વેદથી લઈ અને રામચરિત માનસ અને હનુમાન ચાલીસા સુધી શાસ્ત્રોની એક માંગ છે : અમારી બુધ્ધિને નિર્મળ કરો

 

સેવા સાથે સ્મરણ પણ રાખવાથી સેવાનું બળ મળે છે ને અહંકાર નથી આવતો.

કાઠમંડુથી પ્રવાહિત રામકથાના ત્રીજા દિવસે જગતગુરુ શંકરાચાર્યની દશનામી પરંપરા,મહાવીરની શ્રાવકની પરંપરા અને ભગવાન બુદ્ધની ભીખ્ખુ પરંપરાને યાદ કરીને બાપુએ કહ્યું કે ઓશોની એક નવસંન્યાસ પરંપરા છે.ઘણા જ પ્રશ્નો આવેલા,દરેકનાં વિસ્તારથી,સટિક ઉત્તરો બાપુએ આપ્યા.અહીં રામકથા શા માટે?તમારો આશ્રમ કયો?બાપુએ કહ્યું કે પ્રેમ છે એથી આવ્યો છું.રૂપિયા નહીં પણ લક્ષ્મીનો સદઉપયોગ છે,ભિક્ષા જ મારી દક્ષિણા છે.ગુરુને ઓળખવાનું છોડી દો,પાત્ર બનવાની કોશિશ કરો.કારણ કે આપણે આપણી બુદ્ધિથી એને પકડશું અને પછી છોડી પણ દેશું! વેદથી લઈ અને રામચરિત માનસ અને હનુમાન ચાલીસા સુધી શાસ્ત્રોની એક માંગ છે:અમારી બુધ્ધિને નિર્મળ કરો.મુક્તિની માંગ નથી પરંતુ અમારી બુદ્ધિ નિર્મળ થાય એ જ માગણી કરી છે. ગાયત્રી મંત્રના ઓમ ભુર્ભવ:સ્વ:.. ત્યાં પણ કહ્યું ધીમહી ધીયો યોન: પ્રચોદયાત્ .એ જ રીતે હનુમાન ચાલીસામાં પણ નિર્મળ બુદ્ધિની વાત કરી છે:કુમતિ નિવાર સુમતિ કે સંગા અને

જનકસુતા જગજનની જાનકી,અતિશય પ્રિય કરુણાનિધાન કી;

તાકે જુગપદ કમલ મનાવઉં,જાસુ કૃપા નિરમલ મતિ પાવઉં

મારો ધર્મજ સત્ય પ્રેમ અને કરુણા છે એમ પણ બાપુએ બતાવ્યું.

ગુરુ ઊલટો ચાલતો હોય છે કારણ કે તમારે તમારી દીકરીને ચાલતા શીખવાડવું હોય તો ઉલ્ટા ચાલવું પડે તો જ એ સીધા ચાલતા શીખે છે! આશ્રિતને સીધો ચાલતો કરવા માટે ગુરુ ઊલટો ચાલતો હોય છે એ માટે ગુરુને કષ્ટ પણ પડતું હોય છે. ભજનની સાથે સેવાધર્મ પણ હોવો જોઈએ.મા-બાપ,ગુરુ, સમાજ અને છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધીની સેવા કરતા કરતા ભજન કરીએ.કારણ કે સેવા અને સ્મરણ સાથે ચાલવું જોઈએ.સ્મરણને કારણે સેવામાં બળ મળશે અને અહંકાર પણ નહીં આવે. ઓશોની સમાધિ તૂટી રહી છે અને એનું નામ હટાવાઇ રહ્યું છે એ બાબતે પણ બાપુએ પોતાની ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે કોઈ બચાવ નથી કરતો પણ એક સાધુ તરીકે પીડા જરૂર થાય છે.

સાત પ્રકારના મંથન થયા છે. તુલસી જયંતિ ઉપર કહેલા.

એક-સૌંદર્યનું મંથન,સુંદરતાનું પ્રાગટ્ય.બીજું-કથાનું અમૃત મંથન-જ્યાં બ્રહ્મ અને વેદ બે શબ્દ લીધેલા. ત્રીજુ-ભરત રૂપી પ્રેમ,ભરતના પ્રેમરૂપી અમૃતનું મંથન ચોથું-ક્યારેક ક્યારેક આ શિષ્ય ગુરુને મથે છે. સમુદ્રમંથનમાં મંદરાચલ પર્વતનો રવૈયો કાચબાની પીઠ ઉપર રાખી અને મંથન થયું,અહીં અટલ વિશ્વાસનો રવૈયો,નિષ્ઠાનો કાચબો અને જીજ્ઞાસાની રસ્સી-દોરીથી મંથન કર્યું જ્યાં ભરતે વશિષ્ઠ અને યોગવશિષ્ઠમાં રામ વશિષ્ઠનું મંથન કરે છે.જેમાંથી ધર્મ અમૃત અને એનો પણ સાર ધર્મસાર નીકળે છે. પાંચમો-તુલસીજી સ્વયં મંથન કરે છે.વેદ પુરાણ અને શાસ્ત્રના ઉદધિ-સાગર જેમાંથી રામનામૃત નીકળે છે છઠ્ઠું-અંગદ રાવણને મંથન કરે છે.લંકાકાંડમાં રાવણની વીસ ભૂજારુપીસાગરનું અંગદ મંથન કરે છે અને એમાંથી રાવણના નિર્વાણનું અમૃત નીકળે છે. સાત-વક્તા વક્તાનું મંથન કરે છે.યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજનું મંથન કરે છે વિવેક સાગર અને કૃપાસિંધુ વચ્ચેના મંથનથી શિવ ચરિત્ર નીકળે છે અને હંસત્વ પ્રગટ થાય છે.

Box

અમૃતમંથન:

બાપુએ જણાવ્યું કે સંન્યાસ ઉપનિષદમાં છ સંન્યાસ બતાવ્યા છે.જેનો સાર પકડી રહેવાનો પ્રયત્ન સંન્યાસ તરફ દોરી જાય:

૧-કુટિચક: સંજ્ઞા બેજ જોડી કપડા રાખી શકાય, માત્ર શ્રવણ કરવાની છૂટ.

૨-બહુદક્ષન્યાસ: એક જગ્યાએ ભોજન ન કરી શકીએ,માત્ર માધુકરી-ભિક્ષા લઈ શકીએ.કપડા નહીં માત્ર ચાદર રાખી શકાય.મનન કરવાનું હોય છે.

૩-હંસ સન્યાસમાં: ચાદર પણ નહીં,માત્ર કટી ભાગને ઢાંકવા જેટલું કપડું અને એક જ ઘરની ભિક્ષાની છૂટ મળે છે.

૪-પરમહંસ સંન્યાસ: નિદિધ્યાશ કરવાનું.માત્ર કોપીન પહેરવાનું અને હાથમાં સમાય-કરપાત્રમાં ભોજન લેવાનું.

૫-તુરિયાતિત: દિગંબર રહેવાનું,સહજ રહેવાનું અને માત્ર ગૌમુખ જેટલું ગ્રહણ કરવાનું.

૬-છેલ્લી અવધૂત અવસ્થા: જેમાં દિગંબર રહી અને સંન્યાસી બનવાનું છે.આ છ પ્રકારના સન્યાસ મહાદેવ શંકરમાં દેખાય છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *