કાઠમંડુ કથાનો સજળ વિરામ,૯૨૩મી કથાનો ૧૬ સપ્ટેમ્બરથી દિલ્હીથી થશે આરંભ.

 

જગતમાં બધું જ બરાબર ચાલતું હોય ત્યારે બોલવાની જરૂર નથી,પણ અચાનક કંઈક સહન ન થાય એવું ગરમ લાગે ત્યારે બોલવું જોઈએ;હું પણ બોલ્યો છું:મોરારિબાપુ.

આપણે કરી રહ્યા છીએ એ કર્મ નહિ,કૃત્ય છે.

સત્સંગીઓને ખાસ,કોઈ પણ કર્મ કરતા પહેલા ઓછામાં ઓછું બે વખત વિચારવું જોઈએ,બોલતા પહેલા પણ વિચારવું જોઈએ

કહું કહું સરિતા તીર ઉદાસી;

બસહિં જ્ઞાનરત મુનિ સંન્યાસી

-ઉત્તરકાંડ દોહા-૨૯

સાધક સિધ્ધ બિમુક્ત ઉદાસી;

કબિ કોબિદ કૃતજ્ઞ સંન્યાસી

-ઉત્તરકાંડ દોહા-૧૨૪

આ બીજ પંક્તિ સાથે શરૂ થયેલી રામકથાના પૂર્ણાહુતિ દિવસે ઉપસંહારક સંવાદનો આરંભ કાગભુશુંડિના ન્યાયથી સંક્ષિપ્ત બાકીની કથાથી થયો બાલકાંડની કથા પછી દશરથના મહાપ્રયાણની ઘટના વખતે બાપુએ કહ્યું કે કરેલું કર્મ બ્રહ્મના બાપને પણ ભોગવવું પડે છે.સત્સંગીઓને ખાસ,કોઈ પણ કર્મ કરતા પહેલા ઓછામાં ઓછું બે વખત વિચારવું જોઈએ.બોલતા પહેલા પણ વિચારવું જોઈએ-થીંક ટ્વાઇસ બિફોર યુ સે.

કર્મ શબ્દ તો એમ જ પ્રયોગ કરું છું કારણ કે ખૂબ જ વહાલો શબ્દ છે પણ આપણે જે કરી રહ્યા છીએ એ કર્મ નહીં કૃત્ય છે કારણ કે બેહોશીમાં કરીએ છીએ અને કંઈક ફળ મળે એવા ભાવથી કરીએ છીએ.જે નિમિતમાત્ર ભાવથી થાય,બતાવવા માટે ન થાય,સ્પર્ધાત્મક વૃત્તિથી ન થાય એ કર્મ છે. ગીતામાં કર્મયોગ,વેદમાં પણ કર્મ માટે આખો એક ખંડ છે. બાપુએ સાંપ્રત પરિસ્થિતિ વિશે બોલતા કહ્યું કે આઈન્સ્ટાઈન બે વર્ષનો થયો ત્યાં સુધી બોલતો ન હતો.બધાને બીક હતી કે કદાચ મૂંગો જ રહેશે.એક વખત કંઈક ગરમ દૂધ જેવું તેને પાઇ રહ્યા હતા એ વખતે જ અચાનક બોલ્યો કે: ખૂબ જ ગરમ છે! જગતમાં બધું જ બરાબર ચાલતું હોય ત્યારે બોલવાની જરૂર નથી,પણ અચાનક કંઈક સહન ન થાય એવું ગરમ લાગે ત્યારે બોલવું જોઈએ;હું પણ બોલ્યો છું.મૌન એ ફળ છે આંસુ એ ફળનો રસ છે. ભરતમિલાપ પ્રસંગ પર ભગવાન રામએ પાદુકા આપી જાણે કે અયોધ્યા વાસીઓના પ્રાણની રક્ષા કરવા માટે ચોકીદાર આપ્યા હોય! જાણે કે એક પાદુકા રા અને બીજી પાદુકા મ-રૂપી મંત્ર આપવામાં આવ્યો હોય! રામ તો પરમ અવતાર છે ભરત પ્રેમનો અવતાર છે.પ્રભુના પ્રેમના પણ દશાવતાર છે. પંચવટીમાં લક્ષ્મણ આધ્યાત્મિક પ્રશ્ન પૂછે છે. શૂર્પણખાના પ્રસંગ બાદ. ભક્તિ અને શાંતિ તરફ કોઈ પણ સાધકની ઉડાન હોય ત્યારે હનુમાનજીને આવ્યા એવા પાંચ વિઘ્ન આવતા હોય છે. હનુમાનજીનું લંકાગમન,લંકા દહન અને સંક્ષિપ્તમાં રામરાજ્યની કથા બાદ ઉપસંહારક વાત કરતા બાપુએ કહ્યું કે માનસ શબ્દના બે અર્થ છે:મન અને હૃદય.ભાષાભેદથી મનુષ્યને પણ માનસ કહીએ છીએ.રચિ મહેસ નીજ માનસ રાખા-ત્યાં ભગવાન શંકરએ મનમાં રાખ્યું એવું પણ થાય. હું વિનમ્રતાથી કહું તો માનસનો અર્થ શુદ્ધ હૃદય.કારણ કે મન તો ખૂબ જ ચાલાક હોય છે.મનમાં,ઉરમાં,હીયમાં, હૃદયમાં નિવાસ કરો એવું વાલ્મિકીજી અયોધ્યાકાંડમાં રામને કહે છે.સંન્યાસીઓની આંખ હરીદર્શન કરે,બધામાં હરીને જૂએ.

કથાને વિરામ આપતી વખતે બાપુએ સજળ નેત્રે કહ્યું:બધાને જન્માષ્ટમીની એડવાન્સ વધાઈ છે પરંતુ આપને આમંત્રણ આપું છું જ્યારે પણ સમય મળે આપ બધા અથવા તો જેને પણ અનુકૂળતા હોય એ મારા નાનકડા ગામમાં આવો.સાથે સાથે એ પણ કહ્યું કે નવરાત્રી સુધી મારે મૌન છે છતાં પણ આપ આવો તો મૌનમાં પણ વાતો થતી રહેશે!

આ રામકથાનું સુકૃત-સુફળ ઓશોની પરમચેતનાને સાથે રાખી,નવ સંન્યાસીઓ કથાના મનોરથિઓને સાથે લઈ અને પશુપતિનાથ ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી આ કથાને વિરામ આપ્યો.

આગામી ૯૨૩મી રામકથાનો મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ(ક્રિકેટ ગ્રાઉન્ડ) નવી દિલ્હીથી શનિવાર-૧૬ સપ્ટેમ્બરથી શુભારંભ થશે.જેનું જીવંત પ્રસારણ નિયત નિયમિત સમયે આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિહાળી શકાશે.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *