ગાંધીનગરના કોબા કમલમ કાર્યાલય રોડ પર ફોર-વ્હીલ ગાડીના ચાલકે ગાડી પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યાં 17 વર્ષીય દીકરીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક યુવક મનપાના દંડકના સગા ભાઈ ગાંધીનગર કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરી રોડ પર પટકાયાં હતાં, જેમાં પિતાનું ઘટનાસ્થળે જ અકાળે અવસાન થયું છે, જેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દંડક તેજલબેન પારેખના સગા ભાઈ છે.
એક્ટિવા લઈ બાળકોને સ્કૂલે મૂકવા જતા હતા આ અંગે તેજલબેનના પતિ અને કોબા ગામના પૂર્વ સરપંચ યોગેશભાઈ નાયીએ જણાવ્યું હતું કે તેમના સાળા ભાસ્કરભાઈ પ્રવીણભાઈ પારેખ કોબા ખાતે મહાવીર હિલ્સ ફ્લેટમાં પરિવાર સાથે રહેતા હતા. રાબેતા મુજબ આજે સવારે ભાસ્કરભાઈ કોબાની સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી ઝરણા (ઉં. 17)અને દીકરા જીઆન (ઉં. 8)ને સ્કૂલે મૂકવા માટે એક્ટિવા પર નીકળ્યા હતા.
પુત્રીની હાલત નાજુક આ દરમિયાન કોબા કમલમ કાર્યાલય પાસેનાં રોડ પરથી પૂરપાટ ઝડપે આવતી ફોર-વ્હીલ ગાડીના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. એને કારણે ભાસ્કરભાઈ અને બંને સંતાન ઊછળીને રોડ પર પટકાયાં હતાં, જેમાં ભાસ્કરભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બંને સંતાનોને ગાંધીનગરની તથાસ્તુ હોસ્પિટલમાં લઈ જવાયાં છે, જ્યાં ઝરણાની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.