કસુંબો. – હિમાદ્રી આચાર્ય દવે*

કસુંબો, આ ફિલ્મમાં 14મી સદીની એક શૌર્યગાથાને કંડારવામાં આવી છે.  વાત કંઇક એવી છે કે ગુજરાતના પાટણ સર કર્યા પછી હવે અલ્લાઉદ્દીન ખીલજીની નજર સૌરાષ્ટ્રના (આનર્ત)ના શેત્રુંજય પર્વત પરના ભવ્ય અને સમૃદ્ધ જીનાલયો પર પડે છે. દરિયા જેવડી ખીલજીની સેના સામે, બારોટના ગામ આદિપુરમાં વસેલા મુઠ્ઠીભર બારોટ સ્ત્રી-પુરુષો ભગવાન આદિનાથની રક્ષા કાજે તેમજ જીનાલયોને લૂંટાતાં-તુટતાં બચાવવા વીરતાપૂર્વક આગળ આવે છે. આપણી સંસ્કૃતિની યશગાથાનાં એક ભવ્ય છતાં ઓછા જાણીતા પ્રકરણને ફિલ્મી પરદે કંડારીને ફિલ્મમેકરે એ ગરિમામય ઇતિહાસને અનેરી અંજલિ આપી છે.

‘21મુ ટિફિન’ અને ‘મસોતું’ જેવી સફળ ફિલ્મ આપી ચુકેલા વિજયગીરી બાવા દિગ્દર્શિત આ ફિલ્મ વિજયકુમાર ધામીના પુસ્તક ‘અમર બલિદાન’ પરથી ફિલ્મની કથા લેવાઇ છે. રામ મોરી/વિજયગીરી બાવાના પટકથા ડાયલોગ્સ છે. ફિલ્મનું કન્ટેન્ટ મજબૂત પણ સ્ટોરીટેલિંગમાં ક્યાંક ક્યાંક લથડીયા લે છે, કંસિસ્ટન્સી નથી જળવાતી. બીજું, ખાસ કરીને ભાષા, ચૌદમી સદીનાં કાળખંડની ઐતિહાસિક ફિલ્મ બનાવતાં હોઈએ ત્યારે ભાષા પર બહુ બારીક કામ કરવું પડે, જે અહીં થયું નથી. તળપદી પરિવેશના પાત્રો એક જ વાક્યમાં એક શબ્દ તળપદી બોલીનો બોલે અને બે શબ્દ અર્બન ગુજરાતીનો બોલે એવું પણ ઘણી જગ્યાએ થયું છે. વળી, અંતરિયાળ ગામડાના લોકોના મુખે ઈશારે, આપસમાં, ‘રાહ’જોતો જતો, માફી, હકીકત, રોજગાર.. વગેરે જેવા ફારસી શબ્દ પણ મુકાયા છે, જે ખૂંચે છે. એ બાદ કરતાં, ગ્રામ્ય પરિવેશ અને શૌર્યગાથાને અનુરૂપ, ડાયલોગ્સ અસરદાર છે. દુહા-છંદની ઝાકમઝોળ છે જે મજા કરાવી જાય છે. આ બધાં વચ્ચે થોડુંક ધ્યાન રાખીને આવી ક્ષતિઓને નિવરવાની જરૂર હતી.

દાદુભા બારોટના રોલમાં ધર્મેન્દ્ર ગોહેલ અને દર્શન જરીવાલાની એક્ટિંગ મેદાન મારી જાય છે. અલાઉદિન ખીલજીના રોલમાં દર્શન પંડ્યાએ ભાષા તો ઘણાં અંશે આત્મસાત કરી છે પણ ખીલજીના પાત્રનો ખૌફ ઉભો નથી કરી શક્યા. ક્રૂર, ઘાતકી, ધર્મઝનુનીની જગ્યાએ આપણાં આટલા ટેન્ડર ખીલજી!અભિનય ઘણો સારો છે છતાં ખીલજીના પાત્રને પરદા પર યથાયોગ્ય ઉતારી નથી શકાયું. ‘પદ્માવત’ના ખૌફનાક ખીલજી સાથે સરખામણી થવી સ્વાભાવિક છે, જેમાં આપણા આ ખીલજી ઘણાં ઊંણા ઉતરે છે. ખીલજીના પોષાક અને સજ્જા પર પણ પૂરતું ધ્યાન નથી અપાયું. રોશનના રોલમાં મોનલ ગજ્જરે સારું કામ કર્યું છે પણ તેનો રોલ પરાણે લંબાવ્યો છે.
બારોટ કન્યાના રોલમાં શ્રદ્ધા ડાંગર, વખાણ કરીએ તો નબળી બાજુ સામે આવે, અને નબળી બાજુ વિશે વાત કરીએ તો ઘણી સિક્વન્સમાં તેનો સક્ષમ અભિનય આંખ સામે આવે. આ પાત્રની ભાષા પરત્વે પૂરતું ધ્યાન નથી અપાયું. તેની ડાયલોગ ડીલીવરીમાં પણ એ અસલનો લહેકો એ શૈલી નથી. અર્વાચીન, આજની ગુજરાતીમાં વાતો કરે છે. થોડાક સીન્સ બાદ કરતાં, શ્રદ્ધા જાણે કોઇ આધુનિક યુવતી ફક્ત ગ્રામ્ય પરિધાન ધારણ કરીને બેઠી છે એટલું જ બસ! ટૂંકમાં, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન જરીવાલા, રાગી જાનીના નાના પણ અસરદાર રોલ અને મોનલ ગજ્જરને બાદ કરતાં, અન્ય કલાકારો અભિનયની એરણ પર સો ટકા ખરા નથી ઉતરતા!

સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો, ઘણી જગ્યાએ ખૂબ સારું કામ થયું છે અને અમુક સિક્વન્સમાં ખૂબ નબળા ગ્રાફીક્સ, વીએફએક્સ સેટ્સની ભવ્યતા ઉજાગર નથી થતી. અલબત્ત, ગુજરાતી ફિલ્મમાં આ હજુ નવું છે એટલે તેના માર્ક્સ આપી શકાય પરંતુ ગુજરાતી દર્શક ફક્ત ગુજરાતી ફિલ્મો નથી જોતો. એટલે વિદેશની વાત ન કરીએ તો પણ, બૉલીવુડ તેમજ સાઉથની ફિલ્મોની સરખામણી કરવાનો જ! અને એ સરખામણીએ અહીં હજુ ઘણું કાચું છે.

મ્યુઝિકની દ્રષ્ટિએ વાત કરીએ તો મેહુલ સુરતીનું સંગીત શાનદાર છે. લગ્ન ગીત, અરવિંદ બારોટ જમાવટ કરી જાય છે મા રાંદલના ગીત સરસ થયાં છે. પણ, ગરબામાં અગેઇન પિરીયોડીસીટીનો સવાલ ઉભો થાય છે. ગરબાનાં કોસ્ટ્યુમ્સમાં પ્રાચીનતા ક્યાંય દેખાતી નથી. તો કોરિયોગ્રાફીમાં પણ એ જ! આજે આપણે રમીએ છીએ એ જ બધા સ્ટેપ્સ અહીં છે એટલે સુરતના કે વડોદરાના નવરાત્રીના ગરબા જોતા હોઈએ એવું લાગે છે. વચ્ચે જરા એવી ઘુમ્મરનૃત્યની ઝલક જોવા મળે છે! વળી, આ રચના અસલના ઢાળમાં ગવાયેલા ગરબાની જગ્યાએ આજના સુગમ સંગીતનું ગીત કે અર્વાચીન ગરબો વધુ લાગે છે. ઐશ્વર્યા મજમુદાર ખૂબ સારી સિંગર છે પણ આ ગરબામાં, ઘેઘુર ઘૂંટાયેલા અસલના લોકસંગીતના પ્રભાવી કંઠની જરૂર હતી. આવડી મોટી વાત ફિલ્મની ટીમને ધ્યાનમાં કેમ નહિ આવી હોય એ સવાલ છે! વળી ફિલ્મના કલાઈમેક્સમાં, શ્રદ્ધા ડાંગરની વિજય કૂચ સાથે, ‘એય ગિરી નંદીની…’ આ સ્તુતિનું સો ટકા સાઉથ ઇન્ડિયન મ્યુઝિકનું વર્ઝન મુકાયું છે! ક્યાં ચૌદમી સદીનું સૌરાષ્ટ્નું એક નાનકડું ગામડું અને ક્યાં સાઉથ ઇન્ડિયન મ્યુઝિકનું, અને એ પણ વળી આજના યુગમાં પ્રચલિત છે એવું વર્ઝન! મારી દ્રષ્ટિએ આ બહુ મોટી ક્ષતિ કહેવાય. એના સ્થાને, સોરઠી શૌર્યથી ભરપૂર કોઈ દુહો મૂકી શક્યા હોતે!

આ ફિલ્મના અતિ પોઝિટિવ અને અતિ નેગેટિવ રિવ્યુઝ આવતાં રહ્યા છે પણ હું ટૂંકમાં એટલું કહીશ કે જેટલું વખણાયું છે એટલું સારું નથી અને જેટલું વખોડાયું છે એટલું નબળું નથી જ નથી. બીજું, તમે બહુ જ ઉમદા કન્ટેન્ટ વાળી, શૌર્ય – બલિદાન, ભુલાયેલા ઇતિહાસની વાત ફિલ્મી પરદે લાવો એ ખૂબ સારી વાત છે પરંતુ એથી કરીને એની ટીકા ન થાય એવો આગ્રહ રાખવો યોગ્ય નથી. કારણ, ફિલ્મ તો ફિલ્મમેકિંગ સંદર્ભે જ મુલવવામાં આવે છે. ફિલ્મ મેકર પણ પ્રોફેશનલ પર્પઝથી જ આવી ફિલ્મ બનાવે છે. જે ક્રિએશન સાથે માર્કેટિંગનો કોન્સેપ્ટ જોડાય એ ક્રિએશન પ્રોડક્ટ બની જાય છે અને પ્રોડક્ટ સાથે નેગેટિવ/પોઝિટિવ પ્રતિભાવ આવવાના. ઉપર કહ્યું એમ, આવી ફિલ્મ બનાવવી એ કોઈ સમાજસેવા કે જનજાગૃતિના આંદોલન તરીકે ફિલ્મ મેકર ઇન્ટ્રોફ્યુઝડ ન કરી શકે એટલે લોકો એની નબળી બાજુને નજરઅંદાજ કરીને વખાણ્યા જ કરે એવી આશા રાખવી વ્યર્થ છે

2001માં આવેલી અશોકા, ‘મંગલ પાંડે, ધ રાઇઝિંગ’ પિંઢારીઓના ઇતિહાસ પર આધારિત ‘વીર’, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર આધારિત ‘મણિકર્ણીકા’ કંગના રાણાવતની સશક્ત એક્ટિંગ છતાં ફ્લોપ ગઈ હતી. ‘લગાન’ તેમજ ‘જોધા-અકબર’ જેવી બબ્બે સુપરહિટ પિરિયોડિકલ ફિલ્મ આપ્યા પછી એ જ આશુતોષ ગોવારીકરના નામે બબ્બે સુપરફ્લોપ પિરિયોડિકલ ફિલ્મ બોલે છે. એક, હડ્ડપાનો ઇતિહાસ દેખાડવાનો દાવો કરવામાં આવ્યો હતો એ ‘મોહેંજો દરો’ કે જેમાં ઇતિહાસ હતો કે પ્રેમકથા એ જ અવઢવ હતી! બીજી, અહમદશાહ અબ્દાલી તેમજ મરાઠા વચ્ચે લડાયેલ પાણીપતના ત્રીજા યુદ્ધનાં ઇતિહાસ પર આધારિત ફિલ્મ ‘પાણીપત’ કે જેના નાયક મરાઠા નાયક સદાશિવ રાવ હતાં, આ ફિલ્મ પણ સુપર ફ્લોપ સાબિત થઈ હતી. અને છેલ્લે, ઇતિહાસ સાથે બહુ જ ચેડાં કર્યાનો આરોપ છે એ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ આ બધી પિરિયોડિકલ ફિલ્મ, ફિલ્મમેકિંગના કોઈને કોઈ પાસા પર નબળી પુરવાર થતી હોવાને કારણે દર્શકોની નારાજગીનો ભોગ બની.

આ બધા દ્રષ્ટાંતો એ બતાવે છે કે પિરિયોડિકલ કે હિસ્ટોરીકલ ફિલ્મ બનાવવી ઘણી આગવી કુનેહ માંગી લે છે અને બીજું, ખૂબ ભવ્ય સ્ટોરી કન્ટેન્ટ હોય, ઇતિહાસની ઉત્તમ વાતો લઈને આવો તો પણ ફિલ્મને કેવી માવજત અપાઈ છે એ જ કંસિડર થાય છે. ઐતિહાસિક કન્ટેન્ટ છે, જો ફક્ત એટલે જ સક્સેસ જવાતું હોતે તો ઉપર ગણાવી ફિલ્મોની ટીકા ન થઈ હોતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *