ઋષિ પીપલાદ અને શનિદેવના શ્યામ વર્ણની રોચક કથા. – ડૉ. રવજી ગાબાણી.

સ્મશાનમાં જ્યારે મહર્ષિ દધીચિના દેહસંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે, એમના પત્નિ પતિ વિયોગ સહન ન કરી શકતા પોતાના ત્રણ વર્ષના બાળકને પીપળાના વૃક્ષની બખોલમાં મૂકીને પતિની સળગતી ચિતામાં બેસી સતી થઈ જાય છે.
એ રીતે મહર્ષિ દધીચિ અને એમના પત્નીની જીવનયાત્રાનો અંત આવે છે. આ બાજુ વૃક્ષની બખોલમાં તેમનું ભૂખ્યું તરસ્યું બાળક આક્રંદ કરે છે.
આક્રંદ કરતા બાળકને જયારે કોઈ વસ્તુ મળી નહીં ત્યારે, તે પીપળાના પેપા (નાનકડું ફળ) ખાઈને પોતાને ટકાવી રાખવાની કોશિશ કરે છે. પીપળાના નાનકડાં ફળ ખાવાના લીધે જેમ તેમ કરી ને આ નાનકડાં બાળકનું જીવન સુરક્ષિત રીતે બચી જાય છે.
એક દિવસ બન્યું એવું કે નારદજી અહીંથી પસાર થયા. તેમણે આ બાળકને જોઈને પરિચય પૂછ્યો કે, “હે બાળક ! તું કોણ છે?”
બાળકે ઉત્તર આપ્યો કે, ‘એ તો હું પણ જાણવા ઈચ્છું છું કે હું કોણ છું !’ નારદજીએ બાળકને પોતાના જન્મદાતા વિશે પૂછયું તો બાળકે એ જ ઉત્તર દોહરાવ્યો કે, મહારાજ ! હું પણ એ જ જાણવા માંગુ છું.
નારદજી સઘળું પામી ગયા એટલે એમણે સમાધિ લગાવી જોયું તો ખબર પડી કે, આ બાળક તો મહાન દાની મહર્ષિ દધીચિનો પુત્ર છે. એટલે નારદજીએ બાળકને કહ્યું કે, હે બાળક, તું તો મહાન દાની મહર્ષિ દધીચિનો પુત્ર છે ! તારા પિતાજીના અસ્થિમાંથી વજ્ર બનાવી દેવોએ દાનવો ઉપર વિજય મેળવ્યો હતો. હે બાળક ! તારા પિતાજીનું મૃત્યુ માત્ર 31 વર્ષની ઉંમરે થયું હતું.
આ સાંભળીને પેલું બાળક નારદજીને પૂછે છે કે, ‘હે નારદજી, મારા પિતાજીનું અકાળ મૃત્યુ થવાનું કોઈ કારણ?’
ત્યારે નારદજી એ નાનકડાં બાળકને કહે છે કે, “હે બાળક, તારા પિતાજીને શનિની મહાદશા હતી એટલે.”
‘પણ મુનિમહારાજ ! મારી ઉપર આવેલી આ આપત્તિનું શું કારણ?’ બાળકે તરત જ નારદજીને પ્રતિપ્રશ્ન કર્યો. પુનઃ નારદજી જવાબ આપે છે કે, શનિની મહાદશા.
આટલા સંવાદ પછી દેવર્ષિ નારદ પીપળના પેપા ખાઈને જીવતા રહેલા બાળકનું નામ પીપલાદ રાખીને એને દીક્ષા આપે છે. નારદના ગયા પછી બાળક પીપલાદ નારદજીના બતાવ્યા રસ્તે બ્રહ્માજીની ઘોર તપશ્ચર્યા કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થઈ વચન માંગવા કહે છે એટલે બાળક પીપલાદ વચન માંગતા કહે છે કે, પ્રભુ ! મને એવું વરદાન આપો કે મારી દૃષ્ટિ માત્રથી વસ્તુ સળગી જાય.
“તથાસ્તુ…!” કહી બ્રહ્માજી પીપલાદને વરદાન આપે છે. પીપલાદ પોતાને નોધારો કરી નાખવા માટે કારણભૂત શનિદેવનું આહવાહન કરે છે. શનિદેવ સન્મુખ પ્રસ્તુત થતા જ પીપલાદ શનિદેવ પર પોતાની દૃષ્ટિ ફેરવે છે. બ્રહ્માજી દ્વારા મળેલા વરદાનને કારણે દૃષ્ટિના પ્રભાવથી શનિદેવનું શરીર બળવા લાગે છે. આમ થતાં જ સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર મચી જાય છે. સૂર્યપુત્ર શનિદેવની રક્ષા કરવામાં બધાં જ દેવ નિષ્ફળ જતા સૂર્યદેવ પોતાના પુત્રને બચાવવા માટે બ્રહ્માજીને વિનંતિ કરે છે.
આખરે બ્રહ્માજી ખુદ પ્રગટ થઈ શનિદેવને છોડી દેવા પીપલાદને સમજાવે છે, પણ પીપલાદ ટસના મસ ન થતા બ્રહ્માજી એકના બદલે બે વરદાન માંગવા માટે પિપલાદને જણાવે છે. છેક ત્યારે પીપલાદ ખુશ થઈને બે વરદાન માંગે છે.
પહેલાં વરદાનમાં પીપલાદે માંગ્યું કે, જન્મથી પાંચ વરસ સુધી કોઈપણ બાળકની કુંડળીમાં શનિનું કોઈ સ્થાન નહીઁ હોય.
બીજું વરદાન માંગે છે કે, મને અનાથને પીપળાના વૃક્ષએ શરણ આપ્યું છે એટલે જે કોઈ વ્યક્તિ સૂર્યોદય પહેલા પીપળાના વૃક્ષને જળ ચડાવશે એના ઉપર શનિની મહાદશાની કોઈ અસર નહીં થાય.
બ્રહ્માજીએ રાજી થઈ પિપલાદને વરદાન આપ્યું. ત્યારે પીપલાદ સળગતા શનિદેવને પગમાં બ્રહ્મદંડ મારીને મુક્ત કરે છે. બ્રહ્મદંડના પ્રહારના કારણે શનિદેવનો પગ ક્ષતિગ્રસ્ત થાય છે. પરિણામ સ્વરુપ તેઓ પહેલા જેમ ચાલવા લાયક નથી રહેતા. આ ઘટનાને લીધે જ “शनै:चरति य: शनैश्चर:” અર્થાત્ જે ધીરેથી ચાલે છે, એ શનૈશ્વર છે, એ શ્લોકની રચના થયાનું જણાય છે.
શનિદેવ આગમાં સળગ્યા હોવાથી એમની કાયા કાળી થઈ ગઈ હતી. બસ, આ જ કારણે કાળી મૂર્તિવાળા શનિદેવ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાનું ધાર્મિક મહત્વ છે.
આગળ જતા આ પીપલાદજી ઋષિ પીપલાદ કહેવાયા. તેમણે પ્રશ્નોપનિષદની રચના કરેલી, જે આજે પણ જ્ઞાનનો ભંડાર ગણાય છે.
ડૉ. રવજી ગાબાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *