અમદાવાદમાં આગઝરતી ગરમીની અસર : ટ્રાફિકથી સતત ધમધમતા એસજી હાઈવે, વસ્ત્રાપુર સહિતના માર્ગો બપોરના સમયે સૂમસામ
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાયું ગયું હોય તેવી ગરમી પડી રહી છે જેના પગલે અમદાવાદીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે બીજી બાજુ ટ્રાફિકથી સતત ધમધમતા મોટાભાગના માર્ગો બપોરના સમયે સૂમસામ જોવા મળ્યા છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે.
અમદાવાદ શહેરના એસજી હાઈવે, વસ્ત્રાપુર, થલતેજ, શિવરંજની, અખબાર નગર, જીવરાજ પાર્ક સહિત અનેક વિસ્તારોમાં બપોરના સમયે લોકોની ઓછી અવરજવર જોવા મળી છે. હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગરમીનું પ્રમાણ વધતાં અમદાવાદના શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી છે જેમાં બપોરના સમયે કામ વિના બહાર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી છે. ધોમધખતી ગરમી પડી રહી છે ત્યારે શહેરીજનો પણ આરોગ્ય વિભાગની આ એડવાઈઝરીનું પાલન કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 14મી મે સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવનારા પાંચ દિવસમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે.