*અસ્મિતા*
*તાના રિરી…*
*સંગીત ના પર્યાય સમી વડનગર ની બે જુડવા બહેનો..*
રમેશ ગોસ્વામી “સારથિ”
ગુજરાત નો ઇતિહાસ અનેક રીતે અનેરો અને અદકેરો છે. દરેક વિસ્તાર ની પોતાની મૌલિક ભવ્યતા છે. એમાં થી ઘણું બધું આપણી ઉદાસીનતા થી ભુલાઈ ગયું છે. પાળિયા રઝળતા જોઈ ને દુઃખ થાય. ક્યાંક પુરાણી લિપિ ઉકેલી શકાઇ નથી આથી અસંખ્ય પાળિયા એમ જ પડ્યા છે. લિપિ ઉકેલવા કોઈ ઝાઝી મહેનત કરતું નથી. જન ઉપેક્ષા થી ગ્રસ્ત પાળિયા ગામડે ગામડે અપૂજ પડ્યા છે. કોઈ ગાયો ની વ્હારે ખપી ગયું છે, કોઈ એ બેન-દીકરી ની આબરૂ બચાવવા લીલાં માથાં દીધાં છે. આવા અનેક કિસ્સાઓ છે. આપણે માત્ર બે પાંચ ટકા જ ઇતિહાસ જાળવી શક્યા છીએ. એક સમય એવો હતો કે બૂંગિયો ઢોલ વાગતો – રિડીબાંગ ધ્રિબાંગ રિડીબાંગ ધ્રિબાંગ… અને આ મર્દાના તાલ પર મર્દ માંટીઓ બધાંય કામ પડતાં મુકી ને હર હર મહાદેવ અને જય ભવાની કરી ને કૂદી પડતા. લગ્ન નો ચોરી માં થી મિંઢોળ બંધા લાડાઓ પણ લગ્ન ગીતો ગવાતાં હોય એનાં વચ્ચે થી રણ મેદાન તરફ ગડગડતી દોટ મૂકી છે. કોઈ વળી સુહાગસેજ પર કોડ ભરી કન્યા નવોઢા નો ઘૂંઘટ ઉતારે એ પહેલાં રણ ભેદી નાદ સાંભળતા જ તલવાર લઈ ને નીકળી પડ્યા છે. મઝા એ વાત ની છે કે કન્યા પોતાનાં ભરથાર ને વારતી નથી, પણ કહે છે કે જોજો હો, પીઠ ન દેખાડતા. નહીં તો સરખે સરખી સાહેલડીઓ મને મ્હેણાં મારશે. મોત આવે તો સામી છાતીએ કામ આવવું. વીરગતિ પામશો તો હું ય સતી થઈશ..
આવાં વેણ સાંભળી ને મર્દ ની છાતી ગજ ગજ ફૂલતી હશે. જ્યારે દુશ્મનો નો અંત કરી ને પોતેય લોથ થઈ ને ઢળી પડે, ત્યારે સોળે શણગાર સજેલી કન્યા પોતાનાં ભરથાર ના નામ નાં મરસિયાં ગાતી મેદાન માં લાશો ના ઢગલા વચ્ચે થી પોતાના પિયુ ને શોધી કાઢતી. જેનો સરખો ચહેરોય જોયો નહોતો, એવા ધણી ને શોધી શકતી.હૈયાફાટ રુદન થી ગામ હીબકે ચડતું. ધણી નું માથું ખોળા માં મૂકી ને વિલાપ કરતી કરતી સ્ત્રી પણ સાથે સતી બની જતી. ભડભડ બળતી આગ માં જીવતી સળગી જતી. એમની પાછળ પાળિયા ખોડવા માં આવતા. નામ, તિથિ, કારણ, વગેરે લખવા માં આવતું. આવા એકલ દોકલ દાખલા નથી. કેટલાંય ગામ ના સીમાડાએ આવાં દ્ર્શ્યો જોયાં છે. કંઇક ઝાડવાં રડ્યાં છે. કેટલીયે વસાહતો, ગામડાં ઉજડી ગયાં છે. લોકો નાં સ્થળાંતર થયાં છે. પણ પાળિયા ક્યાં જાય? એ તો ત્યાજ ખોડાયેલા છે પત્થર બની ને. વાટ નીરખતી પત્થર ની આંખો થાકી ગઈ છે. કોઈ આવશે. ધૂપ કરશે. નમન કરશે. વંદન કરશે. મરસિયાં ગાશે. પ્રસસ્તી ગાશે. દુહા લલકારશે. બુંગિયા ઢોલ પર થાપ પડશે… પણ કોઈ આવતું નથી. હવે તો પત્થર પર કોતરવા માં આવેલાં નામ પણ ભૂંસાઈ ગયાં છે. થોડાં વંચાય છે, તો કોઈ એ લિપિ આવડતી નથી.
આવા ગામડે ગામડે કિસ્સા બન્યા છે. બદલાતા જમાના માં નવી પેઢી મોબાઈલ ફોન માં વ્યસ્ત થઈ ગઈ છે. પાળિયાઓ ની વાતો નાં સ્ટેટ્સ રાખે છે, પણ ગામ ના સીમાડા માં કંઇક પાળિયા ઉપેક્ષિત થઈ ને રાહ જોઈ રહ્યા છે. કોઈ આવશે અને કહેશે, વાહ દોસ્ત, ખમ્મા તને બાપ.. એવા હાકોટે થી પડકારા કરનારું હવે કોઈ નથી રહ્યું.
આવા જ ઉપેક્ષિત બે પાળિયા વડનગર ની પાદરે પડ્યા હતા મોદીજી નું ગામ.એમણે આ સ્થાન ને ભવ્યતા અપાવી. વિસનગર નજીક નાં વડનગર ગામ ના ધર્મ,આધ્યાત્મ,પારાયણ પરિવાર માં જોડિયા બાળકીઓ નાં જન્મ. તાના અને રિરી નાનપણ થી જ ગાયકી માં સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ હતી. નરસિંહ મહેતા નું કુંવરબાઈ નું મારેરું તમે સાંભળ્યું હશે. જેનાં મામેરાં પુરવા સ્વયંમ ભગવાન આવ્યા હતા એ કુંવરબાઈ ની દોહિત્રીઓ.આ કુંવરબાઈ તાના અને રિરી નાં નાની માં થાય. નરસિંહ મહેતા નાં દિકરી કુંવરબાઈ નાં દિકરી શર્મિષ્ઠા નાં લગ્ન વડનગર થયેલાં. નાની માં નાં પિતા નરસિંહ મહેતા નો ભક્ત કવિ નો વારસો અન્ય રીત ઉતર્યો. બંને બહેનો સંગીત માં નિપુણ હતી.આકરી મહેનત કરી ને રાગ ભૈરવ, વસંત, દીપક, મલ્હાર એમ અનેક રાગો સાધ્યા હતા.જોડિયા હોવા થી બંને ને અંતર ની ગાંઠો હતી.૧૫૬૪ ની આસપાસ જન્મ થયો હોવા ની નોંધ મળે છે.વડનગર પ્રાચીન નગર છે. અહીં ૪૫૦૦ વર્ષ પહેલાં માનવ વસવાટ હોવા ના અનેક પુરાવાઓ મળે છે. હાલ નું નામ વડ નગર છે, જે વડ નામનાં વૃક્ષો પર થી પડ્યું. અથવા તો વડનગરા જ્ઞાતિ સમૂહ પર થી પડ્યું હોવા ની પણ બહુ સંભાવના છે.એ પહેલાં ચમત્કારપુર, આર્નતપુર , આનંસપુર , વૃદ્ધનગર એમ સમયાંતરે નામ બદલાતાં રહ્યાં.સાડા ચાર હજાર વર્ષ થી આ નગર વિદ્યા, સાહિત્ય, શિલ્પ, સંગીત, નૃત્ય, સ્થાપત્ય, વાણિજ્ય એમ અનેક રીતે ખ્યાતનામ રહ્યું છે. ખોદકામ દરમિયાન માટી નાં વાસણો, કાપડ નાં અવશેષ, હથિયારો, ઘરેણાં એમ અનેક વતુઓ મળી આવી છે. શરૂઆત માં અરવલ્લી ની પર્વત માળા માં થી નીકળતી કપિલા નદી ના કાંઠે માનવ વસવાટ શરૂ થયો હતો. પુરાતત્વ વિદો મુજબ આ સભ્યતા ધોળાવીરા સ્થિત હડપન સંસ્કૃતિ સાથે સંકળાયેલું શહેર હતું. આ વિષે ઊંડું સંશોધન કરવા માં આવે તો અંતિમ પરિણામ જાણવા મળે. ટેકરા પર વસેલા શહેર ની નવાઈ એ છે કે આ ટેકરો કુદરતી નહીં, પણ માનવ સર્જિત છે.આ પૂર્વે વસેલાં, ઉજડેલાં , બાંધકામો પર સમય સમય પર નવી વસવાટ થતી ગઈ, આમ ટેકરો મોટો બનતો ગયો. અહીં નાં તળાવ નું નામ શર્મિષ્ઠા ( નરસિંહ મહેતા નાં દોહિત્રી) તળાવ છે. એના એક પૂર્વી ઓવારા નું નામ સપ્તર્ષિના છે. બહુ સંભાવના છે કે તળાવ નું મૂળ નામ સપ્તર્ષિના હોય, જે કાળ ક્રમે નામ બદલાઈ ગયું. આ તળાવ નું અન્ય એક નામ વિશ્વામિત્રી પણ છે. ઋષિ વિશ્વામિત્ર સાથે નાતો હોય એવું સંભવ છે. આ ઐતિહાસિક તળાવ ની આસપાસ અનેક પ્રાચીન શિવાલયો આવેલાં હતાં. જેનાં ભગ્નઅવશેષો આવેલ છે. અન્ય પણ અનેક સ્થાપત્ય આવેલાં છે. હજાર વર્ષ પૂર્વે બૌદ્ધ ધર્મ નાં લોકો અત્રે આવેલા એ અવશેષો પણ જોવા મળે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નાં જન્મ સ્થળ વડનગર માં બૌદ્ધ ભિક્ષુઓ રહેલા.ત્યાર બાદ ચીન ગયેલા, જ્યાં હાલ ના પ્રમુખ શી ઝીનપિંગ નાં જન્મ સ્થળ વાળા ગામે રહેલા.
આ કાળ માં દિલ્હી માં અકબર ની સત્તા હતી. અકબર આમ તો પોતે અભણ હતો, પણ ભારતીય કલા નો જબરો શોખીન હતો. એના દરબાર નાં નવરત્નો માં નાં એક તાનસેન સંગીત નો મોટો મહારથી હતો. ભારતીય મહાન સંગીત શાસ્ત્રીઓ માં તાનસેન નું નામ આદર પુર્વક લેવાય છે. ગ્વાલિયર માં ૧૫૯૩ અથવા ૧૫૦૦ માં જન્મ. નાનપણ નું નામ રામતનુ પાંડે હતું. પણ સમય જતાં ઉપનામ થી ખ્યાતિ મળી.પિતા નું નામ મુકુંદ પાંડે હતું.સંતાનો માં સરસ્વતી દેવી, હમીર સેન, સુરત સેન ઉપરાંત બિલસ ખાન, તનરાસ ખાન જેવાં નામો પણ મળે છે.એવું બની શકે કે તાનસેન નાં અમુક સંતાનો એ ઇસ્લામ ધર્મ અંગિકાર કરી લીધો હોય.૧૫૬૨ સુધી રામચંદ્ર સિંહ ( રેવા), સહિત અનેક દરબારો માં સંગીત ની છોળો ઉડાડી.૧૫૬૨ બાદ અકબર નાં દરબાર નાં નવ રત્નો માં સ્થાન મળ્યું.૨૬ એપ્રિલ,૧૫૮૯ માં આગ્રા માં અંતિમ શ્વાસા ભર્યા. દર વર્ષે ગ્વાલિયર માં ડિસેમ્બર મહિનામાં તાનસેન સંગીત મહોત્સવ યોજાય છે.
એક વખત વાદ વિવાદ સર્જાયો. સંગીત થી દીપક પ્રજ્વલિત થાય એ અકબર માનવા તૈયાર નહોતો. આ કળા તાનસેન જાણતા હતો, પણ ત્યાર બાદ શરીર માં અગ્નિ જેવી બળતરા થાય એ દુર કરવી કોઈ સાધારણ સંગીતકાર નું કામ નહોતું. બાદશાહ ની જીદ્દ સામે ઝુકી જઈ ને તાનસેને રાગ દીપક ગાઈ ને દીવડાઓ પ્રગટાવ્યા. પણ ત્યાર બાદ આખાયે દેહ માં તીવ્ર દાહ શરૂ થયો. પોતે આ રાગ જાણતા હતા, પણ ચોકસાઈ પૂર્વક ગવાતો નહોતો. આરોહ,અવરોહ માં થાપ ખાઇ જતો. તપાસ કરતાં માલુમ પડ્યું કે ગુજરાત નાં વડનગર માં બે બહેનો આ રાગ જાણે છે આથી તાનસેન શોધ કરતા વડનગર આવે છે. રાત પડી ગઈ હોવા થી તળાવ કાંઠે જ રાતવાસો કરવા નું નક્કી કર્યું. આખાયે દેહ માં તાપ વર્તાય છે. સવાર પડી. સ્ત્રી ઓ,બાળા ઓ તળાવ માં પાણી ભરવા આવવા લાગી. તાનસેન ની આવતી જતી સ્ત્રી ઓ, બાળા ઓ પર હતી. એવા માં બે યુવતીઓ વચ્ચે સંવાદ સાંભળ્યો. પાણી ભરવા આવેલી તાના -રિરિ ગમ્મત કરતી હતી. રિરી એ પાણી નો ઘડો ભરી લીધો. જ્યારે તાના ઘડો ભરતાં રમત રમતી હતી. અડધો ઘડો ભરી ને ઠાલવી નાખતી. ફરી ભરતી. આ જોઈ ને રિરી એ પુછ્યું:” આ શું કરશો બહેન?” તાના એ જવાબ આપ્યો:
” જ્યાં સુધી ઘડા માં ભરાતા પાણી નાં અવાજ નો લય મલ્હાર જેવો ન જણાય ત્યાં સુધી ઘડો આખો નહીં ભરું “. આમ કહી ને તે વારે વારે ઘડો પાણી માં ડુબાડી બેટી, ફરી ઘડો હળવે હળવે બહાર કાઢતી. આમ કરવા થી એક ચોક્કસ અવાજ આવતો. આમ અનેક વાર કર્યા બાદ અંતે મલ્હાર રાગ જેવો લય પેદા થયો.આ દ્રશ્ય ધ્યાન પૂર્વક જોઈ રહેલા તાનસેન ને વિશ્વાસ થઈ ગયો કે આ જ તાના – રિરી. આથી તાનસેન એમની નજીક ગયો. પોતાનો પરિચય આપી ને બધી વાત કરી. બંને બહેનો મૂંઝવણ માં મુકાઈ ગઈ. બાદ માં પિતાજી નો આજ્ઞા લઈ ને તળાવ નાં કાંઠે આવેલા ઐતિહાસિક મંદિર હાટકેશ્વર માં તાનપુરા નાં તાર પર નાજુક નમણી આંગળીઓ જાણે કે નૃત્ય કરવા લાગી. રાગ મલ્હાર છેડ્યો. થોડી જ વારમાં બારેય મેઘ ખાંગા થઈ ગયા. એનાં અનરાધાર નીર માં સ્નાન કરી ને તાનસેન નો દાહ મટ્યો. બંને બહેનો એ આ વાત કોઈ ને ન કહેવા નું વચન લીધું. વચન આપી ને તાનસેન ચાલી નીકળ્યો દિલ્હી ભણી. દરબાર માં હાજર થતાં અકબર સહિત તમામ લોકો અચંભિત થઈ ગયા. આ કેમ બન્યું એ જાણવા અકબર કહે છે. શરૂ માં તાનસેન કંઈ નથી કહેતો, પણ અંતે મૃત્યુ દંડ ની આકરી સજા કરવા માં આવતાં વચન તોડી ને વડનગર ની તાના – રિરી નું નામ કહી દે છે. આવો અર્દભુત ચમત્કાર સાંભળી ને બાદશાહ બંને બહેનો ને બોલાવવા નું કહે છે. કહેણ મોકલવા માં આવે છે. પણ કંઇક અઘટિત થવા નાં ભય થી બંને બહેનો એ દિલ્હી આવવા ની ના પાડી. વચન તોડ્યું એ બદલ તાનસેન પર ફિટકાર થયો. કહેણ ખાલી વળતાં અકબર ક્રોધિત થઈને સિપાહીઓ ને મોકલાવ્યા. સિપાહીઓ વડનગર આવી ને બંને બહેનો ને જોર જબરદસ્તી થી દિલ્હી લઇ જવા માંગતા હતા. પણ તેઓ દિલ્હી જવા ની ના પાડે છે. મહાદેવ નો ઘોષ કરતાં અગ્નિસ્નાન કરી આત્મદાહ નો માર્ગ અપનાવ્યો. બે બાળા આ નાં શરીર ની સાથે સંગીત પણ ભળ ભળ બળી ગયું. આ વાત ની જાણ થતાં તાનસેન ને ખૂબ આઘાત લાગ્યો. અકબર ની નોકરી છોડી દીધી. અને સંગીત માં જીવ પરોવ્યો. ત્યાર બાદ જીવન ભર સંગીત નો રાગ છેડ્યો.વચન તોડ્યું એનો પસ્તાવો આખી જીંદગી રહ્યો.પોતાનો જીવ બચાવનારી જીવદાત્રીઓ ની યાદ માં – માન માં …. નોમ તોમ .. ધરાનામા… તાના -રિરી આલાપ જગ આખા માં ખ્યાતનામ કર્યો.
આજે આ જગ્યા પર મંદિરો આવેલાં છે. શર્મિષ્ઠા તળાવ પાસે શાસ્ત્રીય સંગીત યોજાય છે. આ બંને બહેનો ની યાદ માં એવોર્ડ પણ એનાયત થાય છે. આ સ્થળ પર દેશ વિદેશ નાં લોકો આવે છે. આજે પણ જાણે કે બે નટખટ બહેનો તાના એને રિરી વાતાવરણ માં રાગ આલાપી રહી છે. તળાવ નાં પાણી નાં અવાજ માં, ઉગતા સુરજ ની લાલિમા માં, આથમતી સંધ્યા નાં રંગો માં, પક્ષીઓ નાં કલરવ માં, ગૌધેન નાં ઘુઘરાઓ માં, પનિહારી નાં પદરવ માં, ઝાલર ની રણકાર માં.. આજે પણ જાણે કે રાગ આલાપાઈ રહ્યો છે.
ધુંમ તાના ના ના ના….
*અવતરણ*
નરેન્દ્ર મોદી ની પ્રેરણા થી તાના – રિરી એવોર્ડ ની શરૂઆત કરવા માં આવી. અત્યાર સુધી લતા મંગેશકર, ઉષા મંગેશકર, ગીરીજાદેવી, કિશોરી અમોનકર, પરવીન સુલતાના, મંજુબેન મહેતા, શ્રીમતી ડોકટર લલીથ રાવ, આશા ભોંસલે, વિદુષી સુશ્રી રૂપાંદે શાહ, અશ્વિની ભિંડે, પિયુ સરખેલ, જેવી ખ્યાતનામ ગાયિકાઓ ને આ એવોર્ડ એનાયત થયો છે.
ક્યાંક પાળિયા જુવો તો આદર સહ નમન કરજો.