વિવેચક, ચરિત્રકાર,નિબંધકાર,સંપાદક, અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ચિદ્દઘોષ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

૦૮ ઓગસ્ટ,ગુરુવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી

અને ઓમ કૉમ્યુનિકેશનના

સંયુક્ત ઉપક્રમે વિવેચક, ચરિત્રકાર,નિબંધકાર,સંપાદક, અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ચિદ્દઘોષ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંપાદક-અનુવાદક અમૃતલાલ યાજ્ઞિક વિશે પ્રો.હૃષીકેશ રાવલે, વિવેચક અમૃતલાલ યાજ્ઞિક વિશે પ્રો.પિનાકિની પંડ્યાએ અને નિબંધકાર અમૃતલાલ યાજ્ઞિક વિશે પ્રો.યશોધર હ. રાવલે અભ્યાસલક્ષી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

પ્રો. હૃષીકેશ રાવલ :

અમૃતલાલ યાજ્ઞિકે ઉચ્ચ શિક્ષણને લગતાં લગભગ દસેક જેટલાં સંપાદન ગ્રંથો અને સાતેક જેટલા અનુવાદિત ગ્રંથો આપ્યા છે. ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષા ઉપરના પ્રભુત્વને કારણે એમનું સંપાદન અને અનુવાદનું કાર્ય નોંધપાત્ર છે. ભગવાન મહાવીર સ્વામી, ગુરુ ગોવિંદસિંહ અને ગુરુ નાનકના જીવન અને સંદેશાઓ આપતા અનુવાદિત ગ્રંથો પણ નોંધપાત્ર છે તો સાહિત્યિક વાદોનો વિસ્તૃત જાણકારી આપતો ગ્રંથ પણ નોંધપાત્ર છે. અમૂલ્ય પ્રદાન કરનાર અમૃતલાલ યાજ્ઞિકની નોંધ જે લેવાવી જોઇએ તે હજુ સુધી લેવામાં આવી નથી.

પ્રો. પિનાકિની પંડ્યા :

અમૃતલાલ યાજ્ઞિક વિવેચક : ‘ચિદ્દ ઘોષ’ સંગ્રહ તેમનો 1971 માં રચાયેલો વિવેચન સંગ્રહ. તેમનું વિવેચન અધ્યયન અધ્યાપન કાર્ય નિમિત્તે વિશેષ થયું છે. મધ્યકાલીન સર્જક નરસિંહ મહેતા, પ્રેમાનન્દ અર્વાચીન ગુજરાતી સાહિત્યકારો નવલરામ, કાન્ત, રા. વિ. પાઠક, બ. ક. ઠાકોર, ગાંધીજી વિશે સર્જકલક્ષી વિવેચન પ્રાપ્ત થાય છે. વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી અંગે કૃતિકેન્દ્રી વિવેચન, ગુજરાતી સાહિત્યના ઇતિહાસની મર્યાદા દર્શાવતો વિવેચન લેખ પ્રાપ્ત થાય છે. સાહિત્યના શિક્ષણ અંગેનો લેખ પણ તેમની સાહિત્ય પ્રત્યેની ઊંડી નિસ્બતને પ્રગટ કરે છે.ગાંધીયુગના સાહિત્યને પણ તેમણે પ્રમાણ્યું છે. ગુણ અને દોષને તટસ્થ રીતે કહી શકનારા નીડર વિવેચકે રેડિયો વાર્તાલાપ નિમિત્તે પણ સાહિત્યનું મૂલ્યાંકન કર્યું છે.

પ્રો. યશોધર હ. રાવલ :

ચાલીસ વર્ષની શિક્ષણયાત્રા દરમિયાન થયેલા વિશિષ્ટ અને વાસ્તવિક અનુભવોનું આલેખન કરતા પાંચ સંચય (‘ જગગંગાનાં વહેતાં નીર’, ‘આત્મગંગોત્રીનાં પુનિત જળ ‘, ‘જાગીને જોઉં તો ‘

‘ સમાજગંગાનાં વહેણો ‘ અને ‘વિદ્યાસૃષ્ટિનાં પ્રાંગણમાં ‘ ) કેળવણીકાર અને સમાજહિતચિંતક આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક પાસેથી મળ્યા છે. નખશિખ શિક્ષક એવા લેખકનાં પ્રત્યેક સ્મરણાંકનો કિસ્સા, પ્રસંગ, ઘટના, ઉદાહરણ અને સ્વાનુભવથી ખચિત છે.

વાસ્તવિક ઘટનાઓના નિરૂપણમાં એક સંવેદનશીલ શિક્ષકના હૃદયનું ‘ કિમપિ દ્રવ્ય ‘ નીતર્યું છે. શિક્ષણ, સમાજ અને સાહિત્ય સાથે ઊંડી નિસબત ધરાવનાર આ લેખક વિદ્યાર્થીઓ અને વાલીઓનો અનર્ગળ પ્રેમ પામ્યા હતા. જીવનદૃષ્ટિ કેળવતાં રસપ્રદ અને પ્રેરક સ્મરણોનાં આ પાંચેય સંચયોમાં એક સહૃદયી શિક્ષકની ઉજળી છબી ઉજાગર થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *