ઇમરાનખાનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ધરપકડને ગેરકાયદે ગણાવી, છોડવાનો આપ્યો આદેશ.

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી. આ પહેલા ચીફ જસ્ટિસે તેમને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને શુક્રવારે (12 મે)ના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. આ સાથે પાક ચીફ જસ્ટિસની બેન્ચે કહ્યું કે તમારે (ઈમરાન ખાન) હાઈકોર્ટના નિર્ણયને સ્વીકારવો પડશે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ઇમરાન ખાનની ધરપકડ બાદ એનએબીને ફટકાર લગાવી. ત્રણ જજોની બેંચે સુનાવણી દરમિયાન કહ્યું કે એનએબીએ કોર્ટનું અપમાન કર્યું છે. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે ઇમરાન ખાનની કોર્ટ પરિસરમાંથી ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે કોર્ટે ગુરૂવારે નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરોને ઇમરાન ખાનને એક કલાકમાં હાજર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં રજૂ કર્યા બાદ ચીફ જસ્ટિસે ઇમરાન ખાનને છોડવાનો આદેશ આપ્યો છે.

ખતરનાક ટ્રેન્ડને અટકાવવો પડશે: SC
ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે કહ્યું કે કોર્ટ આ મામલે ખૂબ જ ગંભીર છે. આ મામલે કોર્ટ આજે જ યોગ્ય આદેશ જારી કરશે. ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું કે કોર્ટ પરિસરમાંથી વ્યક્તિની ધરપકડ કેવી રીતે થઈ શકે. કોર્ટની પોતાની ગરિમા છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ કોર્ટમાં કોઈ સુરક્ષિત અનુભવી શકશે નહીં. કોર્ટ પરિસરમાં ધરપકડ એ ખતરનાક વલણ છે. આ બંધ થવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *