બે ડ્રાઈવર કંડકટર, કેશીયર સહીત પાંચ શખ્સોની ધરપકડ: ઘેરથી ભાગેલી સગીરા વાસનાંધોની ઝપટે ચડી ગઈ
કોલકતા મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યા સામે સમગ્ર દેશમાં આક્રોશ છે અને સર્વોચ્ચ અદાલતે તેનું સંજ્ઞાન લીધુ છે તેવા સમય દહેરાદુનમાં 16 વર્ષની સગીરા પર એસટીની બસમાં ગેંગરેપનો બનાવ બનતા ખળભળાટ સર્જાયો છે. આ કેસમાં પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. ગત સોમવારે રાત્રે બસ ડેપોમાં જ બસમાં સામુહીક દુષ્કર્મની ઘટના બાદ સગીરાનું કાઉન્સીલીંગ કરાયું હતુ અને તેના આધારે ભાંડો ફૂટયો હતો.
આ પ્રકરણમાં પકડાયેલા પાંચ શખ્સો પૈકી બે બસના ડ્રાઈવર એક કંડકટર તથા એક ટીકીટ કાઉન્ટરનો કેશીયર છે.દુષ્કર્મ જે બસમાં થયુ હતું તે કબ્જે કરીને ફોરેન્સીક તપાસ માટે મોકલી દેવામાં આવી હતી.આ કેસમાં એવી વિગતો બહાર આવી છે કે સગીરા મૂળ ઉતર પ્રદેશનાં મોરાબાદની છે.ઘેરથી ભાગીને દિલ્હીનાં કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ પર પહોંચી હતી જયાં ડ્રાઈવર-કંડકટરનો ભેટો થયો હતો ટીકીટ વગર દહેરાદુન પહોંચાડી દેવાની લાલચ આપી હતી.દહેરાદુન પહોંચીને તેઓએ બસને ડેપોમાં નિશ્ર્ચિત જગ્યાએ પાર્ક કરી દીધી હતી અને બાદમાં અન્ય ત્રણ શખ્સો સાથે મળીને સામુહીક બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસનાં સુત્રોએ કહ્યું કે દુષ્કર્મ ગુજાર્યા બાદ પીડીતાને પતિયાલાની બસમાં બેસાડી દેવા ડ્રાઈવરે પ્લાનીંગ કર્યું હતું. પરંતુ સિકયુરીટી ગાર્ડને શંકાસ્પદ માલુમ પડતાં ઈમરજન્સી હેલ્પલાઈન વિભાગને જાણ કરી દીધી તુર્તજ બાળકીને શેલ્ટર હોમ લઈ જવામાં આવી હતી. આ વખતે તે નોર્મલ માલુમ પડી હતી. તેનું મેડીકલ ચેકઅપ કરાયું હતું અને કાઉન્સેલીંગ વખતે દુષ્કર્મનો ખુલાસો થયો હતો.
સગીરાનાં કહેવા પ્રમાણે માતાપિતાનું અવસાન થતા બાકીનાં પરિવારે તેને ઘરમાંથી કાઢી મુકી હતી.પોલીસે જોકે, એમ કહ્યું કે માનસીક રીતે તે સ્વસ્થ ન હતી વારંવાર નિવેદન બદલાવતી હતી પ્રથમ મોરાબાદની હોવાનું કહ્યું હતું પછી પતિયાલાની હોવાનું જણાવતી હતી. સ્વસ્થ થયા બાદ સમગ્ર આપવીતી જણાવી હતી અને તેના આધારે પોલીસે તાબડતોબ કાર્યવાહી કરીને પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.પાંચેય શખ્સોએ રેપ કર્યાનું કબુલી લીધુ હતું અને પોકસો સહીતની કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.પોલીસ તપાસમાં એમ ખુલ્યુ હતું કે તેના માતાપિતા જીવીત છે ભુતકાળમાં પણ અનેક વખત ઘેરથી ભાગી ગઈ હતી.