અક્કલનો ખજાનો ક્યાં છુપાયેલો છે ? ‘બદામ’ માં કે ‘ઠોકર’ માં? લેખીકા – દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)
કહેવત છે ને કે અક્કલ બદામ ખાવા થી નઈ પણ ઠોકર ખાવા થી આવે. ‘ઠોકર’ એટલે કે અનુભવનું મહત્વ શરૂ થાય છે. ઠોકર એ જીવનની આકરી શાળા છે. તે આપણને શીખવે છે કે
સિદ્ધાંતોને વ્યવહારમાં કેવી રીતે મૂકવા. બદામ, વાંચન, સાંભળવું, ગોખવું આ માત્ર માહિતી છે. ઠોકર ખાવી, દુઃખ સહન કરવું, ઉભા થવું અને આગળ વધવું આ વાસ્તવિક શિક્ષણ છે. ઠોકરો શા માટે જરૂરી છે? જીવનમાં ઠોકર ખાવાના ઘણા ફાયદા છે જે આપણને બદામ ક્યારેય આપી શકતી નથી.ઠોકર આપણને શીખવે છે કે દુનિયા હંમેશા સુંદર કે સરળ હોતી નથી. નિષ્ફળતા અને કપરા સંજોગો આપણને જીવનની કઠોર વાસ્તવિકતાનો પરિચય કરાવે છે.જે વ્યક્તિ ક્યારેય પડ્યો નથી, તે પડ્યા પછી ઉભા થવાની કળા શીખી શકતો નથી. ઠોકર ખાવાથી આપણે હતાશામાંથી બહાર આવવાનું, ફરી પ્રયાસ કરવાનું અને મજબૂત બનવાનું શીખીએ છીએ. આ ગુણ સફળતા માટે સૌથી વધુ જરૂરી છે.
ભૂલોમાંથી શીખ મળે છે દરેક ઠોકર એક ભૂલનું પરિણામ હોય છે. મહાન વૈજ્ઞાનિક થોમસ એડિસને કહ્યું હતું કે, ‘મેં નિષ્ફળતા નથી જોઈ, પરંતુ મેં ૧૦,૦૦૦ એવા રસ્તા શોધી કાઢ્યા છે જે કામ કરતા નથી.’ ભૂલો એ સફળતાની સીડી છે. જો આપણે ભૂલ સ્વીકારીએ અને તેમાંથી શીખીએ, તો તે ભૂલ આપણો સૌથી મોટો શિક્ષક બની જાય છે.પુસ્તકો કહી શકે છે કે શું સાચું છે અને શું ખોટું, પરંતુ ઠોકર આપણને અનુભવ કરાવે છે કે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં. વ્યક્તિઓ અને પરિસ્થિતિઓને સાચી રીતે પારખવાની અક્કલ માત્ર અનુભવથી જ આવે છે જે વ્યક્તિએ સંઘર્ષ નથી જોયો, તેનામાં અભિમાન આવવાની શક્યતા વધારે છે. ઠોકર આપણને નમ્ર બનાવે છે અને આપણે સ્વીકારીએ છીએ કે આપણે અપૂર્ણ છીએ અને શીખતા રહેવાની જરૂર છે. બદામ ખાવી અને પુસ્તકો વાંચવા જરૂરી છે, તે એક સારી શરૂઆત છે. પરંતુ જીવનમાં સાચી અક્કલ કે ડહાપણ મેળવવા માટે, આપણે ડર્યા વિના નવા રસ્તાઓ પર ચાલવું પડશે અને ભૂલો કરવા તૈયાર રહેવું પડશે. કોઈપણ મોટી સિદ્ધિ ‘ઠોકર’ ખાધા વિના મળતી નથી. તેથી, જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે કે નિષ્ફળતા મળે, ત્યારે નિરાશ થવાને બદલે તેને એક પાઠ તરીકે સ્વીકારો.યાદ રાખો, ‘અક્કલનું સાચું સરનામું બદામનો ડબ્બો નહીં, પણ જીવનના અનુભવોથી ભરેલો ઠોકરોનો રસ્તો છે. ‘ આ ઠોકરો જ આપણને જીવનનો સાચો ‘પાકો ખેલાડી બનાવે છે..