ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી સંદર્ભે પશ્ચિમ બંગાળમાં વિશેષ નિર્દેશ આપ્યા.
રાજ્યના જિલ્લા મેજિસ્ટ્રેટો, પોલીસ વડા તથા અન્ય સલામતી એજન્સીઓને સંપૂર્ણ પારદર્શી રહેવા ચૂંટણીપંચનો આદેશ
કોલકાતા, 5 માર્ચઃ લોકસભાની આગામી ચૂંટણી માટે ચૂંટણીપંચે ખૂબ મોટાપાયે તૈયારીઓ શરૂ કરી છે. પંચ છેલ્લા થોડા દિવસથી વિવિધ રાજ્યની મુલાકાત લઈને રાજ્ય સ્તરના ચૂંટણી અધિકારીઓ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટો, પોલીસ વડાઓ વગેરે પાસેથી ચૂંટણીને લગતી તૈયારીઓની માહિતી લેવા ઉપરાંત તેમને ચૂંટણી દરમિયાન રાખવાની તૈયારીઓ અંગે સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે.

ચૂંટણીપંચ-કોલકાતા – ફોટોઃ @ECISVEEP
આ સંદર્ભમાં પંચના અધિકારીઓ આજે સોમવારે પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા અને રાજ્ય ચૂંટણીપંચના અધિકારીઓ પાસેથી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લગતી માહિતી મેળવી હતી.
પંચે આ ઉપરાંત પશ્ચિમ બંગાળના જિલ્લા મેજિસ્ટ્રેટો, રાજ્યના પોલીસ વડા, અન્ય જિલ્લા સ્તરના ટોચના પોલીસ અધિકારીઓ ઉપરાંત અન્ય સંલગ્ન સલામતી એજન્સીઓને કેટલાક નિર્દેશ આપ્યા હતા.
પશ્ચિમ બંગાળના જિલ્લા મેજિસ્ટ્રેટો તેમજ પોલીસ વડાઓને પંચ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, કોઈપણ નાગરિકોને તથા સ્ટાફને કોન્ટ્રાક્ટ ઉપર રાખીને ચૂંટણીને લગતી કોઈ ફરજ સોંપવી નહીં અથવા કાયદો અને વ્યવસ્થાને લગતી કોઈ કામગીરી નાગરિકો કે પછી કોન્ટ્રેક્ટ કામદારોને સોંપવી નહીં.

ચૂંટણીપંચ-કોલકાતા – ફોટોઃ @ECISVEEP
પંચે એવો પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, ચૂંટણી સભાઓ માટે મેદાનની ફાળવણીમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી પડશે અને બુકિંગ માટે પ્રથમ આવનારને ફાળવણી કરવાની રહેશે.
કેન્દ્રીય ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળના અધિકારીઓને સૌથી અગત્યની સૂચના એ આપી છે કે, કોઇપણ ફેક ન્યૂઝ સામે તત્કાળ સ્પષ્ટતા કરીને કાર્યવાહી કરવાની રહેશે. ફેક ન્યૂઝના ફેલાવાને ખાળવા માટે જિલ્લા સ્તરે સોશિયલ મીડિયા સેલ સ્થાપવાની પણ પંચ દ્વારા સૂચના આપવામાં આવી છે.
પંચે અન્ય એક અગત્યની સૂચના EVMને લગતી આપી છે. કેન્દ્રીય ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળના અધિકારીઓને EVMના સ્ટ્રોંગરૂમની ત્રિસ્તરીય સલામતી ગોઠવવા અને 24X7 સીસીટીવી કવરેજ ચાલુ રાખવા આદેશ આપ્યો છે.
ચૂંટણીપંચે આ ઉપરાંત બીજા ઘણા નિર્દેશ આપ્યા છે જેમાં પ્રત્યેક રાજકીય પક્ષ પ્રત્યે તટસ્થ અને પારદર્શી વ્યવહાર રાખવાનો, ગેરરીતિ કરનારાઓ પ્રત્યે તેમજ હિંસા કરનારા પ્રત્યે ઝીરો ટોલરન્સ દાખવવાનો સમાવેશ થાય છે.