*• રાજ્યમાં તારીખ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૩ જાહેર કર્યું છે.*
*• મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાન પ્રત્યે સંવેદનાત્મક અભિગમ દાખવીને આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.*
*તાજેતરમાં તારીખ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે.*
*આ અંદાજ અહેવાલોના સંદર્ભમાં રાજ્ય સરકારે જે તે જિલ્લાના ખેડૂતોને થયેલ નુકસાન સામે સહાય રૂપ થવા માટે SDRF ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે.*
*• આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.*
*• મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના કૃષિ વિભાગે કૃષિ મંત્રીશ્રી રાઘવજી ભાઇ પટેલ ના પરામર્શ માં રહીને જાહેર કરેલા આ સહાય પેકેજ અનુસાર ખરીફ ૨૦૨૩-૨૪ ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ ₹૮,૫૦૦ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે*
*• આ ખરીફ ઋતુ ૨૦૨૩-૨૪ ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ ૩૩% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા ૧૭ હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ ₹ ૮,૦૦૦ પ્રમાણે મળીને કુલ રૂપિયા ૨૫,૦૦૦ સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.*
*• બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા ૨૨,૫૦૦ ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર ₹૧૫,૦૦૦ મળી કુલ ૩૭,૫૦૦ સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.*
*• બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹૨૨,૫૦૦ ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા ૧,૦૨,૫૦૦ ની સહાય મળીને કુલ ₹૧,૨૫,૦૦૦ ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.*
*• આવી સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.*
*• સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે*
*• આવી અરજી VCE કે VLE મારફતે કરવાની રહેશે તેમ જ આ માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં.*
*• આવી અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.*
*• આ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય તેમજ અન્ય આનુષાંગિક ચુકવણી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે.*