ગાંધીધામ: શહેરમાં આવેલ આંગડિયા પેઢીમાં સંચાલકોને બંદુક બતાવી ૪ ઈસમોએ ૧ કરોડ ૫ લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. કચ્છના ઈતિહાસની સૌથી મોટી આંગડિયા લૂંટ કેસમાં ફરિયાદ થયા બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરી હતી, જેમાં કુલ ૬ શખ્સોને ઉઠાવીને 93 લાખનો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.
આઈજી જે. આર. મોથાલિયા પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. આઈજી જે. આર. મોથાલિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રરમી મેના આંગડિયા પેઢીમાં ૪ હેલ્મેટધારી શખ્સો ઘુસી આવ્યા હતા. અને પિસ્તોલ બતાવી રૂપિયા લૂંટીને બે બાઈક પર નાસી ગયા હતા. જે ઘટના કેમેરામાં પણ કેદ થઈ હતી. આ બનાવમાં પોલીસે કુલ ૬ શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે. લૂટમાં મદદ કરનાર અન્ય છ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓનું પગેરૂ દબાવ્યું હતું. જેમાં ઉજજવલ અમરેન્દ્ર પાલ (ઉત્તરપ્રદેશ) હનીફ ઈસ્માઈલ સોઢા (મીઠીરોહર), યોગેન્દ્ર ઉર્ફે યોગી ઉર્ફે પહેલવાન શ્યામલાલ ચૌહાણ (યુપી), મુકેશસિંગ ઉર્ફે બીપી તાલુકદારસિંગ (પડાણા), વિપુલ બગડા રામદી ગગડા (મીઠીરોહર) અને હનીફ સીધીક લુહાર (વાયરો) નામના છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 96 લાખ 90 હજાર 30 રૂપિયા રોકડા, ઈન્ડિગો કાર, ઈન્ડિકા કાર, બોલેરો ડાલુ, મોટર સાઈકલ-2 સહિતના વાહનો કિમત રૂપિયા 9 લાખ, 1 લાખ 25 હજારની હાથ બનાવટની પિસ્ટલ –૫ અને 47 જીવીત કાર્ટીશ કબ્જે કરાયા હતા. તેમજ 25 હજાર 500ની કિમતના 6 મોબાઈલ મળીને કુલ 1 કરોડ 7 લાખ 45 હજાર 230નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓને મદદગારી કરનાર આરોપીઓ નઈમખાન ઉર્ફે સુદુ, શિવમ સુભાષ યાદવ, આલોક રામપ્રસાદ ચૌહાણ, અરૂણ પ્રેમકુમાર ચૌહાણ, જુણસ ઈસ્માઈલ સોઢા અને દીપક રામભવન રાજભર સંડોવણી નિકળતા પોલીસે ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.