બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું, ત્યારપછી વિવિધ જેલમાંથી 1200થી વધુ કેદીઓ ભાગી ગયા છે. આ ભાગી ગયેલા કેદીઓમાં કેટલાક આતંકવાદીઓ પણ સામેલ છે. તેઓ ભારતમાં ઘુસવાની ફિરાક હોવાનું એલર્ટ મળતાં ભારતની ચિંતા વધી છે અને તેણે સરહદે એલર્ટ વધારી દીધું છે.
પ્રાથમીક માહિતી મુજબ, 1200 જેટલા કેદીઓ જેલમાંથી એક સાથે ભાગી ગયા, જેના કારણે પડોશી દેશ ભારત માટે એક નવી મુશ્કેલી પેદા થઈ છે. બોર્ડર સિકયોરિટી ફોર્સ (બીએસએફ)એ કહ્યું છે કે આ ખુંખાર કેદીઓ હથિયારો સાથે ભારતમાં ઘુસવાની કોશિશ કરી શકે છે.
પ્રાપ્ત માહિતી મુજબ બીએસએફે દેશની સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરી છે. બીજી તરફ, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ના અધિકારીઓને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ગોઠવવામાં આવ્યા છે.
બીએસએફના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે, વધી રહેલા સુરક્ષા જોખમને જોતા બંને દેશોની બોર્ડર સિકયોરિટી ફોર્સ વિવિધ સ્તર પર વાતચીત કરી રહી છે, જેનાથી ઘુસણખોરોને ભારતમાં ઘુસતા રોકવા માટે ઉચિત સમયે જાણકારી આપી શકાય.
બીએસએફના એક અન્ય અધિકારીએ કહ્યું કે, બંને દેશોના સુરક્ષા દળોના કમાન્ડેન્ટ, નોડલ અધિકારી, ફ્રન્ટિયર આઈજી અને અન્ય સ્તર પર માહિતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવી રહ્યું છે.
વાતચીત દરમિયાન બીજીબીના અધિકારીઓને 4096 કિલોમીટર લાંબી સરહદ તરફ વધી કોઈપણ ફરાર ગુનેગાર અંગે ત્વરિતપણે બીએસએફને તરત એલર્ટ કરવા કહ્યું છે.
બીએસએફના અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બીજેબી એ અમને પાંચ જેલો- નરસિંગી, શેરપુર, સતખીરા, કુશ્તિયા અને કાશિમપુરમાંથી કેદીઓ ભાગી ગયાની જાણ કરી છે.
ભારત સરકારે સુરક્ષા દળોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાંગ્લાદેશમાંથી કોઈ પણ વ્યક્તિને ભારતમાં ઘુસવાની મંજુરી આપવી નહીં. પછી એ ગમે તે વ્યક્તિ હોય.
જો કે, બીજીબીના અધિકારીઓએ બીએસએફને એમ પણ કહ્યું કે નરસિંગી જેલમાંથી ભાગી ગયેલા 400 કેદીઓએ આત્મસમર્પણ કરી દીધું છે. જો કે, જમાત-એ-ઈસ્લામી અને હિફાજત-એ-ઈસ્લામી સહિત કેટલાક સમુહોના કેદી હજુ પણ ગાયબ છે.