ, હિંમત, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, સ્નેહ, વિશ્વાસ અને સેવા જેવા સદગુણો કેળવવા ૨) ભય, ગુસ્સો, ધ્રુણા, બદલો, નિંદા, નિરાશા જેવી નેગેટિવ લાગણીઓને દૂર કરતા શીખવું ૩) ક્ષમા અને કૃતજ્ઞતાના ભાવોને વિકસાવવા ૪) મનપસંદ કળાનું જ્ઞાન મેળવવું ૫) લોકોની સેવા કરવી અથવા સેવા વિશે જ્ઞાન મેળવવું ૬) રિલેશનશિપ યથાર્થ કરવી ૭) શારીરિક ખોડખાપણ, તંગી, આર્થિક બોજ, નશાનું બંધાણ, ખરાબ સંબંધો, સામાજિક સ્તર કે દરજ્જા અંગેની પીડા, માતા-પિતાના છૂટાછેડા કે શોષણ-બળાત્કાર જેવી અસમાન્ય પરિસ્થિતિમાંથી બહાર નીકળતા શીખવું ૮) નામ, ખ્યાતિ અને નાણાં કમાવા ૯) બિનશરતી પ્રેમ આપતા શીખવું ૧૦) જ્ઞાન ખુશી અને જાગૃતિનો પ્રસાર કરવો વગેરે. જીવનના સાચા ઉદ્દેશ્યની તલાશ જ્યાં સુધી શરુ ન થઇ હોય ત્યાં સુધી જીવનમાં પળેપળે એક પ્રશ્ન “શા માટે” સતાવે પરંતુ એ મળી જાય ત્યારબાદ દરેક પ્રશ્નોમાં “શા માટે”ની જગ્યાએ “કેવી રીતે” આવી જાય. અર્થાત ઉદેશ્યપ્રાપ્તિના માર્ગો કે સાધનો અંગે વ્યક્તિ જાગૃત અને સક્રિય બને. આ એ સમય છે જ્યારથી આપણે સાચી રીતે જીવવાનું શરૂ કરી દઈએ છીએ.
જીવન એક કસોટી છે. જીવન એક કારભાર છે. જીવન એક હંગામી કાર્યક્ષેત્ર છે. કસોટીઓ અને કારભાર દ્વારા ચરિત્ર વિકસે છે. જ્યારે એ સમજાય કે જીવન એક કસોટી છે ત્યારે અહેસાસ પણ થાય છે કે જીવનમાં કાંઈ જ નિરર્થક નથી, બધું અર્થપૂર્ણ છે. જે થઈ રહ્યું છે તે થવું જ જોઈએ. જીવનનો નાનામાં નાનો બનાવ ચરિત્ર ઘડતર માટે અર્થપૂર્ણ છે. વળી ઈશ્વર દરેકની કસોટી કરતી વખતે વ્યક્તિની ક્ષમતા પર ધ્યાન અવશ્ય આપે છે જેથી વ્યક્તિ જેટલું સહન કરી શકે તેટલી જ કસોટી ઈશ્વર દ્વારા આપણી થતી હોય છે. અર્થાત એટલું જ દુઃખ ઈશ્વર વ્યક્તિને આપે છે. કસોટીના સમયે તેમાંથી ભાગી છૂટવાનો માર્ગ પણ હંમેશા ઈશ્વર ખુલ્લો રાખે છે. અંતે તો એ આપણા પર છે કે આપણે એ માર્ગનો ઉપયોગ કરી ભાગી છૂટીએ છીએ કે ચારિત્રનું પ્રદર્શન કરવાની ખુમારી દર્શાવી કસોટી પાસ કરીએ છીએ. ઈશ્વરીગુણો પરના વિશ્વાસ અને ઉપયોગ દ્વારા ચરિત્રનું પ્રદર્શન કરી શકાય અને એ દ્વારા જ ઈશ્વરે સર્જેલી કસોટીને પણ પાસ કરી શકાય એ સમજવું અતિ આવશ્યક છે. જ્યારે કસોટી પાર પડે છે ત્યારે બીજાની તો ખબર નહીં પણ ઈશ્વર અવશ્ય ખુશ થાય છે અને રીવોર્ડ રૂપે ખુબ શાંતિ આપે છે. કોઈ કસોટીમાંથી પાર ઉતારનાર તેમ જ કર્તવ્ય બરાબર અદા કરનાર માટે ઈશ્વર અનંતકાળમાં પુરસ્કાર આપવાની યોજના બનાવે છે. જે અતિ સુખરૂપ હોય છે. આમ દરેક કસોટીમાં ઉત્તીર્ણ થવાનું પરિણામ ઈશ્વરના સામ્રાજ્યમાં આહલાદક અને અદભૂત મળે છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
કોઈકના મતે જીવન એક સર્કસ છે તો કોઈકના મતે જીવન સુરંગોસભર કાર્યક્ષેત્ર છે, તો કોઈક જીવનને સંતાડેલું ખેતર માને છે. કોઈક તેને ચગડોળ કહે છે કે જ્યાં ક્યારેક ઉપર તો ક્યારેક નીચે, કોઈક તેને ગુંચવણની ઉપમા આપે છે. કોઈક માટે જીવન સંગીત અને નૃત્ય છે, તો કોઈક માટે મુસાફરી છે. કોઈકના મતે જીવન પત્તાની રમત છે જેમાં તમને જે મળે તેનાથી જ રમવું પડતું હોય છે. પરંતુ જે મળે તેમાં ઈશ્વરનો કોઈ સંકેત અવશ્ય હોય છે. જો એ પામી લઈએ તો અનંત સુખ આપણી રાહ જોતું હોય છે. વળી જો ઈશ્વરના ઈશારાને સમજી શકવા જેટલી ક્ષમતા ન હોય તો તેના પર અચળ શ્રદ્ધા રાખવા જેટલો સરળ અને સફળ માર્ગ જીવનને જાણવાનો બીજો એકેય નથી એવું હું દ્રઢ પણે માનું છું. ઈશ્વરે અનેક જીવોમાં માત્ર મનુષ્યને જ એક વિશેષ કાર્ય સોંપ્યું છે અને એ છે પૃથ્વી પર ઈશ્વરની તમામ સંપત્તિની સંભાળ રાખવી. કેમ કે અન્ય કોઈ જીવ એ કરી શકવા શક્તિમાન નથી, માત્ર મનુષ્ય જ ઈશ્વરી સંપતિનું સંચાલન યથાર્થ રીતે કરી શકવા સક્ષમ છે. ઈશ્વરી સંપત્તિ અર્થાત પ્રકૃતિના તમામ તત્વો જેની સંભાળ રાખવી અને તેનો યોગ્ય વહીવટ કરવો એ મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે પરંતુ તેના માલિક ક્યારેય બનવાનું નથી, તેમ જ કોઈનો હક છીનવી લેવાનો નથી કેમકે પ્રકૃતિની કોઈ સંપત્તિ મનુષ્યની નથી ઈશ્વરની છે. જેના આપણે માત્ર રખેવાળ છીએ એટલે કે ઈશ્વરે આપણને એ કર્તવ્ય સોંપ્યું છે, કારભાર આપ્યો છે. એટલા માટે તો મૃત્યુ પછી કશું સાથે લઈ જઈ શકાતું નથી કારણ કે જે આપણું છે જ નહીં એ સાથે કેવી રીતે આવે? ઈશ્વરે આપણને એની સંપત્તિને માણવા મોકલ્યા છે જેમ આપણે કોઈ five star હોટલની સંપત્તિને થોડા સમય માટે ભોગવીએ એ રીતે, પરંતુ આપણો માનવીય સ્વભાવ એટલો વિચિત્ર છે કે જે આપણું નથી તેની સારસંભાળ રાખવી આપણને ગમતી નથી, આપણે અન્યની વસ્તુને સાચવી શકતા જ નથી. હવે ઈશ્વરે આપણને જે માણવા અને સાચવવા મોકલ્યા છે તે કાર્ય જો યોગ્ય રીતે ન થઈ શકે તો એ કિસ્સામાં વ્યક્તિગત જીવનમાં દુઃખો આવવા તકલીફો આવવી સ્વાભાવિક છે. નોકરી કરતા હોઈએ અને બોસે સોંપેલું કામ યોગ્ય રીતે ન થાય તો બોસની નારાજગી અને એ કારણે જે કોઈ પરિણામ ભોગવવા પડે તે તો ભોગવવા જ પડે. પરંતુ જો સમજણ સાથે કામ થાય તો બોસ ખુશ થાય અને પ્રમોશન અવશ્ય મળે. એ જ રીતે ઈશ્વરના સામ્રાજ્યમાં મનુષ્યને ચોક્કસ હેતુ સાથે મોકલવામાં આવ્યો છે જે અન્વયે મુખ્ય કામ વિશ્વની સંપત્તિને સાચવી તેનો વહીવટ કરવો અને પોતાના આનંદ માટે તેનો ઉપસનાયુક્ત ઉપભોગ કરી જેટલું માણી શકાય એટલું માણવું અને જેવું ઈશ્વરે તમને આપ્યું છે એવું જ અતિ શુદ્ધ અને સુંદર અંતે ઈશ્વરને પાછું સોંપવું, તો આપણું જીવન સાર્થક ગણાય અને ઈશ્વરે નિર્ધારિત કરેલી કસોટીમાં પાસ થયા કહેવાઈએ. એટલા માટે જ કબીર કહેતા કે “હે પ્રભુ તે આપેલી જીવનરૂપી ચાદર તપાસી લે જો કોઈ દાગ ન પડ્યો હોય તો મારું જીવન સાર્થક અને સફળ”
આ ઉપરાંત જીવનનો એક બીજો હેતુ છે ચારિત્ર ઘડતર અને ચારિત્ર વિકાસ તેમ જ અનંત જીવન માટેની તૈયારી રૂપે આ સંસારરૂપી પાઠશાળાની નિર્ધારિત કરેલી કસોટી પાર પાડવા માટે તૈયાર થવું, ઉત્તીર્ણ થવું અને પ્રભુના પ્રિય બનવું. મનુષ્ય માત્રનું પૃથ્વી પરની હયાતિનું ચોક્કસ કારણ છે. બીજું કંઈ ન થઈ શકે તો ચાલે પરંતુ આ બે કાર્યો ઈશ્વરે ઘડેલા છે એ કરવા આવશ્યક છે. ઘણું બધું કર્તવ્યના નામે જે કંઈ મનુષ્ય કરે છે એ તો મોહમાયા દ્વારા ઊભી કરેલી વ્યવસ્થા છે. એ સર્વ પણ જો થઈ શકે તો ઉત્તમ પણ જો એ ના થઈ શકે તો એના માટે ઈશ્વર નારાજ ક્યારેય થતો નથી. પરંતુ જો ઉપર જણાવેલ મુખ્ય બે કાર્યો ના થઈ શકે તો ઈશ્વર નારાજ અવશ્ય થાય છે. ટૂંકમાં ઈશ્વરના સામ્રાજ્યને સાચવવું, પ્રકૃતિના તત્વોની સારસંભાળ રાખી ઈશ્વરે આપણને જેવું આપ્યું એવું જ અતિશુદ્ધ અને સુંદર તેને પાછું આપવું અને જીવનરૂપી યાત્રા દ્વારા ચરિત્ર ઘડતર કરી અંતિમ યાત્રા માટે સજ્જ થવું એ આપણા સર્વના જીવનનો ultimate ઉદેશ્ય છે.