* વર્લ્ડ સિનિયર સિટીઝન ડે ના દિવસે – કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીની યુવાનોને શીખ.*
* વડીલોને માન અને સંતોને સન્માન આપવું એ આપણી સંસ્કૃતિ છે. – સાધુ પ્રેમવત્સલદાસજી*
*- ભારત દેશમાં આજે ૧૦.૪ કરોડ વૃધ્ધો છે. તેમની સેવા કરવીએ આપણી ફરજ છે.*
વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો
તા. ર૧ ઓગષ્ટના રોજ વર્લ્ડ સિનિયર સિટીઝન ડે હોવાથી યુવાનોને સંબોધતા શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમના સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે આપણે જે કાંઈ છીએ, જે પ્લેટફોર્મ ઉપર ઉભા છીએ,તેમાં આપણા વડીલોનું મહત્વનું યોગદાન છે. આજે ભલે કોઈપણ યુવાનોએ સફળતાના શિખરો સર કર્યા હોય પણ તેના પાયામાં માતાપિતા અને વડીલોનો પુરુષાર્થ છે. વડીલોએ ભૂખ્યા રહીને યુવાનોને ભણાવ્યા છે.અનેક દુઃખો સહન કર્યા છે,અને આપણને સુખો આપ્યા છે તેથી આજે આપણે પ્રગતિ સાધી શક્યા છે. તેથી આપણે વડીલોને સદાય યાદ કરવા જોઈએ, પરંતુ આજના ઘણાં યુવાનો વડીલોને યાદ કરવાને બદલે વડીલોની ફરીયાદ કરે છે.તે દુઃખની વાત છે.
મે મહિનાના દર પહેલા રવિવારે સારાય વિશ્વમાં “મધર્સ ડે” ઉજવાય છે.પરંતુ આપણા ભારતવાસીઓ માટે તો “એવરી ડે પેરેન્ટ્સ ડે” છે. દરેક દિવસ એ માતાપિતાનો દિવસ છે.
માતાપિતાની નિત્ય સેવા કરવી જોઈએ. તેમનો ખ્યાલ રાખવો જોઈએ. આજે ભારત દેશમાં આજે ૧૦.૪ કરોડ વૃધ્ધો છે. તેમની સેવા આપણે નહીં કરીએ,તો બીજા કોણ કરશે.
સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ તેમના માતા – પિતા ધર્મદેવ અને ભક્તિમાતાની અનહદ સેવા કરી છે ! અને પછી શિક્ષાપત્રીના ૧૩૯માં શ્લોકમાં એવી આજ્ઞા કરી છે કે, જે ગૃહસ્થ હોય તેમણે માતા – પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે અવશ્ય કરવી.
માતાપિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવનાર શ્રવણ જેવા પુત્રની આજે જાણે કે, તંગાશ ઉભી થઈ હોય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આજે પણ શ્રવણ જેવા પુત્રો નથી એમ નહીં, છે….. પરંતુ ટકાવારી ઘણી ઘટી રહી હોય તેવું ભાસે છે. ત્યારે આજના દરેક યુવાનની ફરજ છે કે, માતાપિતાને માન આપે અને સંતોને સન્માન આપે. વડીલો અને સંતના આશીર્વાદ મળવાથી જીવનમાં સુખી થવાય છે.