એવા લોકોની સલાહ લો જેણે કૃષ્ણને સેવ્યો હોય.
દરેક ગામમાં સનાતની પંચદેવોનું મંદિર હોવું જોઇએ,જૂનું થઇ ગયું તો જીર્ણોધ્ધાર કરો,જરુરી મદદ માટે તલગાજરડું બેઠું છે:મોરારિબાપુ
ગાંધીજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિના સપરમા દિવસે,રામકથાના ત્રીજા દિવસે લલિતકિશોર બાપુ,રાધેકૃષ્ણ બાપુ,પ્રેમ પ્રકાશ સાહેબ જયરામદાસ બાપુ,ગૌચરણજી મહારાજ તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ખૂબ જ વિશાળ સંખ્યામાં રાજકીય નેતાઓ,સંતો-મહંતો સાહિત્યકારો સહિત આખો કથામંડપ ટૂંકો પડે એટલી વિશાળ માત્રામાં લોકોની હાજરીમાં બાપુએ અહીંના પ્રજાપતિ શ્રોતાના ત્રણ પ્રશ્નોથી રામકથાની શરૂઆત કરી.પ્રશ્ન એવા હતા કે:આપણી ઘરે એક જ સમયે બે જગ્યાએથી આમંત્રણ આવે તો ક્યું આમંત્રણ સ્વીકારવું?આપણે ત્યાં કોઈ સાધુ-સંત આવે અને કહે કે વરદાન માંગો તો ક્યુ વરદાન માંગવું? સાધુ-સંતો આવે તો આદર સત્કારમાં શું કરવું?
આંગણે આવેલા મહેમાનને માન સન્માન આપવાના સાત-આઠ પ્રકાર રામચરિત માનસમાં લખાયેલા છે. સાધુ અથવા દેવતા પછી એ બ્રાહ્મણ દેવતા,પૃથ્વી દેવતા હોય એને કઈ રીતે સન્માન આપવું એ બતાવેલું છે.
સનમાની સકલ બરાત આદર દાન બિનય બડાઇ કે…
તુલસીદાસજી આ છંદ લખતા કહે છે કે રામના વિવાહ પૂરા થયા બાદ જનકજી બધાને વિદાય આપે છે.આખી જાનની વિદાયના સન્માન વખતે લખાયેલું છે.એક-આદર આપવો:આદર હંમેશા આંખોથી અપાય.લાખ દંડવત કરીએ આંખમાં બીજું કંઈ ભર્યું હોય તો આદર ખતમ થઈ જાય.આંખની પાપણે ઝીણા-ઝીણા આંસુના તોરણ દેખાય એ આદર છે. પછી બે-દાન એટલે કે હાર,ફુલ,માળા અથવા હાથમાં હાથ મિલાવે.સાહિત્યમાં તો એ પણ લખાયું છે કે હાથ જોડવાના ૨૪ પ્રકાર છે.ત્રીજું છે-વિનય: વિનય હંમેશા હૃદયથી થાય.વાણીથી તો ઘણાને વિનય આવડે છે.ચોથું છે-બડાઇ:ખોટી બડાઈ નહીં કરવાની,આપબડાઇ પણ નહીં,અન્યની બડાઈ પણ નહીં;પણ ઓછામાં ઓછા શબ્દોથી જીભનો ઉપયોગ કરીને કશું કહેવું.
નીતિન વડગામાની એક રચના છે:
વેદના મંત્રો ભણે છે બેરખો
ગીત ગરવા ગણગણે છે બેરખો.
એ પછી પ્રમોદિત મનથી પ્રેમ લડાઈથી પૂજન કરવું. મસ્તક ઝૂકાવવું.કારણકે સાધુ અને દેવતા ખાલી ભાવને જ જુએ છે.સાગરપેટા સાધુ અને દેવતાઓને આપણે શું આપી શકીએ?માત્ર ભાવ જ અર્પણ કરી શકાય છે.
બાપુએ કહ્યું કે એક સાથે બે આમંત્રણ આવે તો? મહાભારતમાં એનો જવાબ છે:પાંડુ રાજાએ નારદજીને બોલાવ્યા મૂળ,સર્વમાન્ય મહાભારતમાં લખ્યું છે કે રાજસૂય યજ્ઞ કરવાનું કહ્યું એ વખતે દૂતને પત્ર લઈને દ્વારકા મોકલવામાં આવે છે.એ જ વખતે જરાસંઘ નરમેધ યજ્ઞ કરવા માટે ૮૬ જેટલા રાજાને બંદી બનાવ્યા અને એની યજ્ઞમાં બલિ આપવાનો હતો,એનું આમંત્રણ પણ કૃષ્ણ પાસે ગયું.ભગવાન કૃષ્ણને નરલીલામાં અસમંજસતા આવી.એક બાજુ યુધિષ્ઠિરનું બીજી બાજુ વિરોધીનું આમંત્રણ! એ વખતે કૃષ્ણ ઉદ્ધવનો મત લે છે.ઉદ્ધવ,અર્જુન અને કૃષ્ણ લગભગ સમવયસ્ક,સરખા જ દેખાતા પણ હતા.ઉધ્ધવે મત આપ્યો કે:રાજસૂય યજ્ઞમાં બધા રાજાને જીતવા પડે,એમાં જરાસંધ પણ જીતાઈ જાય તો બંદી બનેલા રાજાઓ પણ મુક્ત થાય માટે એનું આમંત્રણ સ્વીકારવું.ઉદ્ધવે સૂચન કર્યું.આથી એવા લોકોની સલાહ લો જેણે કૃષ્ણને સેવ્યો હોય એનો મત લેવાય.કોઈ સાધુ કહે માંગો તો શું માંગવું? માંગતા આવડવું જોઈએ.અહીં ફરી મહાભારત મદદે આવે છે.દ્રૌપદી ચીર હરણ વખતે દ્રૌપદીનો ભયંકર કરાલ કોષ ક્રોધ ધૃતરાષ્ટ્ર સાંભળે છે અને કહે છે કે તું અટકી જા,વરદાન માંગી લે.બધી જ પુત્રવધુઓમાં તું શ્રેષ્ઠ છે.પહેલું વરદાન માંગ દ્રૌપદી કહે યુધિષ્ઠિરનો મુગટ સન્માન સાથે પાછો આપો.બીજું વરદાન માંગ! દ્રૌપદીએ કહ્યું સહદેવ નકુલ ભીમ અર્જુન આ ચારેયને હથિયાર અને સન્માન સહિત મુક્ત કરવામાં આવે.જ્યારે ત્રીજું વરદાન માંગ એવું કહ્યું ત્યારે દ્રૌપદી વરદાન માંગતી નથી અને કહે છે કે જે વૈશ્ય હોય,ખેતી,પશુપાલન વેપારનો અધિકારી છે એને ગળથૂથીમાં પીવડાવવામાં આવ્યું છે કે એક જ વરદાન માંગવાનો અધિકાર છે.રાજાને બે વરદાન માંગવાનો અધિકાર છે.બ્રાહ્મણને સો વરદાન માંગવાનો અધિકાર છે.રાજ કુટુંબની મહિલાને ત્રીજું વરદાન માંગવાનો અધિકાર નથી. માટે હું નથી માંગતી.જો માંગ્યું હોત તો કૌરવકૂળને સાફ કરી નાંખી શકત.
કથા પ્રવાહમાં વંદના પ્રકરણ પછી કથાનાં ઘાટ,નામમહિમાનું ગાન થયું.
અમૃતબિંદુઓ:
ગુજરાતી ભાષાનાં સમર્થ શબ્દકોશ-ભગવદ્ગોમંડલમાં અંજલિ શબ્દના અનેક અર્થો આપ્યા છે:
ગામડામાં ખરું પાકે અને એનો બાજરો ખેડૂત સીધો ઘરે લઈ જવાને બદલે કોઈ સાધુને બોલાવી,બાજરાના ઢગલામાંથી ખોબો ભરીને બાજરો આપે એને અંજલી કહે છે.
ખોબો ભરીને આપવામાં આવેલું અન્નદાન અંજલિ છે.
ખોબામાં સમાય એટલી વસ્તુ અંજલિ છે.
ખોબો પણ અંજલિ છે.
કોઈપણ પાત્રમાં જેટલું પાણી સમાય એ વાસણ અંજલિ છે.
સોળ રૂપિયા ભારનો મગધ દેશનો તોલ-વજન અંજલિ છે.
હથેળીમાં કે વાસણમાં થોડું પાણી આપવાની કે પી જવાની ક્રિયાને અર્ઘ્ય કે અંજલિ કહે છે.
હાથ જોડીને સીધા કરેલા પ્રણામ એ અંજલિ છે. રામચરિત માનસમાં તિલાંજલિ,ભાવાંજલિ, પુષ્પાંજલિ જેવા અનેક શબ્દો મળે છે.
પરંતુ સ્પષ્ટ અંજલિ શબ્દનો બે વખત ઉપયોગ થયેલો છે,અને શ્રદ્ધા શબ્દનો સાતથી આઠ વખત ઉલ્લેખ થયેલો જોવા મળે છે.