સુખડી તે સુખડી… કહેતા નહીં કે રહી ગયાં. – હિમાદ્રી આચાર્ય દવે

એય ને ગર્યની ધીંગી ધરાના લીલાછમ્મ ચારાની માથે હિરણ અને સોનરખનાં મધરા મીઠા નીર પીને હાશનાં ઓડકારા ભરતી મઘરી ગાવલડીના અમૃતશાં દૂધમાંથી બનેલા પીતાંબરીશાં પીળા મજાના ઘી કડાઈની માલીપા ગરમ થતાં હોય… મનડાને મોજેમોજ પડી જાય એવી ઘીની સુગંધુ વછૂટતી હોય અને એની માલિપા અસલના ટુકડી સોનેરી ઘઉંનો તાજો દળેલો લોટ નાંખીને હલાવતાં જાવી . ભારોભાર્ય ઘીમાં શેકાતાં લોટ અને ઘીની સોડમ… અહાહા… જાણે કે સરગાપુરીના રાજા ઇન્દ્રના રહોડે રાજભોગ રંધાતો હોય…! એયને મજાના ધીમા તાપે લોટનો કણેકણ બદામી રંગની પસેડી ઓઢી લે ને પસે….ઇ બદામી પસેડીની માલીકોર બંધેજના બંધ બાંધ્યા હોય એવા પરપોટા ફુટતાં હોય ને પછીથી આખીયે બદામી પસેડી રતુમડી બાંધણીમાં પલટાય જતી હોય ને પછી મીઠાસની અધિષ્ઠાત્ર દેવી, મા શેરડી, શેરડીમાનો મીઠડો દીકરો, નરમ, ટાઢો મધમીઠો ગોળ એય ને મજાનો રતુમડાં લોટ સાથે ભળતો જાય… ત્યારના એના રંગ, રુપ અને સોડમ તો બાપ…જાણે સરગાપુરીનો ઉપવન મઘમઘે. .. ઘર આખું ય તો ઠીક પડોશીના ઘરે ય જાણે ..એને આરોગી લેવાની મનસા હાથ રહે!.

એયને પછી રૂપાળી થાળીના ઢાંચે ઢળીને ઘીથી લથપથ ચકતાનું રુપ ધારણ કરીને સૌ પરથમ ભોગ મારી માતાજીને ચડે ને એ ફૂલોની છાબ જેવી મઘમઘતી થાળીમાં માના આશર્વાદ ભળીને અમરત થઈ જાય ..

એને ખાનારનો કોઠો ઠરે ને ઇ ભાળીને બનાવનારને બત્રીસ કોઠે દિવા થાય.. અસલના વખતમાં ભાથામાં બાંધીને લઈ જવાતી. વટેમાર્ગુ જાડા દળની બે ઢેફલી આરોગે ત્યાંતો મારગ આખાનો થાક ઉતરી જાય, ભૂખ શમી જાય ને ખાનાર અમીના ઓડકાર લે..નાના બાળ બીજું કંઈ ખાવામાં હમજે ન હમજે પણ રમતાં રમતાં ઢેફલી મોજથી ઉલાળી જાય..

સુખડી તો સુખડ જેવી મઘમઘતી જાત…સુખડી નહિ, એને સુખદા કહેવાય મારા બાપ….

આમ તો બની એ ભેગી ઝાપટી લીધી પણ ફોટું તો બનતા હૈ..

–હિમાદ્રી આચાર્ય દવે

સુખડી તે સુખડી… કહેતા નહીં કે રહી ગયાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *