વિદ્યાભૂમિ કેમ્બ્રિજે વિરામ;૯૨૨મી રામકથા ઓશો સંન્યાસીઓ વચ્ચે કાઠમંડુ(નેપાળ)થી ૨૬ ઓગસ્ટથી મૂખર થશે.

માનસ વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં બે જ ડિગ્રી છે:આંસુ અને આશ્રય.
વિશ્વ જ વિદ્યાલય છે,જ્યાં જેનું વિશ્વ ત્યાં તેનું વિદ્યાલય.
બિશ્વનાથ મમ નાથ પુરારી;
ત્રિભુવન મહિમા બિદિત તુમ્હારી.
-બાલકાંડ દોહો-૧૦૭
ભગત બછલ પ્રભુ કૃપાનિધાના;
બિશ્વબાસ પ્રગટે ભગવાના.
-બાલકાંડ દોહો-૧૪૬
કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયની જીસસ કોલેજ ખાતે,આ બીજ પંક્તિઓની આસપાસ વહેતી રામકથાના આજે નવમા અને પૂર્ણાહૂતિ દિવસ પર ઉપસંહારક સંવાદ કરતા બાપુએ જણાવ્યું કે એક પરિવાર હોય, પ્રેમાળ હોય તો પરિવાર નાનકડું વિશ્વ લાગે છે. આજુબાજુમાં સારા લોકો રહેતા હોય તો એ સમાજ આખું વિશ્વ લાગે છે.જ્યાં જેનો જીવ લાગે એ જ એનું વિશ્વ છે.આ માનસ મારું વિશ્વ છે.જ્યાં બધા જ ભવન ખતમ થઈ જાય અને પછી વધે એ વિશ્વ વિદ્યાલય છે.વિશ્વ વિદ્યાલય નો એક ભાગ પૃથ્વી છે. ઓશો કહેતા ૫૦ કરોડ પૃથ્વી છે,એક ભાગ જળ, પ્રકાશ,પવન.
કોઈ લેખકની પંક્તિઓની વચ્ચે જે ખાલી જગ્યા છે એનું વિશ્વ હોય છે.જેના વગર રહી ન શકીએ એ આપણું વિશ્વ છે.આ વિશ્વ એક મંદિર છે.શિવ વિશ્વનાથ છે.આપણે કેટલા ખંડોમાં શિક્ષા લઈ રહ્યા છીએ.વિશ્વ જ વિદ્યાલય છે.જે જેનું વિશ્વ ત્યાં તેનું વિદ્યાલય.બાપુએ બક્ષીને જન્મદિવસે યાદ કરી અને કહ્યું કે બક્ષીનું વિશ્વ ક્યું હતું?ટાગોરનું વિશ્વ ગીતાંજલિ,પિકાસોનું વિશ્વ એના ચિત્રો.કોઈનું વિશ્વ એનો બેરખો,કોઈની માળા,કોઈને ગીતા,રામચરિત માનસ,ક્યારેક રામનામનો મહામંત્ર વિશ્વ બની જાય છે.પોતાનો વિશ્વાસ એક વિશ્વ છે.કલાકારની કળા એનું વિશ્વ છે.
આજે રામકથાનો આખરી દિવસ,જાણે દીક્ષાંત સમારંભ તરફ આપણે જઈ રહ્યા છીએ. બાપુએ કહ્યું કે છેલ્લા ૪૫ દિવસમાં ૩૧ દિવસ સુધી સતત બોલ્યો છું અને ૫૨ હજાર કિલોમીટરની મુસાફરી કરી છે એવી માહિતી પણ કોઈએ મને આપી.
માનસ વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં બે જ ડિગ્રી આંસુ અને આશ્રય આપી રહ્યો છું.
સંક્ષિપ્તમાં બધા જ કાંડની સંવાદી કથાનું ગાન કરી અને દીક્ષાંત આપતા બાપુએ જણાવ્યું કે તૌતરિય ઉપનિષદનો એક મંત્ર જેનાં ૨૭ શ્લોક છે એ કોઇ વિદ્યાર્થિ વિદ્યાભ્યાસ પૂરો કરે ત્યારે તેને આદેશ-સંદેશ-શીખ અપાતી.ગંગાજળા વિદ્યાપીઠમાં આદરણીય કુલપતિ ડોલરરાય માંકડ-ડોલરકાકાએ એ શિરસ્તો શરુ કરાવેલો એ મંત્રનું ગાન થયું.સત્યં વદ,ધર્મં ચર,સ્વાધ્યાયો: મા પ્રમદ:.
રામકથાનું સતકર્મ-સુફળ અર્પણ થયું.૯૨૨મી રામકથા ઓશો સંન્યાસીઓ વચ્ચે સનરાઇઝ કન્વેંશન સેન્ટર-ગોદાવરી કાઠમંડુ(નેપાળ)થી ૨૬ ઓગસ્ટથી શરુ થશે.જેનું પ્રસારણ નિયત સમયે આસ્થા ટીવી તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પરથી નિયમિત નિહાળી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *