*કોરોનાના નવા વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સતર્કતા જરૂરથી રાખીએ: ઋષિકેશ પટેલ*

*કોરોનાના નવા વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સતર્કતા જરૂરથી રાખીએ: ઋષિકેશ પટેલ*


ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતી વિશે જણાવતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં જોવા મળી રહેલ JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ધાતકતા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવવા નહીં પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે.
પ્રવક્તા મંત્રીએ ગુજરાતમાં કોરોનાની સ્થિતી વિશે જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલ કેસની સંખ્યા ઓછી છે. હાલ રાજ્યામાં 13 જેટલા એક્ટીવ કેસ છે. જેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. રાજ્યમાં કોરોના પોઝીટીવ તમામ કેસોનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતુ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય સેક્રેટરી સાથે યોજેલ વીડિયો કોન્ફરન્સ સંદર્ભે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ વીડિયો કોન્ફરન્સમાં સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રીવ્યું કરવામાં આવ્યું હતુ.
દેશમાં કેટલાક રાજ્યોમાં જોવા મળી રહેલ કોરોનાના કેસ સંદર્ભે તેમણે સતર્કતા રાખવા સૂચના આપી હતી. વઘુમાં તેઓએ નાગરિકોને ગભરાવવું નહીં પરંતુ સાવચેતી જરૂરથી રાખવા પણ જણાવ્યું હતુ. કોરોના સંદર્ભે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટેની તાકીદ પણ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ દ્વારા કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે, ગુજરાતમાં 13 થી 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યની 5700 થી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરાયું હતુ. જેમાં સમગ્ર વ્યવસ્થા, તૈયારીઓ, બફર સ્ટોકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાઇ છે. હાલ રાજ્યમાં નોંધાતા કોરોના પોઝીટીવ કેસમાં તેમનું જીનોમ સિકવન્સીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે,શિયાળાની ઋતુ દરમ્યાન સામાન્ય રીતે શરદી, તાવ, ઉધરસ વગેરેના કેસોમાં વધારો જોવા મળે છે જેથી અગમચેતીના ભાગરૂપે હાલ કોવિડ-૧૯ના કેસો ન વધે તેની તકેદારી રાખવા તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *