*પાન મસાલા ઉદ્યોગ, હજારો કરોડના મોતના આ કારોબારમાં સેલિબ્રિટીઓના હાથ પણ લોહીથી ખરડાયેલા છે*
*ફિલ્સ્ટારો- ક્રિકેટરો થોડા કરોડ માટે તેના ચાહકોને મોતના મોમાં ધકેલવા તૈયાર છે!*
*હિમાદ્રી આચાર્ય દવે*
પાન મસાલા ઉદ્યોગનો જન્મ 1970ના દાયકાના મધ્યમાં ‘પાન પરાગ’ના બ્રાન્ડિંગ સાથે, પાનમસાલા ઇન્ડસ્ટ્રીના પાયોનિયર શ્રી મનસુખ લાલ મહાદેવભાઈ કોઠારી દ્વારા થયો હતો.
સૌથી વધુ તમાકુનું સેવન કરનારા લોકોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. શહેરો કરતાં ગામડાઓમાં તમાકુનું સેવન વધુ છેનેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) મુજબ, શહેરી વિસ્તારોમાં 29% પુરુષો અને ગ્રામીણ વિસ્તારોમાં 43% પુરુષો તમાકુનું સેવન કરે છે. તો, ગામડાઓમાં રહેતી 11% મહિલાઓ અને શહેરોમાં રહેતી 5% મહિલાઓ તમાકુનું સેવન કરે છે.
આજે ભારતમાં પાન મસાલાનો કારોબાર લગભગ 42 હજાર કરોડ રૂપિયા છે, જે 2027માં 53 હજાર કરોડ રૂપિયાને પાર થવાની આશા છે. WHO ના ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેના ડેટા દર્શાવે છે કે ભારતમાં લોકો 17 વર્ષની ઉંમરથી તમાકુનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. આ સર્વે અનુસાર ભારતમાં દર વર્ષે 10 લાખ લોકો મોઢાના કેન્સરથી મૃત્યુ પામે છે, જેનું મુખ્ય કારણ તમાકુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં 27 કરોડથી વધુ લોકો તમાકુનું સેવન કરે છે.ભારતમાં તમાકુ અને સિગારેટના કારણે દરરોજ 3,500 મૃત્યુ થાય છે.
એટલે કે દર કલાકે 145 મૃત્યુ થાય છે!
સિગરેટની જેમ ગુટખામાં ટોબેકો હોય છે. લોકો તેને ચગળીને ખાય છે અને મોનાં કેન્સરને નોતરે છે. તેથી જ under the food safety and standard (prohibition and restrictions on sale -2011)અંતર્ગત ભારતમાં ટોબેકો અને નિકોટીન વાળા ગુટકા અને પાનમસાલા વેચવા પર પ્રતિબંધ છે. આની છટકબારીમાં કંપનીએ નવો રસ્તો કાઢ્યો કે, ઠીક છે અમે અમારી પ્રોડકટમાંથી તમાકુ કાઢી નાખીને બનાવીએ છીએ. આ કંપનીઓએ ટોબેકો ફ્રી પાનમસાલાની સાથે સાથે જ બીજા સેચેટમાં ફક્ત તમાકુ, એટલે હવે એકની જગ્યાએ બે સેચેટ વેચવાનું શરૂ કર્યું. એકમાં ટોબેકો ફ્રી પાનમસાલો અને બીજામાં ટોબેકો. એટલે કે પહેલા એક સેચેટમાં જે મળતું હતું એ, હવે ખરીદવા વાળા લોકો બન્ને સેચેટ સાથે ખરીદી બન્ને વસ્તુ મિક્સ કરીને તેનું સેવન કરે છે! મહત્વની વાત એ કે એના ટોબેકો ફ્રી મસાલામાં પણ સોપારી હોય છે હેલ્થ માટે હાનિકારક છે.
‘બારાતીયો કા સ્વાગત પાન પરાગ સે હી કરના’ ‘એક સે મેરા કયા હોગા’ પાનપરાગની આ ટેગ લાઇન બધાને યાદ હશે. આ પ્રોડક્ટ કોઠારી ગ્રુપ દ્વારા બનાવવામાં આવી હતી જે1983માં રજિસ્ટર્ડ થઈ હતી. 80 અને 90ના દાયકામાં બોલિવૂડની મોટી હસ્તીઓ પાનપરાગની જાહેરાતોમાં જોવા મળતી હતી. એવા સમયે જ્યારે ટીવી ઘર સુધી પહોંચવાનું પણ શરૂ થયું ન હતું, ત્યારે શમ્મીકપૂર અને અશોકકુમાર જેવી હસ્તીઓ પણ પાનપરાગની જાહેરાતોમાં જોવા મળતી હતી.
પહેલાના સમયમાં ટોબેકની એડ. કરવા પર કોઈ પ્રતિબંધ નહોતો. મુક્તપણે ટોબેકોની એડ થઈ શકતી. યાદ હશે કે, ‘હમ રેડ એન્ડ વ્હાઈટ પીને વાલો કી બાત હી કુછ ઓર હૈ’ વાળી એડમાં અક્ષયકુમાર સ્મોકિંગ પ્રમોટ કરી રહ્યો હતો જે હવે સ્મોકિંગનો વિરોધ કરતી એડ.માં જોવા મળે છે.
2003માં ટોબેકો એડ પર પ્રતબંધ કરવામાં આવ્યો. તે ફકત ભારતમાં જ નહિ પરંતુ WHOએ દુનિયાભરમાં તમાકુના ઉપયોગને ડિસ્કરેજ કરવાનું અભિયાન ચલાવ્યું હતું. 181 દેશોએ આ અંગે પહેલ કરી હતી.
2011થી, તમામ રાજ્ય સરકારોએ તમાકુ મિશ્રિત ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, જાહેરાત અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેથી આ બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોની સીધી જાહેરાત કરતી નથી અને તેના બદલે તેમના ‘ઇલાઇચી’ (એલચી)ને પ્રમોટ કરે છે, જેમાં કોઇપણ વ્યસનકારક પદાર્થો હોતા નથી એવો દાવો કરવામાં આવે છે.
જો કે2019માં બિહારમાં, સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટે નેશનલ ટોબેકો ટેસ્ટિંગ લેબોરેટરીને 12 કંપનીના પાનમસાલા સેમ્પલ મોકલ્યા હતા જેમાંથી સાત કંપનીના સેમ્પલમાં નિકોટીન/ટોબેકો મળ્યું હતું જેમાં, કમલાપસંદ, રજનીગંધા, રાજશ્રી વગેરે જેવી મોટી કંપનીઓના સેમ્પલ સામેલ હતાં કે જેના સેચેટ પર સ્પષ્ટ અક્ષરોમાં નિકોટીન ફ્રી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો! ઉપરાંત આ બારેય કંપનીની પ્રોડક્ટમાં ખૂબ જ નુકસાનકારક એવું મેગ્નેશયમ કાર્બોનેટનો ઉપયોગ પણ થયો હતો! હવે, આ પ્રોડક્ટમાં આવી આવી ઘાલમેલ તો હતી જ અને વળી તેની જાહેરાત કરવા એમાં ભળ્યા ફિલ્મસ્ટારો અને બાકી હતા તો ક્રિકેટરો!
હવે તમે કહેશો કે તમે જે જાહેરાતની વાત કરી રહ્યા છો તે ટીવી પર પહેલાથી જ પ્રતિબંધિત છે તો આ વાતથી તમારો મતલબ શું છે. તો ચાલો સમજાવીએ.
આપણે ટીવી પર પાનમસાલા અને આલ્કોહોલ વેચતી કંપનીની પ્રોડક્ટની એડવર્ટાઈઝ જોઈએ છીએ પણ હકીકતમાં(છટકબારી) એ કેસર, સિલ્વર કોટેડ ઈલાયચી, માઉથ ફ્રેશનર કે સોડા વોટર કે પાણીની એડ છે. તેને કહેવાય સરોગેટ એડ.
સરોગેટ એડવર્ટાઈઝિંગ, સામાન્ય રીતે એક પેરેન્ટ કંપની પોતાની અલગ અલગ બ્રાન્ડ ને અલગ અલગ નામથી તેમજ અલગ અલગ પેકિંગમાં ઇન્ટ્રોડ્યુસડ કરતી હોય છે. આ બધી પ્રોડક્ટની ટેગ લાઈન જુદી હોય છે તેના લોગો જુદા હોય છેપરંતુ અહીં તેનાથી બિલકુલ વિપરીત પોતાની અલગ-અલગ પ્રોડક્ટને સેમ બ્રાન્ડ અને સેમ લોગો અને સેમ પેકિંગમાં વેચવામાં આવે છે. જાહેરાત ઇલાઈચીની કરે પણ સાથોસાથ એવા જ પેકમાં ગુટખા વેચે અને એવા જ પેકમાં ટોબેકો વેચે છે. લોકોના દિમાગમાં બ્રાન્ડ રેકોર્ડ થઇ જાય છે. લોકો વિચારતા થાય છે કે ખરેખર આ છે શું? અલબત્ત, અહીં લોકોને ભ્રમિત કરવા માટે જ આ કરવામાં આવે છે. તે પોતાના પાન મસાલાની એડ કરવા માગતા હોય છે પણ તેના પેકેટ પર ખૂબ નાના અક્ષરે લખ્યું હોય છે કે આ તો સિલ્વર કોટેડ ઈલાયચી છે.તો એ પણ સ્પષ્ટ કરવામાં નથી આવતું કે આ શેની એડ છે! કમલા પસંદ, બોલો ઝુબા કેસરી.. હવે આમાં દેખીતી રીતે ખબર જ નથી પડતી કે કમલા પસંદ છે શું! પણ સમજનારા સમજે છે.
આજ રીતે આલ્કોહોલ બ્રાન્ડ પણ એડવર્ટાઇઝિંગ કરે છે દાખલા તરીકે મેકડોવેલ્સ, હેવર્ડ્ઝ 5000, પોતાની સોડા અને પાણીની એડ કરે છે.
ફિલ્મસ્ટારો-ક્રિકેટરો અને પાન મસાલાની જાહેરાત, આ વિશે વાત કરતાં એક કિસ્સો યાદ આવે છે.
2001 ઓલ-ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીત્યા પછી, બેડમિન્ટન સ્ટાર પુલેલા ગોપીચંદે કોલા બ્રાન્ડને એન્ડોર્સ કરવાની ઓફરને ઠુકરાવી દીધી. અલબત્ત તે જે સ્પોર્ટ્સ રમી રહ્યા હતા કે એમાં કંઈ બહુ મોટું વળતર મળતું નહોતું. પરંતુ ગોપીચંદને પૈસાને માટે થઈને કોઈ બ્રાન્ડને પોતાની ખાત્રી આપી લોકોને ખોટે માર્ગે દોરવા યોગ્ય ન લાગ્યું. ઉલ્ટું, સ્વાસ્થ્યના જોખમોથી વાકેફ હોવાથી તેણે કાર્બોરેટેડ પીણાં પીવાનું બંધ કરી દીધું હતું. અલબત્ત, અત્યંત પ્રોફેશનલ સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમમાં, ગોપીચંદ એક અપવાદ છે.
અજય દેવગન અને શાહરૂખ ખાન પછી અક્ષય કુમાર વિમલ એલચીની જાહેરાતમાં જોવા મળ્યો હતો. આ પહેલીવાર બન્યું હતું કે જ્યારે બોલિવૂડના ત્રણ મેગાસ્ટાર્સ કોઈ પ્રોડક્ટની જાહેરાતમાં સાથે જોવા મળ્યા હોય. જો કે, સોશિયલ મીડિયા પર ફેન્સના ગુસ્સાની અસર એ થઈ કે અક્ષય કુમારે આ જાહેરાતમાંથી હટી ગયો અને તે કરવા બદલ માફી પણ માંગી.
અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, સલમાન ખાન, અજય દેવગણ, રણવીર સિંહ, હૃતિક રોશન, સૈફ અલી ખાન, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, મનોજ બાજપેયી, ટાઈગર શ્રોફ, સની લિયોન, ગોવિંદા, મહેશ બાબુ, રવિ કિશન, અરબાઝ ખાન, સંજય દત્ત,અને બીજા ઘણા. પાન મસાલા બ્રાન્ડ્સને સમર્થન આપતી બોલિવૂડ હસ્તીઓની યાદી અનંત છે.
ગયાં વર્ષે ક્રિકેટના કેટલાક મોટા નામોએ તેમની પસંદગીની પ્રોડકટનાં એન્ડોર્સમેન્ટ કરીને તેના ચાહકોને નારાજ કર્યા છે. સુનીલ ગાવસ્કર, વિરેન્દ્ર સેહવાગ, કપિલ દેવ અને ક્રિસ ગેલ એક પ્રખ્યાત પાન-મસાલા કંપની દ્વારા બનાવેલ માઉથ-ફ્રેશનર – “સિલ્વર-કોટેડ ઈલાઈચી” ને પ્રમોટ કરવા માટે એકસાથે આવ્યા. તેમને રોકડી કરી આપનાર આવા પાન મસાલા અલબત્ત, આરોગ્ય ચેતવણી સાથે વેચવામાં આવે છે.
વિશ્વમાં સૌથી વધુ જોવાતી ક્રિકેટ લીગની જાહેરાતના વિરામ દરમિયાન, ચાર મહાન ખેલાડીઓએ પાઉચમાંથી સામગ્રી બહાર કાઢતા પહેલા પોતપોતાની પેઢીઓના સ્ટ્રોક-મેકિંગ અભિગમ વિશે ટિપ્પણી કરીને પછી આ પાનમસાલો મોઢામાં પધરાવતા જોવા મળે છે ત્યારે પાન મસાલા કંપનીનું બ્રાન્ડ નેઇમ સ્પષ્ટ રીતે દેખાય છે. જે દેશના લોકોએ તેમને નામ અને દામ આપ્યા છે એ દેશના યુવાપેઢીની પણ આ ક્રિકેટરોને ચિંતા નથી. IPL ઓવર-બ્રેક દરમિયાન, પ્રેક્ષકોમાં શાળા અને કૉલેજ જનારા લાખો પ્રભાવશાળી યુવાનો પણ હોય છે.
આટલા સિનિયર મોટા ખેલાડીઓના આ અયોગ્ય ખોટા પગલાંને આપણે તેની નાદાનીમાં ખપાવીને માફ તો ન કરી શકીએ કે ન તો એને સ્વીકારી શકીએ. અલબત્ત, આ ક્રિકેટર્સ લોકોની ટીકાનો ભોગ બનેલા પ્રથમ સેલિબ્રિટી નથી. બોલિવૂડના મોટા કલાકારોને પણ આવા જ વિરોધનો સામનો કરવો પડ્યો છે. બે વર્ષ પહેલા અમિતાભ બચ્ચને ટ્રોલ થયા બાદ સિલ્વર કોટેડ ઈલાયચીનું પ્રમોશન કરવાનું છોડી દીધું હતું! અક્ષય કુમારે “તમામ ચાહકો અને શુભેચ્છકો”ની માફી માંગી. ત્યારે સવાલ એ થાય કે વર્ષીથી બોલીવુડની ખાણમાંથી ઢગલા મોઢે રુપિયા ઘરભેગા કર્યા બાદ, કેરિયરના આ ગોર્જીયસ પડાવે પણ આવા સિનિયર કલાકારોની કમાઈ લેવાની લાલચ નીતિમત્તા કે સામાજિક જવાબદારી સામે કેમ જીતી જતી હશે!?
ભારતના મહાન ટેસ્ટ ઓપનિંગ બેટ્સમેને એકવાર તેની ખુલ્લી જર્સી માટે એક ક્રિકેટરને ઓન એર ઠપકો આપ્યો હતો. પરંતુ લોકોના આરોગ્ય માટે ખતરનાક પ્રોડક્ટને એન્ડોર્સ કરતી વખતે ગાવસકરને તેનો અંતરાત્મા ડંખ્યો નહીં જ હોય!
2018માં,દિલ્હી સરકારના ટોબેકો કંટ્રોલ સેલે તમાકુ સરોગેટ જાહેરાતના સંબંધમાં જેમ્સ બોન્ડનો રોલ કરતાં પ્રખ્યાત હોલીવુડ અભિનેતા પિયર્સ બ્રોસનનને નોટિસ પાઠવી હતી. અને ભવિષ્યમાં જો અખબારના પાના અને ટીવી પર પાન મસાલાનો પ્રચાર કરતા જોવા મળશે તો દંડ અને જેલની સજા કરવાની ધમકી આપી હતી. જેના જવાબમાં અભિનેતા પિયર્સ બ્રોસનને કહ્યું કે આ જાહેરાત કરાર દ્વારા તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. તેણે કહ્યું કે કંપનીએ તેની સાથે છેતરપિંડી કરી છે. કંપનીએ તેમને કહ્યું નથી કે પાન મસાલા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
અલબત્ત, પાન મસાલા બ્રાન્ડ્સ બોલિવૂડ સેલેબ્સથી ક્રિકેટર્સ તરફ આગળ વધી રહી છે, ત્યારે બ્રાન્ડ સંદેશ અને સ્થિતિ બદલાતી નથી.
આરોગ્ય માટે હાનિકારક ગણાતા ઉત્પાદનની સરોગેટ જાહેરાતમાં આવતા સેલિબ્રિટીઝની ચર્ચા ઈન્ટરનેટ પર હંમેશા હોય છે ત્યારે એક સવાલ એ પણ થાય કે પાન મસાલા બ્રાન્ડની તમામ જાહેરાતોમાં એક જ સંદેશ અને સ્થિતિ શા માટે હોય છે?
આ વિજ્ઞાપનોમાં સેલિબ્રિટી સિવાય ખાસ કશું બદલાયું નથી હોતું. એક જ ઘરેડની, સ્ટીરિયોટાઈપ એડવર્ટાઈઝ, વિદેશી લોકેશન્સ, લાર્જર ધેન લાઈફ, લેવિશ લાઇફસ્ટાઇલ અને સરોગેટ એડવર્ટાઈઝના એ બે ચાર ઘટકો જેવા કે ઈલાયચી, કેસર, સુપારી… બસ આ જ સ્વરુપ!
ટીવી પર પાન મસાલાની જાહેરાતોમાં તેને ખાનાર વ્યક્તિનું વૈભવી જીવન બતાવવામાં આવે છે. કેટલાક સફેદ ઘોડા પર આવે છે તો કેટલાક કરોડો રૂપિયાની કારમાં. તો કોઈ આલીશાન બંગલામાં મોટી ખુરશી પર બેસીને પાન મસાલો ખાતા જોવા મળે છે. જો કે, સત્ય તો એ છે કે તેનું સેવન કરનારાઓનું જીવન ‘બરબાદ’ થઈ જાય છે. પાન મસાલા ખાનારાઓનું જીવન ‘બરબાદ’ થઈ શકે છે, પરંતુ તેને બનાવનાર કંપનીના માલિકોનું જીવન અતિ વૈભવી છે! હજારો કરોડ કમાતા આ લોકો દસ વીસ કરોડમાં સેલિબ્રિટીને ખરીદીને જાહેરાત કરાવીને વળી હજારો કરોડો કમાઈ લે છે. આ રીતે એમની આવકનું ચક્ર અને લોકોને બરબાદ કરવાનું વિષચક્ર ચાલુ રહે છે.
હવે આમાં એવું નથી કે આપણી સરકારને આ વિશે કંઈ ખબર નથી એડવર્ટાઇઝિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એડવર્ટાઇઝના માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પણ બનાવ્યા છે અને હવે સરકાર આ મામલે વધુ આકરા વલણ અખ્તયાર કરવાની તૈયારીમાં છે એવા ખબર આવ્યા છે!