અમદાવાદ શહેરમાં “માનવ કથા” નું આયોજન પ્રથમ વખત થયું હતુ. આપણે સૌએ રામ કથા, શિવ કથા, ગાંધી કથા તથા સરદાર પટેલ કથાનું નામ સાંભળ્યુ છે તથા તેમાં ભાગ પણ લીધો છે. પરંતુ માનવ કથા કરવી એ નવો અનુભવ છે. અમદાવાદની વિવિધ સંસ્થાઓ ધર્મજાગૃતિ કેન્દ્ર,શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ તથા મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત માનવ કથાના મુખ્ય વક્તા એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વિશ્વમાં ચાલતા યુધ્ધો થવાનું કારણ માનવતાનો અભાવ છે. ભારતીય સંસ્કૃતીમાં માનવીય અભિગમ, માનવીય મૂલ્યો તથા કરૂણા કેન્દ્ર સ્થાને છે. વિશ્વની બધીજ સંસ્કૃતીઓને માન આપી એકબીજાની સ્વિકૃતિ કરવી એ આદર્શ સમાજની નિશાની છે. માત્ર ભૌતીક સુખો નહી પરંતુ આધ્યાત્મિક મૂલ્ય સાથેનું જીવન શાંતી અને સંતોષ આપે છે. પ્રિ.વકીલે વધુમાં કહ્યું હતુ કે વૈશ્વીક માનવ બનવા માટે સાચી સમજણ, બંધુત્વની ભાવના તથા માનવતા જરૂરી છે.માનવ ધર્મ એટલે પરસ્પર દેવો ભવ. ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદ શાહે કહ્યું હતુ કે અમદાવાદમાં માનવ કથા કરવાની શરૂઆત કરી છે. આ કથા શરૂ કરવાનો એકજ ઉદ્દેશ છે કે સમાજમાં કોઈપણ ભેદભાવ વગર સંપ તથા શાંતીથી એકબીજાને સ્વિકારી સાથે રહીએ. આ માનવ કથામાં ૪૦૦ થી વધુ મુમુક્ષો હાજર રહ્યા હતા.