પહેલા તો અમને ખોટી માહિતી અપાઈ કે દીકરીની તબિયત ખરાબ છે. આત્મહત્યા કરી છે, પોલીસની કામગીરી સંતોષકારક નહી, મમતા બેનર્જીનો વિરોધ દબાવવાનો પ્રયાસ: પીડિતાની માતા
કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેઇની ડોકટર સાથે રેપ અને મર્ડરનો કેસ ભારે ચર્ચામાં છે. જેને લઈને માત્ર બંગાળ જ નહીં પણ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.
આ વચ્ચે મહિલા ટ્રેઇની ડોકટરની માતાએ જણાવ્યું કે, હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે દીકરીની તબીયત ખરાબ છે, પછી કહ્યું કે તેણે આત્મહત્યા કરી લીધી છે, જ્યારે હું હોસ્પિટલ પહોંચી તો પહેલા ડેડબોડી જોવા ન દીધી અને પછી જ્યારે મંજૂરી મળી તો જોયું કે તેની પેન્ટ ખુલ્લું હતું, શરીર પર માત્ર એક જ કપડું હતું. હાથ તૂટેલો હતો અને આંખમાંથી લોહી નીકળતું હતું. તેમણે કોલકાતા પોલીસના કામ પર પણ અસંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે, લાગે છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરોધ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
મહિલા ટ્રેઇની ડોકટરની માનું કહેવું છે કે, હોસ્પિટલ પ્રશાસનનું તેની પુત્રીના મોતને લઈને વલણ જરાય યોગ્ય ન હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે કે અમને પણ હોસ્પિટલ પ્રશાસને અડધીપડધી જ વાત કરી. માત્ર એટલું જ દીકરીની તબીયત ખરાબ છે અને ફોન કાપી નાખ્યો. જ્યારે વધુ માહિતી મેળવવા મેં ફરી ફોન કર્યો તો સામેવાળા પોતાને આસિસ્ટન્ટ કહ્યો અને જણાવ્યું કે, તમારી દીકરી ગુરુવારે ડ્યૂટી પર હતી અને તેણે આત્મહત્યા કરી લીધી છે. મેં તેમને કહ્યું કે આ આત્મહત્યા નથી, અમે અમારી દીકરીને ડોકટર બનાવવા ઘણી જ મહેનત કરી હતી અને તેની હત્યા કરી દેવાઈ.
પીડિતાની માતાએ કહ્યું, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ગુનેગારને ઝડપથી પકડી લેવામાં આવશે પરંતુ હજુ સુધી કંઈજ થયું નથી. એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. મને વિશ્વાસ છે કે આ ઘટનમાં અન્ય કેટલાંક લોકો પણ સામેલ હશે.
મને લાગે છે કે ઘટના માટે એક આખો વિભાગ જવાબદાર છે. પોલીસે જરાય સારું કામ નથી કર્યું. મને લાગે છે કે મુખ્યમંત્રી વિરોધ દબાવવાનો પ્રયાસ કરે છે. તેમણે આજે અહીં કલમ 144 લગાવી દીધી કે જેથી વિરોધ ન થઈ શકે.
કોલકાતા પોલીસને લઈને તેમણે કહ્યું કે, તેઓએ મને જરાય સહયોગ નથી આપ્યો. તેમણે માત્ર આ કેસને ઝડપથી પુરો કરવાનો પ્રયાસ કર્યો. તેમનો પ્રયાસ હતો કે ઝડપથી પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહને હટાવી દેવામાં આવે.