વિદ્યાધામોમાં અસલામત વિદ્યાર્થીઓ. – ભાવિની નાયક.


બે દિવસથી એક ઘટનાના ઘણા વીડિયો જોયા.ઘટનાની વિગત જાણે એમ છે કે અમદાવાદના મણિનગર પૂર્વના હરિપુરા વિસ્તારમાં આવેલી એક શાળામાં એક છોકરાએ બીજા છોકરાની છરી ચલાવી હત્યા કરી નાખી. હદ તો ત્યાં થઈ કે શાળાના કોઈપણ વ્યક્તિમાં એટલી માણસાઈ પણ નતી કે કોઈ પીડિતને હોસ્પિટલ લઈ જાય કે એના માટે એમ્બ્યુલન્સ બોલાવે. આ એક સીબીએસસી શાળા છે. જેમાં નર્સરીમાં એડમિશન માટે પણ ડોનેશન ફરજિયાત છે. આ ઉપરાંત ફી, પુસ્તકો અને યુનિફોર્મ ના ખર્ચ તો અલગથી. શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સુંદર છે પણ સુરક્ષાનો આટલો મોટો અભાવ તો કેવીરીતે ચલાવી શકાય? આ શાળાએ સાબિત કરી આપ્યું કે ખાલી મોટા મકાન બનાવવાથી એક શાળા નથી બનતી. ગુરુને આપણા શાસ્ત્રોમાં ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક શાળામાં અસંખ્ય ગુરુઓની હાજરીમાં આવા કૃત્યો થાય અને તેઓ તેનાથી અજાણ હોય એ કેટલી શરમજનક બાબત છે? વિશાળ ભવન ધરાવતી આ શાળામાં ક્યાંય કોઈ વ્યક્તિ એવું નતું કે જે શાળાના દરેક સીસીટીવી પર નજર રાખી શકે? અને ઘટના જોતા જ તરત ઘટના સ્થળ પર પહોંચે? એક માબાપ પોતાના વ્હાલસોયા છોકરાઓને સારી શાળામાં મૂકવા માટે કેટલીયે કુરબાનીઓ આપતા હોય છે અને અંતે એ જ શાળામાં પોતાના છોકરાને જ્યારે ગુમાવવાનો વારો આવે છે ત્યારે એ માબાપ પર શું વીતતી હશે એની કલ્પના પણ કરવી ઘણી અઘરી છે. કેટલાય વિધાર્થીઓએ આવી નામાંકિત સંસ્થાઓમાં ચાલતા રેગિંગથી કંટાળી આત્મહત્યા કરી છે.તો કેટલીય વિધાર્થીનીઓ શિક્ષકો દ્વારા કરવામાં આવતા શોષણનો શિકાર બની છે. એક માબાપ માટે પોતાના બાળકનો એ શાળાનો પહેલો દિવસ એ એક યાદગાર દિવસ હોય છે. અને એ જ શાળામાં આવી શરમજનક ઘટના દુઃખદ છે. બિનસાપ્રદાયકતાના પાઠ શીખવતી શાળાઓમાં તિલક,નાડાછડીનો વિરોધ એ કેટલી હદે યોગ્ય છે? આજના બાળકો જો શાળામાં જ સુરક્ષિત ના હોઈ શકે તો બીજા સ્થળોની વાત કયા કરવી? શાળાના સંચાલકોને ફી મળે, ડોનેશનના નામે મોટી રકમ મળે, કોઈ એક જ દુકાનમાંથી પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવાના નિયમ પર કમિશન મળે અને તો પણ વિદ્યાર્થીઓને શું મળે એ વિચારી જુઓ.