ઘરે કોઈપણ કર્મકાંડ કર્યા પછી અબોલ પક્ષીઓને ચણ નાખવું તેવું સૂચન કરવામાં આવે છે.
પણ કેમ???
સાચી વાત છે – અબોલ જીવના કલ્યાણમાં આપણી સહભાગિતા હોવી જોઈએ.
પેહલાના સમયમાં ગામની બહાર અને નદી કિનારે એક ચબુતરો – પક્ષીઘર રેહતું. જેમાં, પક્ષીઓ ચણ ચણવા આવતા. પક્ષીઓ ચણ ચણીને ઉડે ત્યાં ઝાડ ઉગવા માટેના બીજ ફેલાવતા અને તેના પરિણામ સ્વરૂપે લોકલ (સ્થાનિક) ઝાડ ઉગતા.
પણ,
વાત:૧
આપણી આ ચણ નાખવાની પરંપરાના લીધે શું થાય છે??
હવે આસપાસના વાતાવરણ ના આધારે વિચાર કરવાનો વિષય છે કે –
હવે તે પેહલા જેવું પક્ષીઘર છે??
ચણ ચણવા કેટલી પ્રજાતિના પક્ષીઓ આવે છે?
આપણા ચણ નખવાથી આગળ શું થાય છે? ઝાડ ઉગે છે?
કે આપણાથી કોઈક ભૂલ થાય છે?
વાત:૨
હમણા ચણ નાખવું તે આસ્થા સાથે સાથે, એક બિઝનેસ પણ છે.તમે કહો તેટલા રૂપિયાનું ચણ મળી રહે.
પક્ષીઓને ઝાડની જરૂર છે. તેઓ તેમની જાતે તેમનો ખોરાક શોધી લેશે.
પણ જો તમે કોઈ આવી જગ્યાએ ગયા હોય તો ધ્યાનથી જોયું હશે કે ત્યાં માત્ર કબૂતર જ જોવા મળશે. બીજી પ્રજાતિના પક્ષીઓ જોવા મળશે નહિ. એક અલગ પ્રકારની દુર્ગંધ હવામાં પ્રસરેલી રહે છે. કેટલાંક રિસર્ચ જણાવે છે કે કબુતરની ચરક થી ઘણા હાનિકારક બેક્ટેરિયા ફેલાય છે જેના લીધે આપણા ફેફસાં ખરાબ અને એલર્જી થાય છે.
અને જો પક્ષીઓને જ ચણ નાખવું હોય તો કોઈક ખોળ- ખાપણ કે અશક્ત પક્ષીઓની સેવા કરતા NGO ને દક્ષિણા આપવી.
યાદ રહે: આપણાથી આ કર્મના લીધે બીજા પક્ષીઓને અન્યાય થઇ રહ્યો છે. કબૂતરની બહુવસ્તીના લીધે પક્ષીઓ આવતા નથી. લોકલ પક્ષીઓની સંખ્યા ઓછી થવા પાછળના જવાબદાર કારણ આ પણ એક છે.
વાત:૩
કર્મકાંડી આચાર્યો ને વિનંતી-
મેહરબાની કરીને યજમાનને ચણ નાખવાનું કહેશો નહિ. તમારા સૂચન અનુસાર યજમાન પુણ્ય કરવામાં આ ભૂલ કરે છે.
તેના બદલે કોઈપણ કર્મ કે યાદગાર દિવસના પૂજન બાદ સત્કર્મ માટે ૫-૬ વૃક્ષો વાવવા અને ઉછેરવા માટે પ્રેરણા આપશો.
કારણ – આપણા જન્મથી મૃત્યુ સુધી આપણે ઝાડ પર આધાર રાખીએ છીએ… ઝાડના બહુ બધા ફાયદાઓ તમને ખબર જ છે.
પૂરતા લોકલ ઝાડ હશે તો, આપણી ભૂલના લીધે ખોવાયેલા બધા જ જીવો પણ આવી જશે.
ધર્મ અને આસ્થાના નામે આપણા આસપાસ પર્યાવરણ અને સમાજ જીવન સુધારવાનો ઉદ્દેશ્ય હોય છે.
મારી આ વાતથી સહમત હોવ તો – “જે આ વાત સમજે તેને જરૂરથી કહેજો”.
🙏
– પ્રિયંકા જોષી ભટ્ટ