કવિતા કેફે.
ડો. અશોક પટેલ.
૧) જેનું લોહી ચોખ્ખું નથી,
એની શાહી ક્યાંથી હોય.?
કલમમાં… કબીરની,
બાદશાહી ક્યાંથી હોય.?
૨) દિલને ત્યારે બહુ,
ખોટું લાગી જાય!
લોક રમાડવા લઈ જાય,
કોઈ રાખવા લઈ જાય!
૩) એની એ જ કથા,
સવારથી સાંજની…
બટન મોટું,
ને નાનકડા ગાજની!
૪) મુલાકાત તો ઘણી થતી.
એમને..
મળવાનું બસ રહી જતું!
૫) બહુ વિચાર્યું…!
પછી લાગ્યું,
‘બહુ વિચાર્યું!’
૬) ના ગણ, એમાં કેટલા છે કાણા!
સજ્જનનો લિબાસ છે,બિરખ…
તાણાં – વાણાં!
૭) ક્યારેક એકલો પડું,
ને તું યાદ એમ આવે…
દાદાના દુખતા પગને…
બાળક… જાણે દબાવે!
૮) જે પલાળે, ઈ નહીં,
જે કોરા પડવા નો દે..
ઈ વરહાદ!
૯) ગાલ પર એમના,
એવી તે લાલી..!
જાહોજલાલી!
જાહોજલાલી!
રાખી રાખીને કોઈ,
હિંમત કેટલી રાખે?
તુટેલા બારણાને…
તાળા કેટલા વાખે?
અમને આંક્યા
જંત્રી – ભાવે!
એ ઉપડી ગ્યાં…
બજાર – ભાવે !
એટલું ખરું…
પ્રશ્ન ગરીબના,
અમીર ઘણા હોય છે!
નાનાં તો મનાઈ જશે!
મોટા માટે ” રાખો!
ક્યારેક… કાગળ કોરા આવતા!
એ ય અમે તો વાંચતા!
ફેલાયેલી શાહી પરથી…
આંસુ લૂછી નાખતા!
સાહેબ, આ તો
મોકાની જગ્યા ના ભાવ છે!
Smile ઇંચોનું
એક રૂમ – રસોડાનું…
પણ વિલા કે ફાર્મ – હાઉસના ભાવ છે!
આટલુ ભુલકણું કોઈ હોતું હશે?
ચહેરો ભૂલીને…કોઈ જતું હશે?
નક્કી આકાશમાંથી
કોઈ દૈવી તત્વ ખર્યું હશે!
આ રૂપ, આ નિખાર, આ ઠસ્સો, આ ચાલ…
‘Made in india’ હોતું હશે?
તારી આંખમાંથી ટપકયું,
એકાદ ટીપું આંસુ…
હું દોડું… તે પહેલા દોડ્યાં,
મારી આંખમાંથી આંસુ!
સાહેબ, પાકકી શ્રધ્ધા હોય,
તો જે એવું થાય!
તું મલકે! ને મારે…
પૂનમો ભરાય!
ભૂરા, એટલું તો પાકકું!
‘જે સપનામાં આવે,
ઈ…સપનામાં જ આવે!’
ભૂરા, હોઈ શકે,
એ નફરતથી જોતા’તા!
પણ માં કસમ!
એ જોતા’તા!
“ખા મારા સમ!”
એમ કોઈ કહે,
તો એટલું વ્હાલું લાગતું!
આ…
“I love you!”
ખબર નહીં,
એ Deal નથી આવતું!
જિંદગીથી ક્યારે,
આવી જાય છે,
પહેલો ફોન મારો…
દીકરીને જાય છે!
કન્યા વિદાય વખતે,
અજાણ્યા બી રૂવે છે!
આંસુ, ક્યાં કોઈનું,
આધાર – કાર્ડ જુએ છે?
‘મોજમાં રહીએ’
એટલી જ અરજી!
બાકી તો માલિક…
તારી મરજી!
દરવાજાની આડસમાંથી
ત્રાસુ તારું જોવું…!
દિદાર દુજનાં ચાંદનો,
અજવાળું પૂનમનું કહેવું!
કમાડ…
બહાર ખોલો તો આંગણ ખૂલે,
અંદર ખોલો તો… આકાશ!
કેવા સુંવાળા સપના સેવ્યા’તા,
રહીને જોડે જોડે!
આજે એમણે કાઢ્યો ઉઘાડ!
કહે છે… “Just friends” બનીને રહીએ.”
“અલ્યાં, જમીનનો ટુકડો છું,
તે હેતુફેર કરીએ?”
અમે કર્યા આંટા ફેરા,
ને કો’ક ફરી ગ્યું ફેરા!
માલિક, White નો માલ ઉપર…
આવા આંકડા વેરા?
તમે કહો કે,
“Please…હું ટુટી ગયો છું,
Leave me alone!
શું એ બસ છે?
લોકોને તો…
તિરાડો જોવામાં…
પણ રસ છે!
ભાઈ, મજબૂર માણસને
હસવાનું કહો છો?
ફાટેલા દૂધની…
ચા નુ કહો છો?
“બે દુ ની ચાર”
આટલી simple હતી વાત!
આ તો જવાબ મોટો કરવા ગ્યો, એમાં…
જિંદગી રૂંઠિ કરી નાંખી!
મેં ય વિચાર્યું’તું,
‘કંઈક બનું!
લોક મને…
બનાવતું ગયું!
ઘણું ચાહયું,
‘જિંદગીને બથ ભરીને…
કહું એની સાથે ગેલ!’
ક્યારેક હાથ પડ્યા ટૂંકા,
ક્યારેક જિંદગીની સાઈઝ…’XXL’!
કેટલીક યાદો, હલકી પુલકી હોય છે! વજન ના હોય, બોજો હોય છે!
તાણી તાણીને, જખમ એવા લીધા છે!હવે જખમ નહીં, ટાંકા વિતાડે છે!
દુઃખને એણે એવું તે દબાવીને રાખ્યું’તું… આ તો જોસથી હસવા ગયો,
ને રડી પડ્યો… ત્યારે ખબર પડી… બારણું કેટલું જોસથી વાખ્યું’તું!
હાથ જાલીને…જોષીડો બોલ્યો, “પહેલીવાર…
કોઈએ હાથ ઝાલ્યો લાગે છે!”
વાત એટલી જ કે,
ચોપડીમાં સૂકું પાન ને ગુલાબની સૂકી પત્તી હતી!
વાત એટલી જ કે,એ સૂકા પાન ને ગુલાબની સૂકી પત્તીમાં, એક લીલીછમ ચોપડી હતી!
મેં દુઃખને બરડે,
હળવેકથી ફેરવ્યો હાથ,
ને જરી હસીને કીધું,
“દોસ્ત, થાકી જઈશ!
થોડો થાક ખાવાનું રાખ!
હું આવ્યો’તો તારે ત્યાં,
બધું પડતું મેલી ને!
પાછો ફર્યો, તો…
ખુદને ઠેલી ઠેલી ને!
મોરનું ગળું બેસી ગયું,
ટહુકી ટહુકીને!
એક વાદળી…
જાણે કોલેજની L.R. ના હોય,
ના વરસી…તે ના વરસી!
હશે કોઈ આગલા ભવની,
લેણા – દેણી મારા ભાઈ!
ઉધાર તો કાંઈ લીધું નથી, તો ય…
એમનાં દેવા ચૂકવું છું!
45. રાત આખી વરસાદ પડ્યો!
આંખો…
ચોમાસાની રાહ, નો જુએ!
પીઠ પર ખંજરનો ઘા
ભૂરા, ભૂલી જા ભલે!
પણ…
એ ખંજર પાછળ રણકેલો,
ચૂડીનો ઝંકાર…
કેમનો ભુલાશે?
એમ તો રંગો, મને ય ગમે છે!
બસ બદલાતા રંગો, મગજમાં ભમે છે! દરવાજો મારો… દસ્તાવેજ!
ટકોરો તારો… દસ્તખત!
રસ્તાની વચ્ચોવચ,
બાળક દોટ કાઢી બેસે!
પતંગ પકડી પાડ્યો…
પણ, આકાશ ખોઈ બેઠો!
વરસો જોડે રહીને, સ્પષ્ટ થઈ જાય શીતળા સાતમ!
ને વરસો પહેલાનો, ખોવાયેલો સ્પર્શ મળે,
તો ટેરવે ટેરવે… જન્માષ્ટમી!
“બાપુ,
ગઝલનું છંદમાં લખવાનું ફાવે?
“ભૂરા,
PPE Kit પહેરી, બાકી ફરવાનું ફાવે?
બેન રાખડી બાંધવા,
એક મહિનો વહેલી આવી!
ભાઈના મનમાં ગોઠવાઈ ગયું,
“મારું કેન્સર, નક્કી…
ખાસ્સું ફેલાઈ ગયું!”
જોયા નથી, જાણ્યા નથી…
કે દેવ ને રોજ દીવા-બત્તી!
જેમણે જણ્યાં, જતનથી વણ્યા…
એ ઘરડા મા-બાપ ઉપર, તિન-પત્તી?
પહેલા ” વાપરતાતા, ઘરમાં!
હવે વડીલને,
Voting Rights પણ નથી.
—————–_-_————-
55. તમારો ઘરને વૈભવ,
આંખોમાં એમ ઉતાર્યો છે,
આખ્ખે આખ્ખી જાન ને,
આપ્યો ઉતારો છે!
ખૂબ ઊંચે, હવામાં લહેરાતા પાંદડા થયા છે!
થડને એમ થાય,” છોકરાંવ હાથથી ગયા છે!”
વહુ : “રામુ, વધારાનું માળીયે ચડાવી દે જે!”
સાંભળતા જ,
દાદાની આંખોમાં, ભાગદોડ મચી ગઈ!
ઘરડી આંખોમાં આંસુ જોઈ,
મને એમ થાય છે,
‘ઘરના નકશામાંથી…
કાશ્મીર… જાય છે!”
દાદાને ઝાંખું દેખાય,
એ પહેલા…
દાદા ઝાંખા દેખાય છે!
તો ય…
મોતીયા, દાદાના ઉતરાવાય છે!
આજ એવો ખોળો ક્યાં છે,
જ્યાં માથું મૂકીએ, ને ભૂલી જઈએ…
માં… ક્યાં છે?
આયા ઝુલાવે પારણું
ને માં… નીંદર!
દુનિયાનો નકશો દોરવાનો કીધું!
માં એ હસતા હસતા…
અમારું ઘર દોરી દીધું!
પોતાને નકકોડો ઉપવાસ હોય,
છતાં એ…
બાળકને કે પતિને જમાડવામાં,
જે જોર કરે છે,
ત્યારે મને સમજાય છે,
તમારા – મારા ઘર, ને આ ધરતી…
કેમ ફરે છે!
લગ્ન એક એવો પ્રમેય છે,
જેમાં પુરવાર કરવાનું કશું હોતું નથી!
માત્ર ને માત્ર…
રીતના માર્કસ, મેળવવાના હોય છે!
….,…………
65. બેડરૂમમાં ઝીણી ઝીણી ગુસપુસ ચાલી,
ને ડ્રોઈંગ – રૂમમાં રાડ પડી!
વાત માત્ર એટલી જ…
ઘરની એક દિવાલમાં, તિરાડ પડી!
ભૂકંપથી. ટૂટેલા ઘર,
બેઠા થાય છે!
કજીયાથી ટૂટેલા,
બેસી જાય છે!
દીકરી એટલે…
M.F.હુસેનના, 2-4 લસરકાનું classy ચિત્ર!
ઘરના મંડ્યા છે, “આને બોર્ડર બાંધો!”
વળાવી જેને સાસરે,
એ દીકરી હતી, કે…
દિલ, ઘર, ફળિયું ને ગામ?
આમ ભર્યું ભાથર્યું,
ને આમ જુઓ તો ખાલી!
દીકરી વિનાનો મહેલ!
લાગી સૂની ચાલી!
એનું જ નામ જિંદગી!
સપનાઓનું જીવતા રહેવું!
સપનાં ને સમજાવતા રહેવું!
હું ક્યાં ગઝલ લખું છું?
મારી જ ગડમથલ લખું છું!
નીકળ્યો ક્યાંથી ને નીકળીશ ક્યાં,
બે વચ્ચેની, સમજણ લખું છું.
એક મજૂરની જન્મ તારીખ પૂછી.
તે જોઈ જ રહ્યો!
પછી સ્હેજ હસ્યો!
પછી તો ખડખડાટ!
એ પેલ્લીવાર બોલ્યો,
આટલું ફડફડાટ!
ચાલુ વરસાદે,
એમને એમ કે, અગાસીએ…
એ એકલા જ ન્હાય છે!
ફટાફટ ખૂલેલી બારીઓમાં…
એમની… વાછોટો જાય છે!
74. હાથમાંથી હાથ એક,
એમ સરી પડે…
રહે ડાળ જોતી,
ને વસંત ખરી પડે!
પ્રેમ…
તમારે વહીવટ હતો!
અમારે વેદના હતી!
એક અમીરોની વાત હતી,
એક અમીરાઈની વાત હતી!
જિંદગી,
મહાભારતથી પણ ભીષણ લડાઈ લાગે છે!
બચારો કર્ણ,
કુંતી પાસેથી કવચને કુંડળ…
પાછા માંગે છે!
આવી તે દેવ?
મને પડખામાં ઘા,
સુવાની…
દર્દને કુટેવ!
હો ચા ની ચુસકી,
કા બે – ચાર પે!
બે આધાર- કાર્ડ,
થઈ જાય એક!
વાક્છટાથી જે સ્વભાવ ગજવી શકે… ઘરમાં તૂટેલા સંવાદને, ફરી સાંધી શકે?
જેના ડ્રાઇવરમાં ઘડિયાળ,
બહુ દિવસથી બંધ પડી હોય,
નક્કી જાણજો…
એ ઘરના સંબંધોમાં,
કદાચ… તડ પડી હોય!
ખેતર ફાડવું,
છાતી ફાડી!
હવે એને નિરાંત છે!
છોડી ઉથલાવવી…
નાની વાત છે?