કથાશ્રવણ રુપી મંથનથી ૧૪ રત્નો પ્રાપ્ત થાય છે.
ભગવાનના ચરણોમાં રસ જાગે તો ન ઇચ્છીએ તો પણ વિરક્તિ આવે છે
ગુરુપૂર્ણિમાની પાવન વેળાએ આપ્યા બે દિવ્ય સંદેશ
કથા બીજ પંક્તિ
જિન્હ કે શ્રવન સમુદ્ર સમાના;
કથા તુમ્હારિ સુભગ સરિ નાના.
ભરહિં નિરંતર હોહિં ન પૂરે;
તિન્હ કે હિય તુમ્હ કહું ગૃહ રુરે.
-અયોધ્યાકાંડ
આ બીજ પંક્તિઓ સાથે જિલાસુ-કર્ણપ્રયાગ-ચમોલીથી આરંભાયેલી
કથા પૂર્વે નિમિત્તમાત્ર યજમાન કાનન જાલાને આયોજન આભાર અને જલદી બાપુના પુનરાગમનનો ભાવ રાખ્યો.
પૂર્ણાહૂતિ દિવસે ઉપસંહારક વાતો કરતા બાપુએ જણાવ્યું કે શું કહું!સંક્ષેપમાં થોડી વાત કરીએ.કાન સમુદ્ર છે.કથારૂપી મનન અને મંથનથી એમાંથી શું નીકળે છે?જે રીતે પ્રસિદ્ધ પૌરાણિક સમુદ્રમંથન થયું એમાંથી ૧૪ રત્ન નીકળ્યા હતા.આપણે નવ દિવસ મંથન કર્યું.શું પ્રાપ્તિ થઈ?જોકે આ કથા કોઈ પ્રાપ્તિ માટે કે કંઈ પણ પુણ્ય માટે નથી.માત્ર પ્રેમ માટે કથા ચાલી રહી છે.આ પ્રેમયજ્ઞ છે.જેમ દેવતાઓએ અમૃત પ્રાપ્ત કરવા માટે મંથન કર્યું પણ ઈશ્વરને જગતને પ્રેમ દેવો હતો એટલે એણે રામકથાનું મંથન કર્યું.સાધુઓ માટે,નફરત ખતમ થઈ જાય,ઉપેક્ષા ખતમ થઈ જાય,માત્ર અને માત્ર,પ્રેમ કેવળ પ્રેમ માટે મંથન શરૂ થયું.કયો સમુદ્ર છે?પ્રેમરૂપી અમૃત કાઢવા માટે ભરત સમુદ્ર છે.જ્યાં ૧૪ વર્ષના વિયોગનો મંદરાચલ પર્વત નાખીને ભરતના હૃદયનું મંથન થયું છે કોઈ પ્રાપ્તિ માટે નથી.મારે પણ કંઈ પ્રાપ્ત કરવું નથી, તમે પણ કોઈ પ્રાપ્તિની આશા ન રાખતા.જેમ વેદાંતી કેવળજ્ઞાન કહે છે એમ કેવલ કેવળ અને કેવળ પ્રેમ માટે જ આ મંથન છે.અહીં મંથનથી એક-એક સોપાન માંથી બે-બે રત્ન મળ્યા છે.ન ઇચ્છવા છતાં પણ મળે છે.બાલકાંડનાં મંથનથી સદાસુખ અને ઉત્સાહવર્ધન મળે છે.ઉપયોગી ઉપકરણ ન હોય તો પણ અંતઃકરણ સદા સર્વદા સુખથી ભરાઈ જાય એ છે સદાસુખનું રત્ન.ક્યારેક-ક્યારેક સુખ હોય છે ઉત્સાહ નથી હોતો.ઉત્સાહ વગરના સુખનો શું મતલબ! ઉંમર થાય ત્યારે થાક લાગે ઉર્જા કમજોર થાય પણ ઉત્સાહ ઓછો ન થાય.અયોધ્યાકાંડના બે રત્ન છે:સીતારામના ચરણોમાં પ્રેમ અને સંસારમાંથી વિરકતિ.ભગવાનના ચરણોમાં રસ જાગે તો ન ઇચ્છીએ તો પણ વિરક્તિ આવે છે.અરણ્યકાંડમાંથી રામભજન અને સત્સંગરૂપી બે રત્ન મળે છે. આપણા જેવા પ્રેમવાદી-આમ તો પ્રેમવાદી શબ્દ પણ નહીં કહું;પ્રેમમાં જીનારાઓ માટે ખોટું જગત પણ સાચું છે.કિષ્કિંધાકાંડના બે રત્ન છે:હનુમંત આશ્રય અને નામ.સુંદરકાંડના બે રત્ન છે:વિના પ્રયાસ,તરી જઈએ.અહીં અપ્રયાસ અને તરવું.લંકાકાંડના આમ તો ત્રણ રત્ન છે:વિજય વિવેક અને ઐશ્વર્ય.હું ઐશ્વર્યના પક્ષમાં વધારે નથી.કારણ કે મારા માટે અભાવનું ઐશ્વર્ય છે.કંઈક હોય તો ક્યારેક ખોવાઈ જાય છે.એટલે હું વિજયનું ઐશ્વર્ય અને વિવેકનું એશ્વર્ય કહીશ.વિજય આવતા અહંકાર આવે છે પરંતુ કૃષ્ણ જેવું ઐશ્વર્ય હોય તો વિજયમાં વિવેક આવે છે અહંકાર આવતો નથી.ઉત્તરકાંડના બે રત્ન છે:વિજ્ઞાન અને ભક્તિ.ક્યારેક ભક્તિ કરનાર વિજ્ઞાનનો અનાદર કરે છે,ક્યારેક વિજ્ઞાનને માનનાર ભક્તિમાં રુચિ રાખતો નથી.
અહીંની કથા આયોજન પર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા સજળ નેત્રે બાપુએ જણાવ્યું કે આ દિવ્યભૂમિ પર વારંવાર આવવાની ઈચ્છા થાયહું પણ અહીં અનુકૂળતાએ આવતો રહીશ.આપ પણ આવશો આ કથાનું સુફળ સુકૃત અલકનંદાને અર્પણ કરી કથાને વિરામ આપવામાં આવ્યો.
આગામી-૯૨૦મી કથાનો બોસ્ટન(યુ.એસ.એ.)થી આરંભ થશે.ભારત-અમેરીકા વચ્ચેનાં લગભગ ૯:૩૦ કલાકનાં સમય તફાવતનાં કારણે તેનું જીવંત પ્રસારણ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પર ભારતીય સમય પ્રમાણે પહેલા દિવસે-૮ જૂલાઇએ મોડી રાત ૧:૩૦ વાગ્યાથી અને બાકીના દિવસોમાં સાંજે ૭:૩૦ વાગ્યાથી નિહાળી શકાશે.જે આસ્થા ટીવી ચેનલનાં માધ્યમથી ભારતીય સમય પ્રમાણે તા-૯ જૂલાઇથી ૧૭ જૂલાઇ રોજ સવારે ૧૦ વાગ્યાથી થશે.
ગુરુપૂર્ણિમાની પાવન વેળાએ બાપુનો ત્રિભુવનીય સંદેશ:
ગુરુ પરમતત્વ છે. આટલું કરજો
ગુરુપૂર્ણિમા આવી રહી છે એને યાદ કરીને બાપુએ બે-બે વસ્તુ જો થઈ શકે તો કરવા માટે કહ્યું.પહેલા બાપુએ વાત કરી કે આટલું જો થઈ શકે તો જરૂર કરજો:૧-આપના ઈશ્વર-ભગવાનની સામે રોજ બે દીપક પ્રજ્વલિત કરજો.૨-જે બુદ્ધપુરુષમાં,જે ગુરુમાં પૂર્ણ નિષ્ઠા હોય એની બે પાદુકા રાખજો.પાદુકા ફર્નિચર નથી,આપણું ફ્યુચર છે.૩-રુદ્રાક્ષ અથવા તુલસીની માળા કંઠ અને કરમાં રાખજો.એ આપણને કંઈક છે એનો અહેસાસ કરાવશે.૪-ઘરમાં રામાયણ અને ગીતાજી રાખજો ભલે કદાચ વાંચી ન શકીએ.મહાભારતની ગીતા રામકથાની સીતા આપણું જીવન છે.રામાયણ અને ગીતા મારી અંતર આંખો;પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો.આ બધું બે-બે મળી અને આઠ થયું અને નવમું-રામનામ.રામ પરમમંત્ર છે,મહામંત્ર છે, બીજમંત્ર છે.જ્યારે કંઈ ન હતું ત્યારે પણ રામ હતા જ્યારે બધું જ છે ત્યારે પણ રામ છે અને કંઈ નહીં વધે ત્યારે માત્ર રામ જ હશે.આ ઇષ્ટમંત્ર હરિનામ આ નવ વસ્તુ તમારી સાથે રાખજો.
આગામી ત્રણ જુલાઈએ ગુરુપૂર્ણિમા આવી રહી છે ત્યારે ગુરુપૂર્ણિમાનું અમાપ મહત્વ,અસીમ મહિમા છે.અહીં સતુઆબાબા મહામંડલેશ્વર છે.બધા જ તેને પ્રણામ કરે છે પણ મારી પાસે બાળકની જેમ રહે છે.દર ગુરુપૂર્ણિમાએ મને ૧૧૦૦૦ રૂપિયા આપે છે.હું તો લેતો નથી,રાખતો પણ નથી.આ વખતે પણ લીધા કંઈક ને કંઈક એનો ઉપયોગ કરીશ.ત્યાગની જીદ ન હોવી જોઈએ.આપ બધા જ જાણો છો કે અમે તલગાજરડામાં હવે ઉત્સવ બંધ કરી દીધો છે.જ્યારે મનાવતા ત્યારે પણ હું મારા ગુરુનું પૂજન માત્ર કરતો અમે વિનયથી કહીએ છીએ કે ન આવશો,કોઈ ઉત્સવ નથી.છતાંય કદાચ કોઈ આવે તો મનાઈ નથી હું માત્ર દાદાની પાદુકાનું વૈદિક રૂપથી પૂજન કરી લઉં છું.ત્યારે મારે ગુરુપૂર્ણિમાના પાવન દિન પહેલા કંઈક કહેવું છે.આપણે ત્યાં કહેવાય છે કે ૨૪ તત્વ છે.કોઈ ૨૫કે કોઈ ૨૭ પણ કહે છે,બધાને પોતપોતાનો મત છે.પણ આપણે પંચતત્વથી પરિચિત છીએ:પૃથ્વી, આકાશ,અગ્નિ-તેજ-પ્રકાશ,વાયુ અને જળથી પરિચિત છીએ.ગુરુપૂર્ણિમાના દિવસ પર બધા જ પરમ સાધુઓ,પરમતત્વ,બુદ્ધપુરુષોની વંદના કરીએ છીએ.કારણ કે આપણામાં પાંચ તત્વ છે પણ ગુરુ પરમતત્વ છે.આપણામાં પૃથ્વી તત્વ છે.પૃથ્વી પર ભૂકંપ,લાવારસ કે કંઈકને કંઈક તોફાન આવે છે.પણ ગુરુ અકંપ છે,ત્યાં ભૂકંપ આવતો નથી.ડોલે એ ગુરુ નહીં ડોલાવે એ ગુરુ.એટલે જ નાસ્તિ તત્વં ગુરું પરમં એવું કહે છે.આપણામાં જળ છે ગુરુ પરમતત્વ છે તેમાં કૃપાસિંધુ,કરુણાસિંધુ,વહેતી ગંગા,સરોવર છે, હાલતું ચાલતું તીર્થ છે,ગુરુ વિરડો છે.આપણા શરીરમાં અગ્નિ છે પણ ગુરુની અંદર જ્ઞાનાગ્નિ છે વિરહનો અગ્નિ છે.એક શીતળ આગ છે જે આપણને શાંતિ પ્રદાન કરે છે.આપણા શરીરમાં વાયુ છે જેની ત્રણ ગતિ:મંદ શીતલ અને સુગંધ હોય.ગુરુમાં રહેલો વાયુ એ આપણી પાત્રતા અનુસાર મંદ મધ્ય અને તીવ્ર બને છે.એની પાસે બેસવાથી શીતળતા પ્રદાન કરે છે.પ્રત્યેક શરીરને ગંધ હોય છે બુદ્ધપુરુષને નૂરાની ખુશ્બુ હોય છે.તેને ડીવાઇન સ્મેલ કહે છે. દુનિયાના કોઈ અત્તરમાં એ ખુશ્બુ નથી.સૂફીવાદ જેને પીરની ખુશ્બુ કહે છે.આપણી અંદર જેમ ઘડાનું ઘટ આકાશ કે મઠ આકાશ છે.આપણું આકાશ સીમિત છે,નાનું છે.બુદ્ધપુરુષમાં કયું આકાશ?રૂદ્રાષ્ટકમાં લખ્યું છે ચિદાકાશ મહાઆકાશ હોય છે કે જ્યાં શતકોટી આકાશો ગાયબ થઈ જાય છે.આપણામાં પાંચ તત્વો છે.પંચતત્વ છે ગુરુપરમ તત્વ છે એટલે ગુરુપૂર્ણિમા પહેલા એડવાન્સમાં બધાને ગુરુપૂર્ણિમાની વધાઈ.