એ દિવસે કદાચ બોળચોથ કે પાંચમ હતી એવું મને યાદ છે. સાતમ આઠમ નિમિતે ઘરમાં પકવાન બની રહ્યા હતા.પાસપડોશની સ્ત્રીઓ સૌ અમારા ઘરે એકઠા થઇ બધું બનાવી રહ્યા હતા. ઉત્સાહનું વાતાવરણ હતું. ત્યાં જ મોરબીની તારાજીના સમાચાર આવ્યા. મમ્મીએ કહ્યું કે હવે અત્યારે આ બધુ ફરસાણ મીઠાઈ નથી બનાવવુ, જોઈએ પછી. એટલે અમારો બાળકોનો ઉત્સાહ ઓસરી ગયો હતો. (ખબર ન હતી કે કેમ આવું!)
એ પછી દિવસોના દિવસો સુધી મચ્છુની તારાજીની હદયદ્રવક તસવીરો અખબારોમાં જોઈ જોઈને લોકો કકળી ઊઠતાં. અમેરિકાના કોઈ સેટેલાઈટ થ્રુ આની માહિતી મળી હતી એવી ચર્ચા ત્યારના અખબારોમાં વાંચ્યાનું યાદ છે. છેક થાંભલા પર ભેંસનું શબ લટકતું’તું એ તસવીર હજુ પણ યાદ આવી જાય છે!
રાહત માટે શેરીઓમા ખાદ્ય સામગ્રી, કપડાં ઘરવખરી ઉઘરાવવા રિક્ષાઓ ફરતી રહેતી. સોસાયટીની સ્ત્રીઓ સાથે મળી થેપલાં-સુખડી વગેરે બનાવી બનાવીને મોકલતાં. મારી ઉંમર આઠેક વર્ષની હશ. શેરી ગલીઓમાં ચર્ચાતી આ વિશેની વાતોથી પરિસ્થિતિનો ખ્યાલ આવતો કે કશું ક ગંભીર કહેવાય એવું બન્યું છે.
આજે પિસ્તાલીસ વર્ષ બાદ પણ આમાંનું ઘણું એકદમ યાદ છે.