‘ક્ષણે ક્ષણ શિક્ષણ’. બાળકને વારસામાં આપવા જેવી વિરાસત : વાર્તાનું શાસ્ત્ર. લેખક: ડૉ.કૃણાલ પંચાલ.
*વાર્તાને પતંગની માફક ચગાવી શકાય, સંગીતની જેમ સાંભળી શકાય, વાદ્યની જેમ વગાડી શકાય અને રસોઈની માફક મસાલેદાર પણ બનાવી શકાય..!*
*રિલ્સના સમયમાં પ્રત્યેક માતા-પિતા અને શિક્ષકોએ બાળકનું ધ્યાન કેન્દ્રિત કરાવી રાખવા વાર્તા નામનું ઔષધ આપવું જ રહ્યું..!*
આજથી લગભગ સો વર્ષ પહેલાં બાળકોની મૂછાળી મા એવા ગીજુભાઈ બધેકા એ ”વાર્તાનું શાસ્ત્ર” નામથી એક પુસ્તક લખ્યું હતું. વાર્તા કેમ કહેવી એ વિશેનું કદાચ વિશ્વનું એ પહેલું પુસ્તક હશે. મોબાઈલના અતિક્રમણ સમયે બાળકને સ્ક્રીનમાંથી કાઢવા માટે આ પુસ્તક સંજીવની સમાન લાગે છે. માતા-પિતાની વ્યસ્તતા કે વ્યસ્તતાના બહાનાઓના લીધે બાળક પાસે મોબાઈલ સિવાય બીજું કંઈ હાથવગું રહેતું નથી. આ ટેવ લાંબો સમય ચાલે એટલે એ વ્યસનનું સ્વરૂપ ધારણ કરે છે. હવે સમય પાકી ગયો છે કે માતાપિતા પોતાના જીવનમાં પૈસા કમાવવાથી પણ વધુ અગ્રીમતા પોતાના બાળકને આપે અને જો એમ નહિ કરીએ તો બાળકોને મમ્મી કરતા મોબાઈલ વધુ વહાલો લાગશે..!
બાળકને સમય આપવા ઈચ્છતા માતા-પિતાને મોટો પ્રશ્ન છે કે, બાળક સાથે કેવી રીતે સમય પસાર કરીશું ? જેનો જવાબ છે વાર્તા અને બાળગીતો. આ બે પૈકી વાર્તા સૌથી અસરકારક માધ્યમ બની શકે. કેમ કે, વાર્તા કાનથી શીખવવાની છે. બાળકને ભાષા શીખવવા માટે એવું કહી શકાય કે ભાષા શીખવવાની નહીં પરંતુ સંભળાવવાની હોય છે. બાળક જેટલું સ્પષ્ટ સંભાળશે એટલું જ સ્પષ્ટ બોલશે. અહીં માતા-પિતાને વાર્તાના માધ્યમથી બાળક સાથે સંવાદ કરવાની ઉત્તમ તક મળે છે. સંશોધનો કહે છે કે, વાર્તા થકી અક્ષમ બાળકો પણ બોલતા થઈ શકે છે. પરંતુ અફસોસ કે આપણે ત્યાં બાળસાહિત્ય માત્ર શાળા કે કોલેજોમાં અભ્યાસ પૂરતું સીમિત રહ્યું છે. અન્ય સાહિત્યની જેમ તેને ઉચ્ચતમ સ્થાન મળ્યું નથી. અન્ય વ્યવસાયો સાથે જોડાયેલા માતા-પિતા આ ક્ષેત્રમાં ઝંપલાવે તે જરૂરી છે. જો કે આ દિશામાં કેટલાક તબીબોએ નૂતન પહેલ કરી છે.
બાળકને વાર્તા કહેવા માટે માતા-પિતાએ એ વાત સમજવી પડશે કે વાર્તાનો મુખ્ય હેતુ આનંદ, આનંદ અને આનંદ જ છે. વાર્તા દ્વારા કશું શીખવી દેવાનો ઉદ્દેશ્ય ક્યારેય ન હોવો જોઈએ. કેમ કે બાળક માટે આનંદ એ જ સર્વસ્વ છે. વાર્તામાંથી આનંદની સાથે બાળકની કલ્પનાશક્તિ વધે છે અને તેનામાં સંવાદ તથા નાટ્યકલાનો વિકાસ થાય તે છે. બાળકને જ્યારે વાર્તા કહીએ ત્યારે એક વાત યાદ રાખવી પડશે કે બાળક જે જીલે છે તે જ રિફ્લેક્ટ કરે છે. નાનુ બાળક ઘરમાં, શેરીમાં કે અન્ય સ્થળે જે શબ્દ સાંભળે છે તે ક્યારેક ને ક્યારેક તો બહાર કાઢે જ છે. આ વાતનું ધ્યાન રાખીને વાર્તામાં શબ્દોની પસંદગી યોગ્ય રીતે કરવી જોઈએ.
ગીજુભાઈએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે, વાર્તા કહ્યા પછી બોધ આપવાની સહેજ પણ જરૂર નથી. વાર્તામાં હાવભાવ, અભિનય અને આરોહઅવરોહનું ખૂબ મહત્વ છે. વાર્તા કહેતી વખતે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વાર્તામાં રસ ભંગ ન થાય અને સાતત્ય જળવાઈ રહે. બાળકની ઉંમર પ્રમાણે શબ્દોની પસંદગી પણ જરૂરી બને છે. અહીં આપણી પાસે બાળકના વૃદ્ધિ વિકાસનું જ્ઞાન પણ હોવું જોશે.
માતા-પિતા તરીકે બાળકને વાર્તા કહેતા શીખવું એ ટેકનોલોજીના સમયમાં અઘરું નથી. પરંતુ પોતે કશું ન કરીએ અને સીધો જ બાળકને મોબાઇલ આપી દઈએ તો તેમાં જોખમ રહેલું છે. જરૂર લાગે તો માતા-પિતાએ ઇન્ટરનેટના માધ્યમથી વાર્તા સાંભળી તેમાં પોતાના ભાવ જગતનો ઉમેરો કરી પોતાના બાળકની જરૂરિયાત પ્રમાણે વાર્તા કહેવી પડશે. હવે જ્યારે ગુજરાત સરકાર પણ બાળકોના મોબાઈલ એડિશન વિશે સતત થઈ છે અને તેની પોલીસી બનાવવાનું વિચારી રહી છે ત્યારે માતા પિતાએ આગોતરા આયોજન તરીકે પોતે વાર્તા અને બાળગીત શીખવા જ રહ્યા.
આજે ઇન્ટરનેટ પર બહુ બધા ગુજરાતી વાર્તાકારોએ પોતાનું સર્જન પ્રસ્તુત કરેલું છે. ભાવનગરના ડૉ. દિગપાલસિંહ જાડેજા તથા પ્રો. રક્ષાબેન દવે બાળકો માટે ઉત્તમ વાર્તાઓ પ્રસ્તુત કરી છે. આપણે આ વાર્તાઓ સાંભળીએ અને વાર્તા કહેવાની ક્ષમતા કેળવીએ.
બાળકના સર્વાંગી વિકાસની ચિંતા કરતા આપણે સૌએ બાળકના હાથમાં સીધું જ મોબાઈલ નામનું યંત્ર આપીને ભૂલ તો કરી છે..! હવે સમય પાકી ગયો છે કે આ ભૂલ સુધારી લઈએ. શીખવા માટે મોબાઈલ સૌથી હાથવગુ યંત્ર છે પરંતુ આ યંત્રની લગામ માતા-પિતાએ રાખવી જ પડશે..! જે રીતે સતયુગમાં શબરીયે એક એક બોર ચાખીને ભગવાન શ્રીરામને આપ્યા હતા. તેવી રીતે માતા પિતા તેમજ શિક્ષકોએ ઓનલાઇન મળતી સામગ્રીને ચેક કરી ને જ બાળકને આપવી સલાહ ભર્યું છે.
આપણે બાળકને ક્ષમતાવાન બનાવવાની ઈચ્છા રાખીએ છીએ અને આપણા ભવિષ્ય વિશે ચિંતા કરીએ છીએ ત્યારે આપણા વારસદારને વિરાસતમાં શું આપવું જોઈએ ? સંપત્તિ અને સિદ્ધિઓની દોટમાં ક્યારેય ન ભૂલાય એવા જીવનના ઘનિષ્ઠ અનુભવો વાર્તા થકી આપી શકાય છે. આ વાર્તાના વૈભવ દ્વારા બાળકને સંવેદનશીલ, સંસ્કારી અને સાચો માણસ બનાવી શકાય છે પરંતુ તેની પૂર્વશરત એ છે કે આપણી અગ્રીમતા બાળક હોવું જોઈએ..! આપ સૌના જીવનનો પ્રત્યેક પડાવ વાર્તાની માફક ખાધું, પીધું અને રાજ કર્યું જેવો બને એ જ અભ્યર્થના..!!
*શીખવા જેવું :* બાળકને કહેવામાં આવતી વાર્તા એ બાળ માનસમાં આંબો વાવવા જેવું કામ છે. વાર્તા થકી વિકસેલા બાળક રૂપી આંબાના મીઠા ફળ આવનારી પેઢીને અમૃતનો ઓડકાર આપશે એ નક્કી છે..!
*ડૉ. કૃણાલ પંચાલ*
kmpanchal515@gmail.com
મો. 9429297737
_______________
ટીમ
✍🏼
*Limited 10 પોસ્ટ* વતી
મહેન્દ્ર મેરવાણા ( ફાઉન્ડર એડમીન ) – દિલ્હી
(આ પોસ્ટ *કોપી રાઈટ* આરક્ષિત હોવાથી તેમાં કોઈ ફેરફાર ન કરવો)
[ 22000 વાચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર* માટે ધબકતું, મારું *Limited 10 ✉ પોસ્ટ*, મારી ડિજિટલ પોકેટ 📚 લાઈબ્રેરી]
*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
.