આજે જાણીતા સંપાદક-તંત્રી-પત્રકાર-ગુજરાતના સાંસ્કૃતિક એલચી
એવા ધબકતા જણ અને મળવા જેવા માણસ ભિખેશ ભટ્ટનો 71મો જન્મ દિવસ છે.
ના હોં, જોતજોતામાં નહીં, એકદમ શાંતિથી, નિરાંતજીવે તેમણે પોતાના આયખાનાં 70 વર્ષ પૂર્ણ કર્યાં છે.
આ તો કેલેન્ડર કહે એટલે આપણે માનવું પડે કે તેમને સિત્તેર વર્ષ જીવતાં સિત્તેર વર્ષ જ થયાં હશે, બાકી તેમને નજીકથી ઓળખનારા મારા જેવા તો એમ જ કહેવાના કે 70 વર્ષ જીવવા માટે તેમણે 100 વર્ષ તો લીધાં જ હશે.
સમયને પણ નિરાંતનો અનુભવ કરાવીને થોડો ધીમો પાડી દેવાની શક્તિ તેમનામાં છે.
આજે મેં તેમને ત્રણ સવાલો પૂછ્યાઃ આ રહ્યા સવાલ-જવાબઃ
1. 71મા વર્ષમાં પ્રવેશ વખતે કેવી લાગણી અનુભવો છો ?
આજે સવારે મેં ભગવાનને સાષ્ટાંગ દંડવત કરીને પ્રાર્થના કરી કે હવેનાં જે મારાં વર્ષો છે એમાં ભગવાન તું મને એવું જીવન આપ કે હું વધારેને વધારે સમાજ માટે કામ કરી શકું. સેવાનાં કાર્યો કરી શકું એવું જીવાડજે.કલા, સાહિત્ય, સંસ્કૃતિ ઉપરાંત દિવ્યાંગ બાળકો અને વૃદ્ધો માટે વિશેષ કામ કરવાની મારી ભાવના છે.
2. પાછળ 70 વર્ષ ઉપર નજર કરો તો કેવી લાગણી થાય છે?
કોઈ જ અફસોસ થતો નથી. મારી ભાષાની પ્રીતિ, શબ્દો સાથેની દોસ્તી અને એના માટે જે કંઈ મેં કર્યું તેનાથી મને રોટલો મળ્યો છે અને જીવવાનો આનંદ પણ મળ્યો છે. સદ્ભાગ્યે મને પુસ્તકો અને સાહિત્ય સાથે કામ કરવાની તક મળી છે. વળી છેલ્લાં 20-22 વર્ષથી હું ગણપત યુનિવર્સિટી સાથે જોડાયો એટલે કેળવણીના ક્ષેત્રે પણ કામ કરવાની પણ તક મળી. ટૂંકમાં એમ કહીશ કે મને મનગમતું કામ કરવાની તક મળી છે એ ભગવાનની કૃપા છે અને મારું બોનસ છે.
3. હવે પછી કોઈ ખાસ અપેક્ષા?
જેટલું જીવવું છે એટલું તંદુરસ્ત જીવાડજે એવું મેં ભગવાનને કહ્યું છે. કોઈની સેવા ના લેવી પડે, કોઈ આપણા કારણે તકલીફમાં ન મુકાય એવું જીવન મારે જીવવું છે.
ભિખેશ ભટ્ટને જન્મદિવસની વધામણી. તેમનો સંપર્ક નંબર 98799 72787 છે.
(આજે અમદાવાદસ્થિત તેમના કાર્યાલયમાં તેમને પુષ્પગુચ્છ દ્વારા જન્મદિવસની શુભકામના વ્યક્ત કરતા શ્રી બંકિમ મહેતા, તેમના મિત્ર અને પાડોશી શ્રી હિંમતસિંહ રાઠોડ તથા તેમના ઓફિસના કર્મચારીઓ.)