*શ્રધાંજલિ*
*મનોજ કુમાર ઉર્ફે હરિકૃષ્ણગિરિ ગોસ્વામી:- ભારતીય ફિલ્મ જગતના ‘ભારત’નું નિધન…*
-રમેશ ગોસ્વામી ‘સારથિ’
દેશ ભક્તિના પર્યાય સમા બોલીવુડ અભિનેતા મનોજ કુમારનું જૈફ વયે અવસાન થતાં ફિલ્મ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
મનોજ કુમાર… એટલે ભારતના બ્રાન્ડ એમ્બેસેડર. દાદા સાહેબ ફાળકેથી શરુ થયેલ ભારતીય ફિલ્મ જગત આજે વિશ્વ આખામાં ખ્યાતનામ છે. દરેક રાજ્યની પોતપોતાની ફિલ્મી ઇન્ડસ્ટ્રી છે. કંઈ કેટલાય કલાકારો આવ્યા અને ચાલ્યા ગયા, એમાં અમુકને આજે પણ લોકો સપ્રેમ યાદ કરે છે. એવા જ એક ઉમદા કલાકાર એટલે ભારત કુમાર. ઉર્ફે મનોજ કુમાર. દેશ પ્રેમના પર્યાય બની ગયેલા ભારત કુમાર ઉર્ફે મનોજ કુમાર ઉર્ફે હરિકૃષ્ણગિરિ ગોસ્વામીનો જન્મ ૨૪ જુલાઈ, ૧૯૩૭માં વિભાજન પહેલાંના પાકિસ્તાન પ્રાંતના અલોટ્ટાબાદ, ખેબરપસ્તુનમાં થયો. રૂઢિચુ્સ્ત દશનામ ગોસ્વામી પરિવાર. ભાગલા પડ્યા એમાં પાકિસ્તાન રહેવાનું ટાળ્યું અને ભારતના દિલ્હીમાં શરણાર્થી કેમ્પમાં આવી ગયા. ત્યારે હરિકૃષ્ણની ઉંમર દશ વર્ષ. નાનકડા હરિકૃષ્ણએ ભાગલાનું દર્દ સગી આંખે જોયું. ક્દાચ આ દર્દનો પડછાયો એમની ફિલ્મોમાં પડતો રહ્યો હતો. ૧૯૪૭માં ભારત આઝાદ થઈ ગયું હતું. ગુલામીની બેડીઓ છૂટી ગઈ હતી. હવે તમામ રીતે આઝાદી હતી. સપનાં જોવાની પણ આઝાદી. ભારતીય ફિલ્મ જગત ધીમે ધીમે રફતાર પકડી રહ્યું હતું. એમાં નશીબજોગે યુવા હરિકૃષ્ણ જઈ ચડ્યા ફિલ્મી જગતમાં. ફેશન ( ૧૯૫૭ ) નાનકડું પાત્ર ભજવ્યું. ફોટોજેનિક ચહેરો, એક્ટિંગની આવડત. નાનકડા પાત્રની પણ નોંધ લેવાઈ.૧૯૬૦માં કાંચ કી ગુડિયા ફિલ્મ આવી. એમાં સાયેદા ખાનનું અગ્ર પાત્ર હતું. યુવા મનોજની પહેલી ફિલ્મથી અભિનયનાં અજવાળાં પથરાયાં. હવે, ફિલ્મી જગતના દરવાજા ખુલી ગયા હતા. ત્યારબાદ પાછળ ફરીને જોયું નહીં. રેશમી રૂમાલ, હરિયાળી ઓર રાસ્તા, વો કૌન થી, હિમાલય કિ ગોદ મેં, ઉપકાર, ગુમનામ, પત્થર કે સનમ, પુરબ ઓર પશ્ચિમ, રોટી કપડા ઔર મકાન, ક્રાંતિ, મેદાન એ જંગ, ક્લાર્ક, દેશવાસી, સંતોષ, કલયુગ ઓર રામાયણ, જાટ પંજાબી, દશ નંબરી, સન્યાસી, જેવી એક એકથી ચડિયાતી ફિલ્મો કરી. મનોજ કુમારની ખાસિયત એ હતી કે તેઓ લેખક, દિગ્દર્શક, નિર્માતા પણ હતા. સમયની સાથે બધું શીખી ગયા. એમના લગ્ન શશી ગોસ્વામી સાથે થયાં. એમનાં સંતાનો કૃણાલ ગોસ્વામી, વિશાલ ગોસ્વામીએ ફિલ્મોમાં નશીબ અજમાવ્યું. પણ જામ્યા નહીં. છૂટક રોલ કરીને ગુમનામ થઈ ગયા. મનોજ કુમારે હિંદુ કોલેજ, દિલ્હીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો. જ્યારે ફિલ્મી સિતારો ચમકતો હતો ત્યારે પ્રધાનમંત્રી સુધીનાં એમને રાષ્ટ્રવાદની ફિલ્મો કરવાનું કહેતા. એમની ફેન ક્લબમાં મોટા મોટા નામો આજે પણ છે. દાદા સાહેબ ફાળકે, ફિલ્મફેર, પદ્મશ્રી સહિત અનેક મોટા એવોર્ડ એનાયત થયા. દિલીપ કુમારના તેઓ જબરા પ્રશંસક હતા. યુસુફ ખાન ઉર્ફે દિલીપ કુમારની શબનમ ( ૧૯૪૯ ) ફિલ્મનાં પાત્રના નામ પરથી પોતાનું નામ મનોજ રાખવાનું નક્કી કર્યું. કૃણાલ ગોસ્વામી હાલે ફિલ્મ જગતને બાય બાય કહીને કેટરિંગનો વ્યવસાય કરે છે.
૧૯૮૦ના દાયકાની સૌથી વધુ ખર્ચાળ ફિલ્મ ‘ક્રાંતિ’ એ જમાનામાં તહેલકો મચાવ્યો હતો. ફિલ્મની સ્પેશ્યલ પ્રિન્ટ જાપાનમાં બનાવવામાં આવી હતી. દેશભક્તિની આ ફિલ્મ બનાવતાં બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો. દિલીપ કુમાર, મનોજ કુમાર, હેમા માલિની, શશી કપૂર ,પરવિન બાબી, શત્રુઘ્ન સિન્હા, મદન પુરી, પ્રેમ ચોપડા, ટોમ ઓલ્ટર જેવા ધુરંધર કલાકારો. સલીમ જાવેદ, સંતોષી કુમાર સાથે લેખનમાં પણ કાર્ય સંભાળ્યું. બહુમુખી પ્રતિભાના માલિક મનોજ કુમાર એક સાથે ઘણાં બધાં કાર્યો કરતા. ટોચ પર પહોંચ્યા છતાં ડાઉન ટૂ અર્થ રહ્યા. સામાજિક કાર્યોમાં હમેશાં આગળ રહ્યા. અનેક નામી અનામી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.
એમનાં કેવાં કેવાં યાદગાર ગીતો… જીંદગી કી નાં તૂટે લડી, પ્યાર કરલે ઘડી દો ઘડી, ધીરે ધીરે બોલ કોઈ સુન નાં લે, મેરે નશીબ મેં તું હૈ કિ નહીં… જેવાં કંઈ કેટલાંય સદાબહાર ગીતો આજે પણ ગણગણવા ગમે. પોતે દશનામ ગોસ્વામી સમાજમાંથી આવે છે એનું એમને ગૌરવ હતું. ઘણી વાર ભગવા વસ્ત્રો પહેરીને પૂજા, અર્ચના કરતા. ગોસ્વામી સમાજના કાર્યક્રમોમાં ઉપસ્થિત થઈને ગૌરવ અનુભવતા. ગળામાં રુદ્રાક્ષ, ભાલે ત્રિપુંડ, ધર્મ આધ્યાત્મથી ખુબ નજીક રહ્યા. દેશભક્તિની સાથે સાથે ધર્મ ભક્તિ પણ બખૂબી નિભાવી. તેઓ એવા કલાકાર હતા, જે રાઈટર, ડિરેક્ટર, એક્ટર એમ તમામ ભૂમિકા નિભાવતા. આજે બોલીવુડમાં પરિવારવાદ ખુબ વકર્યો છે, પણ મનોજ કુમારે પોતાના સંતાનોને આગળ લઈ આવવા કોઈ કાવાદાવા નહોતા કર્યાં. નેપોટિઝમના ખિલાફ હતા. એમનામાં કૌવત હશે તો ગમે તેમ કરીને સફળતા મેળવી લેશે એવું કહેતા. ભારતીય ફિલ્મ જગતનાં ટોપ ટેન અભિનેતાઓની યાદી બને તો એમાં મનોજ કુમારનું સ્થાન અવશ્ય હોય. આવા મહાન કળાકારને ભારત સરકાર શ્રેષ્ઠ એવોર્ડ આપીને કૃતાર્થ થાય એવી દિલ્લી મનોકામના.
‘ક્રાંતિ’નાં શૂટિંગ દરમિયાન ૧૫ કિલ્લોની સાંકળોથી જકડાયેલા દિલીપ કુમાર અકળાઈ ગયા. વજન હળવું કરવાનું કહ્યું. આથી મનોજ કુમારે રબ્બરની સાંકળ બનાવીને એવી રીતે દ્ર્શ્યો લીધાં કે રબ્બરની સાંકળ પણ અસલી લાગે.! ચાર દાયકા પહેલાં ટાંચા સાધનો વળે શ્રેષ્ઠ કૃતિઓ સર્જવી એ મોટી વાત હતી. એમની મોટા ભાગની ફિલ્મો કલ્ટ સાબિત થઈ છે. બોલીવુડમાં એવા ઝુઝ અભિનેતા થયા છે, જેઓ ફિલ્મના દરેક પાસાં સાથે સંકળાયેલા રહ્યા હોય. મોટા ભાગની ફિલ્મોમાં ભારત નામ રાખ્યું. લાલ બહાદુર શાસ્ત્રીએ એકવાર મનોજ કુમારને કહ્યું હતું કે તમે દેશભક્તિની ફિલ્મો જ બનાવો. આની દેશને જરૂર છે. આજે પણ દેશભક્તિની ફિલ્મોની જરૂર છે. આવા મહાન ફિલ્મકારના નિધનથી ફિલ્મ જગતને ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી છે. હરિકૃષ્ણગિરિ બાપુના દિવ્ય આત્માને ભોળાનાથ પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ…
*શબ્દ બાણ*
એકવાર મનોજ કુમાર પરિવાર સાથે હોટેલમાં જમવા ગયા. તેઓ ખુબ સ્મોક કરતા. ત્યાં પણ તેઓ સિગારેટ પીવા લાગ્યા. આ જોઈને એક યંગ ગર્લ પ્રશંસકે આવી અને કહ્યું.-
‘ સર, આપ ‘ભારત’ હોકર સ્મોક કરતે હો? શેમ ઓન યુ સર…!’
આવડા મોટા કલાકાર સામે લોકો ઉંચા અવાજે વાત કરતાં ડરતા. જ્યારે આ છોકરી તો ગુસ્સાથી કહી રહી હતી. તેઓ ઘડીભર યંગ ગર્લ સામે જોઈ રહ્યા અને પછી સિગારેટનો ઘા કર્યો.ત્યારબાદ જીવનમાં ક્યારેય સ્મોકિંગ કર્યું નહીં…!