સાફલ્ય ગાથા….જન થી જળક્રાંતિ -વોટરશેડ પ્રોજેક્ટ. રૂપેણ નદી પુનઃજીવંત કરાતા ખેરાલુ તાલુકાના નવ ગામના ખેડૂતો અને પશુપાલકો માટે ૧૪ ચેકડેમ આર્શીવાદરૂપ બન્યા

વરેઠાના વરસંગ તળાવમાં નર્મદા અને સાબરમતીના આવેલા પાણીથી ગ્રામજનો પાણીદાર બન્યા
૦૦૦૦૦
વોટરશેડ પ્રોજેક્ટ અંતર્ગત મનરેગા યોજના હેઠળ વરેઠા ડાલીસણા જોરાપુરા ખિલોડ જસપુર રીછ્ડા રહીવપુરા અરઠી અને મહિયલ ગામના પાણીના તળ ઊંચા આવ્યા
૦૦૦૦
૧૪ ચેક ડેમ ભરાયા અને ૭૦ બોર રિચાર્જ થતા પાણીની સગવડથી સમૃદ્ધિ વિકસી
૦૦૦૦૦
વેડફાતું પાણી સંગ્રહ થયું અને ભૂગર્ભજળ ઊંચે આવતા અમે ઘઉં અને બાજરી પાક લઈ શક્યા- ખેડૂત પ્રહલાદભાઈ ચૌધરી…
મહેસાણા, બીજી મે ૨૦૨૩
“અમારા ૧૪ ચેક ડેમ ભરાયા અને ૭૦ બોર રિચાર્જ થતા ખેડૂતો હરિયાળા બન્યા છે. ચોમાસાનું વેડફાતું પાણી સંગ્રહ થયું અને ભૂગર્ભજળ ઊંચે આવતા અમે ઘઉં અને બાજરી પાક લઈ શક્યા છીએ. ગયા વર્ષે ૧૧ અને આ વર્ષે ત્રણ ચેકડેમ બનતા આ વર્ષે ખેતી પણ સારી થઈ છે. ઘંઉ પછી અમે બાજરી લીધી છે. પહેલા ગામમાં પાણી નહોતું ઢોરો માટે પાણીના ટેન્કર મંગાવવા પડતા હતા. હવે અમે ખેડૂતો બારેમાસે ખેતી કરીશું અને વડાપ્રધાનશ્રીનું ખેડૂતોને સમૃદ્ધ કરવાનું સપનું સાકાર કરશું. હવે અમારા ખેતરો અને ઢોરોને નિરાંત….” આ શબ્દો છે ખેરાલુ તાલુકાના વરેઠા ગામના ખેડૂત લાભાર્થી પ્રહલાદભાઈ ચૌધરીના….
વાત માંડીને કરીએ તો તારંગા પર્વતમાંથી ઉત્પન્ન થતી અને અરવલ્લીની ગીરીમાળાની વચ્ચે આવતા ખેરાલુ તાલુકામાંથી પસાર થતી વરસાદ અને આબોહવાની પરિસ્થિતિના પરિણામે છેલ્લા ઘણા સમયથી થઈ રૂપેણ નદી મૃતપાય થઈ ગઈ હતી. એમાંય વરેઠા, ડાલીસણા, જોરાપુરા, ખિલોડ,જસપુર, રીછ્ડા , રહીવપુરા, મહીયલ, અરઠી સહિતના નવ સાથે અંદાજે પચીસ ગામોમાંથી પસાર થતી નદીની શાખાઓ પણ સુક્કીભઠ્ઠ થઈ ગઈ હતી. જનજનનો વિકાસના સંકલ્પને સાકાર કરવાનો સરકારનો પ્રયાસ અહીં સાર્થક થયો.
મહેસાણા જિલ્લા જળ સ્ત્રાવ એકમમાં ચાલતા વોટરશેડ પ્રોજેક્ટ દ્વારા નદી પુનર્જીવિત કરવા અંગેનો રુપેણ રીવર રેજુવેનેશન પ્રોજેકટ -૨ (આરઆરબી-૨ ) અમલી કરવામાં આવ્યો હતો. ખેરાલુ પંથકમાં આવેલી રૂપેણ નદી પર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગત વર્ષે ૧૧ અને આ વર્ષે ત્રણ ચેકડેમ બાંધવામાં આવ્યા. આમ કુલ ૧૪ ચેકડેમ ગામના ખેડૂતો અને પશુપાલકો માટે આર્શીવાદરૂપ બન્યા છે.
વોટરશેડ પ્રોજેક્ટ દરમિયાન વર્ષ ૨૦૨૧ થી ૨૩ દરમિયાન રૂપેણ નદીમાં સરકાર દ્વારાનર્મદા અને સાબરમતી નદીનું પાણી કુડા ફીડરથી વરેઠા ગામના વરસંગ તળાવમાં નાખવામાં આવ્યું. આ પાણી નદીમાં છોડવામાં આવ્યું જેના કારણે વરેઠા, ડાલીસણા, જોરાપુરા, મહીયલ, અરઠી અને ખેરાલુ તાલુકાના મોટાભાગના વિસ્તારોના પાણીના તળ ઊંચા આવ્યા છે. ભૂગર્ભજળ ઊંચા આવતા આ સાથે ચૌદ ચેકડેમોમાં પાણી આવતા આજુબાજુના ૭૦ બોરવેલ રીચાર્જ થતા ૨૫ ફૂટ જેટલા પાણી ઊંચા આવ્યા છે આમાંથી ૬૬ બોરવેલ જે બંધ હાલતમાં હતા જે જીવંત થયા છે.
આ પ્રોજેક્ટને મનરેગા યોજનાના કન્વર્ઝનથી પૂર્ણ કરવામાં આવ્યો હતો. જેના પગલે આ વિસ્તાર અને આજુબાજુના લોકોને ૫૨૮૩ માનવદિન રોજગારી પણ મળેલ છે. પાણીની અછતના કારણે જે ખેડૂતો એક પાક લેતા હતા તે હવે ત્રણેય સિઝનનો પાક લઈ રહ્યા છે.
અન્ય એક ખેડુત સલમાનભાઈ મુમન જણાવે છે એમ ,” વરેઠાના ૩ અને જોરાપુરાના ૮ ચેકડેમ રુપેણ રીવર રેજુવેનેશન પ્રોજેકટ -૨ (આરઆરબી-૨ ) સાકાર થતા, અમારા ચેકડેમ ઓવરફ્લો થયા અને અમે સારી ખેતી કરી રહ્યા છીએ.આ માટે સરકાર અને પ્રોજેકટના આભારી છીએ.
ખેરાલુના અગ્રણી શ્રી અજમલભાઈ ઠાકોર આ બાબતે કહે છે, “ આનાથી ખેડુતો ત્રણ સીઝનનો પાક લઈ શકશે તેમજ પશુપાલન પણ કરી શકશે. ખેતીની આવક વધશે વોટરશેડ પ્રોજેક્ટ દ્વારા નદી પુનર્જીવિત કરવાના મનરેગા યોજનાના કન્વર્ઝનથી પૂર્ણ કરવામાં સૌનો આભાર “
આમ રૂપેણ નદીને પુનર્જીવિત કરવાના આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર રૂપેણ નદી જ નથી છલકાઈ પણ આ ગામોના પશુપાલકો અને ખેડૂતોના ખેતરો સમૃદ્ધિ અને હરિયાળીથી છલકાયા છે. જન થી જળક્રાંતિ ને સાકાર કરતા વોટરશેડ પ્રોજેક્ટથી ગામના ખેડૂતો અને પશુપાલકોની પાણીની સગવડથી સમૃદ્ધિ વિકસી રહી છે.
મહેસાણા માહિતી કચેરી –હેમલતા પારેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *