Heart attack in Rajkot: રાજકોટ (Rajkot)માં હાર્ટ એટેક (Heart attack)થી વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. મહત્વનું છે કે, ગઈકાલે ધોરણ 10 અને ધોરણ 12 CBSEનું પરિણામ જાહેર થયું છે. જે હેઠળ 18 વર્ષનો રૂદ્રરાજસિંહ ઝાલા પાસ થઈ જતા તેના 47 વર્ષીય માતા શિલ્પાબા ઝાલાનું ખુશીમાં હાર્ટ એટેક આવ્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. હાર્ટ એટેક બાદ માતાનું મોત (Heart attack death) નીપજતા આખા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રુદ્રરાજસિંહ ઝાલાએ જણાવતા કહ્યું હતું કે, 11 વાગ્યાની આજુબાજુ મેં CBSE ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જોયું હતુ. જેમાં હું પાસ થઇ ગયો હતો. મારે 58% આવ્યા હોવાનું મેં ઘરે હાજર રહેલા સભ્યોને કહ્યું હતું. જે સમયે મે આ વાત ઘરે કહી ત્યારે ઘરે હું તેમજ મારા માતા, દાદી અને નાની પણ ઉપસ્થિત હતા. મારા પરિણામને લઈ ઘણા સમયથી મારી માતા શિલ્પાબા ઝાલા રાહ જોતા હતા. આ દરમિયાન મે સમાચાર સંભળાવતા મારી માતા ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા.આ દરમિયાન તેમને ચક્કર આવતા મેં તરત જ મારા પિતા નરેન્દ્રસિંહ ઝાલાને ફોન કર્યો હતો.
તેણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારા પિતા આવ્યા પછી પહેલા જ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. મારી માતાને પ્રથમ ઇમર્જન્સી વોર્ડમાં અને ત્યાર પછી ICUમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગણતરીની જ મિનિટોમાં જ મારી માતાએ અંતિમ શ્વાસ લીધા હતા. મારા પરિણામથી મારા માતા સૌથી વધુ ખુશ દેખાતા હતા. ધોરણ 12 પાસ કર્યા પછી હું બીબીએ અને ત્યારબાદ એમબીએ કરવા માંગુ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રુદ્રરાજસિંહ ઝાલાના પિતા રાજકોટ શહેરમાં ઈલેક્ટ્રીક આઈટમ્સનો શોરૂમ ચલાવી રહ્યા છે. હોસ્પિટલમાં શિલ્પાબા ઝાલાનું મૃત્યું થતા તાત્કાલિક અસરથી માલવિયા નગર પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ત્યારબાદ જ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.