પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પોઈચાને રૂપિયા ૨૨.૪૫ લાખના ખર્ચે ફાળવાયેલી બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સની ભેટ મળી
એમ્બ્યુલન્સ પોઈચાની આસપાસના ગામો અને નિલકંઠધામ પોઈચાની મુલાકાતે આવતા પ્રવાસીઓને મુશ્કેલીના સમયમાં સહાયક સાબિત થશે
રાજપીપલા,તા 2
નાંદોદ તાલુકાના પોઈચા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પોઈચા ખાતે બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથેની અત્યાધુનિક એમ્બ્યુલન્સનું છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. NBCC ઈન્ડિયા લિમીટેડ કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી ફાળવાયેલી આ એમ્બ્યુલન્સથી પોઈચા ગામ તેમજ આસપાસના ગામોની વસ્તી તેમજ પ્રવાસન સ્થળ નિલકંઠ ધામ પોઈચા ખાતે આવતા પ્રવાસીઓને ઈમર્જન્સીના સમયે એમ્બ્યુલન્સ મદદરૂપ નિવડશે.
ગુજરાત સ્થાપના દિવસની સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિવિધ પ્રકારે ઉજવણી થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના ઉમદા આશય સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રકલ્પોની અપાયેલી ભેટ પૈકી પોઈચા ગામ ખાતે યોજાયેલા એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ ઉપસ્થિત ગ્રામજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી કહ્યું હતું કે, લોકોના આરોગ્ય સુખાકારી અને ઘર આંગણે આરોગ્યની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જે કાર્યો કરી રહી છે તે ખરેખર અકલ્પનિય છે. માત્ર એટલું જ નહીં પણ નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લો હોય ખૂટતી સુવિધાઓને તબક્કાવાર પુરી પાડવામાં આવી રહી છે, ત્યારે NBCC ઈન્ડિયા લિમિટેડ કંપનીએ પોઈચા ગામને જે એમ્બ્યુલન્સની ભેટ આપી છે તે ખરેખર સરાહનીય છે.
વધુમાં સાંસદ ગીતાબહેને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે ૧૦૮ ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત થઈ હતી તેના કારણે અનેક લોકોને નવજીવન મળ્યું છે જે આપણા સૌના માટે આશિર્વાદરૂપ બની છે. આવા સંજોગોમાં નર્મદા જિલ્લાની ખાસ જવાબદારી અને સંભાળ લેતા ભારત સરકારના વિદેશમંત્રી એસ.જયશંકર પણ જિલ્લાના નાગરિકોની સતત ચિંતા કરી જનસુખાકારીના કાર્યો કરવા ઉપર ભાર મૂકી રહ્યા છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું વિશ્વનું પ્રવાસન સ્થળ છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે તેની સાથોસથ પોઈચા મંદિરે પણ અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે આ એમ્બ્યુલન્સ માત્ર ગામલોકોને જ નહીં પણ પ્રવાસીઓને પણ મુશ્કેલીના સમયમાં ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ સાંસદે વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને નાંદોદના ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખે ગુજરાત સ્થાપના દિવસનો ઉલ્લેખ કરી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
નર્મદા જિલ્લાને અંદાજે રૂપિયા ૨૨.૪૫ લાખના ખર્ચે NBCC ઈન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ફાળવાયેલી એમ્બ્યુલન્સની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પોઈચા ખાતે પૂજા કરી પાયલોટને મહાનુભાવોના હસ્તે ચાવી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોએ એમ્બ્યુલન્સમાં રખાયેલી સુવિધાઓની ઝીણવટ પૂર્વકની માહિતી પુરી પાડી હતી. બાદમાં મહાનુભાવોએ લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી રવાના કરી હતી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા